અત્યાર સુધી છોડનો ઉપયોગ ઘરની શોભા વધારવા કે પછી આયુર્વેદિંક ઉપચાર કરવા માટે થતો હતો. હવે છોડમાંથી વેક્સિન પણ તૈયાર થશે. કોરોના વાઈરસની સસ્તી વેક્સિન ઉપલબ્ધ થાય તે માટે વૈજ્ઞાનિકોએ 'મોલિક્યુલર ફાર્મિંગ' ટેક્નિક અપનાવી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કોરોના વાઈરસની વેક્સિન તૈયાર કરાઈ છે. તેને 'CoVLP'નામ આપવામાં આવ્યું છે. આ સિવાય એક ફ્લૂની વેક્સિન પણ તૈયાર કરાઈ છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ટેક્નોલોજીથી તૈયાર થતી વેક્સિનની કિંમત ઓછી હશે અને તેને અલગ અલગ લોકોની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરવામાં આવશે. જાણીતી બ્રિટિશ ફાર્મા કંપની ગેલેક્સો સ્મિથક્લાઈન અને બાયોટેક કંપની મેડિકાગોએ મળીને તેને તૈયાર કરી છે.
ફાયદાનો દાવો કરતું મોલુક્યુલર ફાર્મિંગ શું છે તેનાથી શું ફાયદો થાય છે અને તેનાથી કેવી રીતે કોરોના વેક્સિન CoVLP ડેવલપ થઈ આવો જાણીએ...
મોલિક્યુલર ફાર્મિંગ એટલે શું
આ ટેક્નોલોજીથી વેક્સિન બનાવવા માટે સૌ પ્રથમ વૈજ્ઞાનિક લેબમાં વાઈરસના જિનેટિક મટિરિયલ તૈયાર કરે છે. ત્યારબાદ તેને એક છોડમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ પ્રકારે વાઈરસનું જિનેટિક મટિરિયલ છોડમાં ફેલાઈ જાય છે. છોડ મોટો થઈ જાય ત્યારે તેના પાંદડાં તોડી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. અર્થાત તેમનો રસ કાઢી લેવામાં આવે છે. એક્સટ્રેક્ટ ફિલ્ટર કર્યા બાદ તેમાંથી વેક્સિન તૈયાર કરવામાં આવે છે.
CoVLP શા માટે અલગ છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવી
CoVLP એક વાઈરસ લાઈક પાર્ટિકલ વેક્સિન છે. અર્થાત તેને એવા પાર્ટિકલથી તૈયાર કરવામાં આવી છે જે દરેક રીતે વાઈરસ જેવાં હોય છે, પરંતુ સંક્રમિત કરતાં નથી. સરળ શબ્દોમાં સમજીએ તો વેક્સિનનાં માધ્યમથી જ્યારે વાઈરસ લાઈક પાર્ટિકલ શરીરમાં પહોંચે છે તો કોઈ નુક્સાન નહિ થાય પરંતુ શરીરમાં મોટી સંખ્યામાં તેના વિરુદ્ધ એન્ટિબોડીઝ બનશે.
આ વેક્સિન લગાવ્યા બાદ જો થોડા મહિના બાદ કોરોનાવાઈરસ શરીરને સંક્રમિત કરે છે તો પહેલાંથી તૈયાર એન્ટિબોડીઝ તેનો નાશ કરશે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીથી તૈયાર થતી વેક્સિન એકદમ સસ્તી છે. તે ઘણા ઓછા સમય અને જગ્યામાં તૈયાર થશે.
CoVLP કેવી રીતે તૈયાર થઈ?
વાઈરસ લાઈક પાર્ટિકલ તૈયાર કર્યા બાદ તેને નિકોટિયાના બેંથામિયાના નામના છોડમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યા. આ છોડમાં આ રીતે વાઈરસના જિનેટિક મટિરિયલ પહોંચાડવામાં આવ્યાં. છોડ વિકસિત થાય તેની સાથે આ મટિરિયલ પણ વધે છે. થોડા સમય બાદ છોડના પાંદડાંઓ તોડી તેને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને આ મટિરિયલથી વેક્સિન તૈયાર કરવામાં આવે છે.
લેબમાં પાર્ટિકલ બનાવી શકાય છે તો છોડ શા માટે?
એક સવાલ ઉદભવે કે જ્યારે લેબમાં પહેલાંથી વાઈરસ લાઈક પાર્ટિકલ બનાવવામાં આવે છે તો છોડની જરૂર શા માટે? આ સવાલને આ રીતે સમજી શકાય કે, વાઈરસ લાઈક પાર્ટિકલવાળી વેક્સિનમાં વાઈરસ જેવાં પાર્ટિકલ્સને મોટી સંખ્યામાં બનાવવા માટે છોડનો ઉપયોગ બાયો રિએક્ટરના રૂપમાં થાય છે. આ પ્રકારની વેક્સિન બનાવવા માટે કાચો માલ અર્થાત એન્ટિજન ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં તૈયાર થાય છે. તેનાથી વેક્સિન સસ્તી અને ઝડપથી તૈયાર થાય છે.
સસ્તી અને અસરકારક
પ્લાન્ટ બેઝ્ડ વેક્સિન પર કામ કરનારા ફોસ્થર વોવેંડો અને કોવિંગરનું કહેવું છે કે, આ પ્રકારની વેક્સિન તૈયાર કરવામાં પ્રોસેસિંગની જરૂર પડતી નથી. તેથી તેને બનાવવા માટે ઓછો સમય લાગે છે અને ખર્ચો પણ ઓછો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.