મોબાઇલની મજા, આંખોની સજા:મોબાઇલ-કમ્પ્યુટરના વધુપડતા ઉપયોગથી આંખો સુકાઈને ‘ડ્રાય આઇઝ’ની સ્થિતિ સર્જાઈ શકે, ગંભીર સ્થિતિમાં અંધાપો પણ આવી શકે, બચવાની રીતો જાણી લો

એક વર્ષ પહેલાલેખક: ઈશિતા શાહ
 • કૉપી લિંક
 • સ્ક્રીન ટાઈમ વધ્યો હોવાથી ડ્રાય આઇઝની સમસ્યા થઈ શકે છે
 • ગેજેટનો ઉપયોગ કરતા સમયે બ્રાઈટનેસ 50%થી ઓછી ન રાખો
 • ડાયટમાં વિટામિન A,C અને E ધરાવતો ખોરાક લો
 • ડ્રાય આઇઝની સમસ્યા ન થાય એ માટે દર 6 મહિને આઇ ચેક-અપ કરાવવું જોઇએ

કોરોનાકાળમાં આફતને અવસરમાં બદલીને મોટા ભાગની વસ્તુઓ ઓનલાઈન થવા માંડી છે. વર્ક ફ્રોમ હોમ હોય કે પછી ઓનલાઈન સ્ટડી, એન્ટરટેનમેન્ટ હોય કે ઈ-કોમર્સ, લોકો પોતાનાં મોટા ભાગનાં પર્સનલ કામ માટે લેપટોપ અને સ્માર્ટફોન જેવા ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. કોરોનાકાળમાં ઓનલાઈન સિસ્ટમના ફાયદા તો અનેક છે, પરંતુ તેનાથી આપણા શરીરના મહત્ત્વ અંગ આંખનું કામ વધી ગયું છે. કોરોનાકાળમાં નાનાં ભૂલકાંઓથી લઈને વડીલોનો સ્ક્રીન ટાઈમ પ્રચંડ લેવલે વધી ગયો છે. સવારે આંખ ઊઘડે ત્યારથી રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી સતત આપણી આંખો કામ કરતી રહે છે અને હવે તો તે આપણી જાગ્રત અવસ્થાનો મોટાભાગનો સમય સ્ક્રીનની સામે જ રહે છે. નતીજા? આ બધાને કારણે આપણી જાણ બહાર આપણી આંખોને નુકસાન થઈ રહ્યું છે. તેની સૌથી કોમન સમસ્યા ‘ડ્રાય આઈઝ’ (Dry Eyes) અર્થાત આંખો સુકાઈ જવાની સમસ્યાઓનો લોકો ભોગ બની રહ્યા છે. કેટલાક લોકો તો પોતાના સ્ક્રીન ટાઈમમાં એટલા વ્યસ્ત છે કે તેઓ આ સમસ્યાથી પીડિત છે કે કેમ તેનાથી પણ અજાણ છે. શું હોય છે ડ્રાય આઈઝ? સ્ક્રીન ટાઈમ અને ડ્રાય આઈઝ વચ્ચે શું સંબંધ છે? ગંભીર પરિસ્થિતિમાં અંધાપો નોતરતી આ સમસ્યા ન થાય તે માટે કેવી સાવચેતી રાખવી જોઈએ? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદના ઑપ્થેલ્મોલોજિસ્ટ ડૉ. મનીષ જોશી સાથે વાતચીત કરી. આવો જાણીએ એક્સપર્ટનું શું કહેવું છે...

ડ્રાય આઈઝનું ગણિત સમજાવતાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મનીષ જોશી કહે છે કે સામાન્ય રીતે એક મિનિટમાં એક વ્યક્તિની આંખ 16-20 વખત બ્લિન્ક થાય છે અર્થાત્ પટપટે છે. આંખો બ્લિન્ક કરવાથી આંખની બહારની સપાટી પર ટિયર ફિલ્મનું મોઈશ્ચર મેન્ટેન રહે છે. યાને કે આંખની ભીનાશ જળવાઈ રહે છે. આ મોઈશ્ચર સુકાવા લાગે ત્યારે આંખમાં થતી સમસ્યાને ડ્રાય આઈઝ કહેવાય છે. ઓનલાઈન સ્ટડી હોય કે પછી વર્ક ફ્રોમ હોમ કે પછી આ કોરોનાકાળમાં વધુ પડતાં (નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વગેરે) OTTનો ઉપયોગ. તેને કારણે તમામ લોકોનો સ્ક્રીન ટાઈમ વધી જવાથી ડ્રાય આઈઝની સમસ્યા થઈ રહી છે.

ડ્રાય આઈઝ થવાનાં કારણોઃ

 • વધુપડતો સ્ક્રીન ટાઈમ
 • ઉંમરને કારણે
 • કોલેસ્ટોરેલ સહિતની મેડિસિન લેવાથી
 • કિમોથેરપી લેવાથી

જો તમે કોરોનાએ માઝા મૂકી છે ત્યારથી ઘરેથી લેપટોપ પર કામ કરી રહ્યા છો કે પછી તમારાં બાળકો ઓનલાઈન અભ્યાસ સાથે અન્ય એક્ટિવિટી માટે પણ સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યાં છે, તો તેમનામાં ડ્રાય આઈઝનાં લક્ષણો છે કે કેમ તે જાણવું ખૂબ જરૂરી છે. ડ્રાય આઈઝનાં લક્ષણો આ પ્રકારે છેઃ

 • ઝાંખું દેખાવું
 • કોન્સન્ટ્રેશન પાવર ઓછો થવો
 • જલ્દી આંખો થાકી જવી
 • આંખોમાં લાલાશ આવી જવી

ડ્રાય આઈઝની સમસ્યા અંધાપો લાવી શકે છે
હાલ પોસ્ટ કોવિડ સિમ્પ્ટમ્સ તરીકે પણ ડ્રાય આઈઝની સમસ્યા જોવા મળી રહી છે. તેથી વધુ તકેદારી રાખવી આવશ્યક છે. લક્ષણો જાણીને વહેલી તકે સારવાર કરાવી લેવાની આવશ્યકતા છે. જો આ સમસ્યા ગંભીર બને તો કોર્નિઅલ અલ્સર, કીકીની સફેદી જેમાં ઝાંખું દેખાવા લાગે છે અને વધુ ગંભીર સ્થિતિમાં બ્લાઈન્ડનેસ અર્થાત અંધાપો પણ આવી શકે છે.

સતત સ્ક્રીન પર વર્ક કરવાથી નજદીકની વસ્તુ માટે આંખનાં મસલ્સ જામ થઈ જાય છે તેને રિલેક્સ કરવા માટે અને ડ્રાય આઈઝની સ્થિતિ ન સર્જાય, તે માટે ડૉ. જોશી આ બાબતોનું ધ્યાન રાખવાની ખાસ સલાહ આપે છે.

 • સ્ક્રીન ટાઈમ વધુ ન રાખવો
 • દર 30 મિનિટે 2થી 5 મિનિટ માટે સતત આંખ બ્લિન્ક કરો
 • ફ્રિન્કવન્ટ્લી આંખો બ્લિન્ક કરતા રહો
 • આંખમાં પાણીની છાલકો મારો

આ તો થઈ આપણી આંખની કાળજી રાખવાની વાત, પરંતુ મોબાઈલ કે પછી લેપટોપ પર કામ કરતી વખતે અન્ય કેટલીક બાબતો પણ મહત્ત્વની છે. તેમાં આપણી આસપાસનું વાતાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. સ્ક્રીન પર કામ કરતી વખતે જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ડ્રાય આઈઝની સમસ્યા થઈ શકે છે.

 • વર્ક પ્લેસમાં પ્રોપર લાઈટિંગ હોવું જોઈએ
 • પથારીમાં સૂઈને સ્ક્રીનનો ઉપયોગ ન કરવો તેનાથી આંખોને સ્ટ્રેન પહોંચે છે
 • સ્ક્રીન સાઈઝમાં બિગર ઈઝ બેટર. મોબાઈલ કરતાં લેપટોપ અને લેપટોપ કરતાં ડેસ્કટોપ સારો વિકલ્પ છે
 • બને તો તમારા ગેજેટની બ્રાઈટનેસ 50%થી ઓછી ન રાખવી.
 • નાના બાળકોની આઉટડોર એક્ટિવિટી વધારવી

કોન્ટેક્ટ લેન્સ અને ડ્રાય આઈઝ
ડૉ. મનીષ જોશી કહે છે કે જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સ્ક્રીન ટાઈમ સાથે કોન્ટેક્ટ લેન્સથી પણ ડ્રાયનેસ આવી જાય છે. તેથી બને તો ઘરમાં કોન્ટેક્ટ લેન્સને બદલે ચશ્માંનો ઉપયોગ કરવો. જો તમારે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવો પડે તેમ હોય, તો ડિસ્પોઝેબલ કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો. તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે સારો વિકલ્પ છે. કોન્ટેક્ટ લેન્સ પહેરીને સૂઈ ન જવાની પણ એક્સપર્ટ સલાહ આપે છે.

ડ્રાય આઈઝની સમસ્યાથી બચવા માટે કેવું ડાયટ લેવું જોઈએ
આપણા ડાયટનો આપણા સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. ડ્રાય આઈઝની સમસ્યાથી બચવા માટે પણ બેલેન્સ ડાયટ લેવું જરૂરી છે. ડૉ. જોશીના કહેવા પ્રમાણે આ પ્રકારનું ડાયટ લેવાથી ડ્રાય આઈઝની સમસ્યાથી બચી શકાય છેઃ

 • ગાજર, પપૈયાં, ડેરી પ્રોડક્ટ સહિતનાં વિટામિન-A ધરાવતાં ફ્રૂટ્સ અને શાકભાજી
 • ઓમેગા ફેટિ એસિડથી ભરપૂર અખરોટ, કાજુ, દ્રાક્ષ જેવાં ડ્રાયફ્રુટ્સ
 • નારંગી, મોસંબી, આમળાં સહિતનાં વિટામિન-C યુક્ત ફળો
 • વિટામિન E ધરાવતી આઈટેમ્સ જેમ કે કિવિ, કેરી, બદામ, પીનટ બટર વગેરે

20-20-20નો ગોલ્ડન રુલ
જે લોકોને હાલ કોરોનાકાળમાં કે પછી સામાન્ય સંજોગોમાં પણ નોકરીને કારણે વધારે પડતો સ્ક્રીન ટાઈમ રહેતો હોય તેમના માટે ડૉ. જોશી ‘20-20-20’ રુલ ફોલો કરવાની સલાહ આપે છે. અર્થાત દર 20 મિનિટે 20 ફૂટ દૂરની વસ્તુને 20 સેકન્ડ સુધી જોવી. આ સિવાય પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. એક્સપર્ટ આંખોના રિલેક્સેશન માટે 8 કલાક ઊંઘ લેવાની સલાહ આપે છે. દિવસ દરમિયાન મિનિમમ 4થી 5 લિટર પાણી પીવું પણ જરૂરી છે. આ સાથે જ સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે એન્ટિ ગ્લેયર ગ્લાસ પહેરવાની પણ સલાહ આપે છે. જે લોકોને પહેલાંથી ચશ્માં છે કે પછી જે લોકો વધારે સ્ક્રીન ટાઈમવાળી જોબ કરે છે તેને ડૉક્ટર દર 6 મહિને રુટિન આઈ ચેકઅપની સલાહ આપે છે. જે લોકો જાહેરાતો જોઈને આઈ ડ્રોપ્સ લાવી તેનો ઉપયોગ કરે છે તેને ડૉક્ટર જોશી અલર્ટ કરતાં કહે છે કે ડ્રાય આઈઝના પોતાનાં અલગ અલગ કારણો હોય છે. તેથી આ પ્રકારની બેદરકારી ન દાખવી ડૉક્ટરની સલાહ લીધા બાદ જ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...