કોરોનાકાળમાં બાળકો ગેજેટ્સના રવાડે:બાળકો દરરોજ 8થી 10 કલાક ગેજેટ્સ પર પસાર કરતાં હોવાથી બ્રેન સેલ્સ ડેમેજ થઈ રહ્યા છે, સાથે જ તેમનો બિહેવિયર હિંસક બનવા લાગ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, દિવસમાં 2 કલાકથી વધારે ગેજેટ્સનો ઉપયોગ બાળકનો બિહેવિયર બદલી શકે છે
  • વધારે પડતો ગેજેટ્સનો ઉપયોગ કરવાથી બાળકોમાં મેદસ્વિતા અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે

કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમની સાથે બાળકોનો અભ્યાસ પણ ઓનલાઈન થતાં તેઓ ગેજેટ્સનો વધારો ઉપયોગ કરી રહ્યા છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, બાળકો કોરોનાકાળમાં આશરે 8થી 10 કલાક ગેજેટ્સ સાથે પસાર કરી રહ્યા છે. પરિણામે તેમનાં મગજનાં સેલ્સ ડેમેજ થઈ રહ્યા છે. મેદસ્વિતા વધી રહી છે અને તેમની ઊંઘ પૂરી નથી થઈ રહી. તેમનો બિહેવિયર પણ હિંસક બનતો જાય છે.

મુંબઈની મસીના હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂરોસર્જન ડૉ. રાજ અગરબત્તીવાલા જણાવે છે કે, મહામારીને કારણે પેરેન્ટ્સ બાળકોને બહાર લઈ જતાં નથી પરંતુ તેઓ બાળકોને મોબાઈલ અને ટેબ્લેટ રમવા માટે આપી દે છે. તેને કારણે બાળકો કલાકો ગેજેટ્સ પર પસાર કરી રહ્યા છે.

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના રિસર્ચમાં પુષ્ટિ થઈ
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થે 47 પ્રી સ્કૂલ એજના બાળકો પર રિસર્ચ કર્યું. તેમાં 2થી 5 વર્ષની ઉંમરના બાળકો હતા. તેમણે હજુ સ્કૂલ જવાનું શરૂ કર્યું નહોતું. આ બાળકો ગેજેટ્સ પર વધારે સમય પસાર કરતાં જોવાં મળ્યાં. તેમનાં મગજનું સ્કેનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે તેમનાં મગજમાં ગ્રે મેટરમાં નકારાત્મક ફેરફાર જોવા મળ્યા. મગજમાં ગ્રે મેટર બાળકોની શીખવાની ક્ષમતા માટે જવાબદાર હોય છે.

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે, બાળકોને 2 ગ્રુપમાં વહેચવામાં આવ્યા. પ્રથમ જે ગેજેટ્સનો ઉપયોગ 2 કલાક સુધી કરતાં હતાં અને બીજાં ગ્રુપમાં એક દિવસમાં 7 કલાક સુધી ગેજેટ્સનો ઉપયોગ કરતાં બાળકોને રાખવામાં આવ્યા. બંને ગ્રુપનાં બાળકોનો લેંગ્વેજ ટેસ્ટ કરવામાં આવ્યો. રિપોર્ટમાં સામે આવ્યું કે 7 કલાક સુધી ગેજેટ્સનો ઉપયોગ કરતાં બાળકોની સરખામણીએ 2 કલાક ઉપયોગ કરતાં બાળકોને સ્કોર વધારે રહ્યો.

ગેજેટ્સનો વધારે ઉપયોગ કરવાથી થતાં નુક્સાન

  • મેદસ્વિતા વધી રહી: દિવસમાં કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને ગેજેટ્સનો ઉપયોગ કરવાથી ફિઝિકલ એક્ટિવિટી ઘટી રહી છે. તેને લીધે બાળકોમાં મેદસ્વિતા વધી રહી છે. ડૉ. રાજ અગરબત્તીવાલા કહે છે કે, લાંબા સમય સુધી આમ જ રહેશે તો બાળકો ઓવરવેટ થઈ જશે. તેથી બાળકોની ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન રાખવું જોઈએ.
  • બાળકો હિંસક બની રહ્યા છે: અમેરિકન એકેડેમી ઓફ ચાઈલ્ડ એન્ડ અડોલ્સેંટ સાઈકિયાટ્રીના જણાવ્યા પ્રમાણે, ટીવી શૉઝ, ફિલ્મ અને વીડિયો ગેમ્સ બાળકોને લક્ષ્યથી ભટકાવી રહ્યા છે. તેને લીધે બાળકોનો બિહેવિયર હિંસક બની રહ્યો છે.
  • ઊંઘ ન પૂરી થવી: રાતે સૂવાના ટાઈમ સુધી ટીવી જોવાથી અને ગેજેટ્સનો ઉપયોગ કરવાથી બાળકોની ઊંઘ પૂરી થતી નથી. મગજમાં ચાલતી સ્લીપ સાઈકલ ડિસ્ટર્બ થઈ રહી છે. પરિણામે બાળકો અનિદ્રાથી પીડાઈ રહ્યા છે.
  • અભ્યાસમાં પાછળ: ગેજેટ્સનો ઉપયોગ બાળકોનું ધ્યાન ભટકાવે છે. તેને લીધે બાળકોને અભ્યાસ સંબંધિત નાની નાની વસ્તુ સમજવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી થાય છે. ગેજેટ્સનો ઉપયોગ વધવા પર ફરી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું બાળકો માટે મુશ્કેલ બને છે.
  • બિહેવિયરમાં ફેરફાર: એક્સપર્ટ કહે છે કે ગેજેટ્સનો 2 કલાકથી વધારે ઉપયોગ કરવાથી બાળકોનો બિહેવિયર બદલાઈ શકે છે. તેમનાં સોશિયલ અને ઈમોશનલ બિહેવિયરમાં ફેરફાર આવી શકે છે.

1 કલાકથી વધારે ગેજેટ્સ ઉપયોગ ન કરવા દો
અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે, 2થી 5 વર્ષનાં બાળકોને 1 કલાકથી વધારે ગેજેટ્સનો ઉપયોગ ન કરવા દો. પશ્ચિમ ભારતમાં 379 બાળકો પર થયેલી સ્ટડી પ્રમાણે, આ ઉંમરનાં બાળકો 1 કલાકથી વધારે સમય ગેજેટ્સ પર પસાર કરે છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં. તેવામાં દરેક વર્ગ માટે ગેજેટ્સ ઉપયોગની એક લિમિટ નક્કી કરવાની જરૂરિયાત છે.