સપના આવવા એ સામાન્ય બાબત છે. અમુક લોકોને અવારનવાર દુઃસ્વપ્નો આવતા હોય છે, જેના કારણે તે એકાએક ઊંધમાંથી જાગી જાય છે. 35-64 વર્ષની ઉંમરમાં જો અઠવાડિયામાં 4 દિવસ દુઃસ્વપ્નો આવે તો યાદશક્તિ જવાનું જોખમ રહે છે. જો કે, હાલમાં જ બર્મિંઘમ યુનિવર્સિટીની એક શોધમાં એ સામે આવ્યું છે કે, દુઃસ્વપ્નો નિયમિત જોવામાં આવે તો ગંભીર ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર થવાની આશંકા વધી જાય છે.
વિશેષ વાત તો એ છે કે, 79થી વધુ ઉંમરના લોકોમાં અંદાજે 5 ટકા લોકોને જ દુઃસ્વપ્નો આવે છે. એક અંદાજ મુજબ 41 ટકા મહિલાઓ અને 59 ટકા પુરુષો પર આ ખરાબ સપનાની ખૂબ જ ગંભીર અસર પડે છે. એક અભ્યાસ પરથી એ જાણવા મળ્યું કે, તે કેન્દ્રીય ચેતાતંત્રનો એક વિકાર છે. તે તમારા રોજબરોજના જીવનની કામગીરીને અસર કરે છે.
અંગોમાં વાઈબ્રેશનની સમસ્યા વધે છે
જેના કારણે લોકોને અંગોમાં વાઈબ્રેશનની સમસ્યા થાય છે. આ સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે, જે લોકોને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત દુઃસ્વપ્નો આવ્યા હોય છે, તેમની યાદશક્તિ ગુમાવવાની શક્યતા આવનાર સમયમાં જેમને દુઃસ્વપ્નો ન આવતા હોય તેની તુલનામાં ચાર ગણી વધી જાય છે. બીજી તરફ વૃદ્ધોમાં દુઃસ્વપ્નો આવ્યા બાદ તેમની યાદશક્તિ ઓછી થવાની શક્યતા બમણી હોય છે. આ રિસર્ચમાં 600થી વધુ આધેડ વયસ્કો અને 79 વર્ષથી વધુ ઉંમરના 2600 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અગાઉના સંશોધન મુજબ તરુણાવસ્થા અને મધ્યમ વયની સ્ત્રીઓમાં દુઃસ્વપ્નો વધુ જોવા મળે છે, પરંતુ પુરુષોની ઉંમર વધવાની સાથે દુઃસ્વપ્નોનું જોખમ પણ વધતું જાય છે.
ઓછી કસરત અને ધૂમ્રપાનના કારણે પણ યાદશક્તિ ગુમાવવાનું જોખમ વધારે રહે છે
આ અભ્યાસના મુખ્ય લેખક ડૉક્ટર અબિદેમી ઓટાઈકુએ જણાવ્યું હતું કે, ઘણીવાર નબળો આહાર, કસરતનો અભાવ, ધૂમ્રપાન અને વધુ પડતો આલ્કોહોલ પીવાથી પણ યાદશક્તિ ગુમાવવાનું જોખમ વધી જાય છે. પ્રારંભિક લક્ષણો શોધીને તેનું સંપૂર્ણ નિદાન કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.