મોબાઇલ જોવાની આદત તમને બીમાર કરી શકે:અનિંદ્રા, હાઈ બ્લડપ્રેશર, ચીડિયાપણું, અને ડિપ્રેશનનો શિકાર બની શકો છો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોબાઈલ ફોન જીવનનો એક ભાગ બની ગયાં છે. મોડી રાત સુધી અને સવારે ઉઠતાંની સાથે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ આજકાલ સામાન્ય વાત બની ગઈ છે. આ આદત કોઈ વ્યસનથી ઓછી નથી, વ્યસન છોડવું જેટલું મુશ્કેલ છે તેટલું જ મુશ્કેલ આદતથી છુટકારો મેળવવો પણ છે. સાઈકોલોજિસ્ટ યોગિતા કાદિયાન સવારે ઉઠતાંની સાથે જ મોબાઈલ જોવાથી થતાં નુકશાન અંગે વાત કરી રહી છે.

મોબાઈલ વગર ઊંઘ આવતી નથી
પરિસ્થિતિ એટલી હદ્દ સુધી કથળી ચૂકી છે કે, મોબાઈલ વગર લોકોને ઊંઘ પણ આવતી નથી. આ વાત અહીથી જ ખતમ થતી નથી, પથારીમાંથી ઊઠતાં વેંત જ મોબાઈલ હાથમાં જોઈએ, પરંતુ શું તમને ખ્યાલ છે કે તમારી આ આદત તમારાં સ્વાસ્થ્યને કેટલી હદ્દ સુધી નુકશાન પહોંચાડી શકે છે.

હાઈ બ્લડપ્રેશર
સવારે ઊઠીને જો આપણે કોઈ વસ્તુ વિશે વારંવાર વિચારીએ તો તેનાં કારણે તમે તણાવગ્રસ્ત થઈ શકો છો. તેના કારણે તમારું બ્લડપ્રેશર પણ હાઈ થઈ શકે છે. આંખ ખુલતાં જ સોશિયલ મીડિયા પર ફેલાયેલી આડાઅવળી વાતો સાંભળીને કે વાંચીને જે તણાવ ઊભો થાય છે તે તમારું બ્લડપ્રેશર વધારી શકે છે. તેનાં કારણે તમારે અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

થાકોડો અને સુસ્તી
વારંવાર મોબાઈલ ચેક કરવો કે કાલે શું કર્યું હતું ને આજે શું કરશું? એવાં લોકોનાં મનમાં કામને પૂરું કરવાને લઈને ડર અને ચિંતા રહે છે. આ લોકોની સવારથી જ શરીરની ઉર્જા ઓછી હોય છે. થાકોડાં અને સુસ્તીનો અનુભવ થાય છે.

ભૂતકાળ કરે છે નિરાશ
સવારે ઊઠતાંની સાથે જ આપણે ઈ-મેલ અને નોટિફિકેશન ચેક કરીએ તો વીતેલાં દિવસોની અમુક વાતો વાંચીને પરેશાન થઈ જાઈએ છીએ, જેના કારણે આપણું હૃદય અને મગજ આ પ્રકારની વાતોમાં જ ફસાયેલું રહે છે.

ચિંતા અને તણાવ
દિવસની શરુઆત કોઈપણ પ્રકારનાં તણાવ કે ચિંતા વગર કરવું જોઈએ. સવારે ઊઠતાં વેંત જ મોબાઈલમાં ઢગલાબંઘ મેસેજ, ઈ-મેલ, ફેસબુક, વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને વિચિત્ર પ્રકારની માહિતીઓથી ભરેલું હોય છે. સવારે ઊઠતા વેંત જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ જોવાની શરુ કરી દઈએ છીએ. એવામાં તમારું મગજ બંધ થઈ જાય છે અને વિચારવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે.

સ્વભાવ ચીડિયો બની જવો
સોશિયલ મીડિયા જીવન પર એટલું હાવી થઈ ગયું છે, કે મોબાઈલ ફોન ચેક કરતાં સમયે ના ઈચ્છતાં હોવા છતાં સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. સવારની શરુઆત મોબાઈલથી કરવાથી તમારા સ્વભાવમાં એકાએક બદલાવ આવી જાય છે. તેનું કારણ એ છે, કે સવારમાં ઉઠીને જો તમે મોબાઈલમાં એવી કોઈ વાત જોઈ લીધી છે, જે નેગેટિવ છે તો તેની સીધી અસર તમારાં મૂડ પર થશે. વાત-વાત પર ગુસ્સો આવવો પણ તેનું એક કારણ હોઈ શકે છે.

કામ પર પડી શકે છે ખરાબ અસર
સવારે ઊઠીને સૌથી પહેલાં મોબાઈલની નોટિફિકેશન જોતાં જ મન તે નોટિફિકેશન વિશે વિચારવા પર મજબૂર થઈ જાય છે. જો સવારમાં સોશિયલ મીડિયા પર કોઈ ટેન્શનવાળી વાત થઈ ગઈ હોય તો આખો દિવસ તમારું મૂડ ખરાબ રહેશે. તેના કારણે મન બીજાં કામમાં લાગતું નથી અને તેનાં કારણે કાર્યશૈલી પ્રભાવિત થાય છે.

ડિપ્રેશન થવાની શંકા
રાતનાં મોબાઈલ જોઈને ફરી પાછાં સવારે પણ ઊઠતાં વેત મોબાઈલ હાથમાં લઈને બેસી જાય તો તેમની માનસિક સ્થિતિ ખૂબ જ વધારે પડતી બગડી શકે છે. આવા લોકો મોટાભાગે સોશિયલ મીડિયાથી એડિકટેડ થઈ ગયા હોય છે. આ લોકો ફેસબુક, વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ પરનાં મિત્રો સાથે પોતાની જીવનશૈલીની તુલના કરે છે અને તેનાં કારણે વાસ્તવિક જીવનમાં ડિપ્રેશનનાં શિકાર બને છે. વાત-વાત પર ગુસ્સો પણ આવવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

મોબાઇલની આદત છોડીને સવારની શરૂઆત કરો
મોબાઇલની આદત છોડીને સવારની શરૂઆત કરો

મોબાઇલની આદત છોડીને સવારની શરૂઆત કેવી રીતે કરવી?
સવારની શરૂઆત એવી હડબડાહટ સાથે થાય છે કે અનુમાન લગાવવું મુશ્કેલ બની જાય છે કે કરવું શું? આ આદત અજાણતાં જ અનેક રોગોને આમંત્રણ આપી શકે છે. સવારે ઉઠતાંની સાથે જ મોબાઈલ જોવાની આડઅસર શું હોઈ શકે? મોબાઇલની આદત છોડીને કેવી રીતે સવારની શરૂઆત કરવી?

ખૂબ જ જરૂરી હોય તો જ મોબાઈલ ફોન જોવો
જો કોઈ મહત્વનું કામ હોય તો જ સ્માર્ટફોનનો ઉપયોગ કરો. સવારની શરૂઆત મેટાબોલિઝમ પર ખૂબ જ અસર કરે છે. યોગ્ય પ્રમાણમાં મેટાબોલિઝમ તમારાં મૂડને સારો રાખે છે તેમજ શરીર ઉર્જાથી ભરપૂર રહે છે.

દિવસની શરૂઆત ફ્રેશનેસ સાથે થશે
જો તમે સવારે ઉઠતાંની સાથે જ સ્માર્ટફોન હાથમાં ના લો તો તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકો છો. આત્મચિંતન કરીને તમે આખા દિવસ માટે એક સારી એવી યોજના બનાવી શકો છો, પરંતુ મોબાઇલ ફોનને વળગી રહેવાને કારણે તમે આ બધું કરી શકતા નથી. સવારમાં ઊઠીને પોતાની જાતને સમય આપવો એ તમારી જાતને મુક્ત કરવા બરાબર છે. તમારી જાતને સમય આપીને તમે તમારાં માટે શક્ય તે બધુ જ કરી શકો છો. આ જ રીતે મોબાઈલથી અંતર રાખીને તમે તમારાં જીવન માટે બેસ્ટ પ્લાન બનાવો.

યોગની આદત
સવારની શરૂઆત યોગથી કરશો તો શરીર અને મન બંને સ્વસ્થ રહેશે. સવારે ઉઠો ત્યારે મોબાઇલની આદત કરતાં તે વધુ સારી છે. આ ઉપરાંત તમે ધ્યાન પણ કરી શકો છો. જેનાથી તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો.

પરિવાર સાથે સમય વિતાવશો
સવારને સુખદ બનાવવા માટે પરિવાર સાથે સમય વિતાવશો. સવારે મોબાઇલમાં સોશિયલ મીડિયા તમને તણાવ અને અવ્યવસ્થા સિવાય બીજું કશું જ આપતું નથી.

પલંગથી દૂર ફોન ચાર્જ કરો
મોટાભાગનાં લોકો રાતે સૂતી વખતે પલંગની બાજુમાં જ મોબાઇલ ચાર્જ કરતાં રહે છે અને મોડી રાત સુધી ફોન ચેક કરતાં રહે છે. સવારે ઉઠતાંની સાથે જ તે બેડ પર બેઠા ફરી મોબાઈલ જોવા લાગે છે, જેથી સમયની ખબર જ રહેતી નથી.