હેલ્થ ટિપ્સ:છ કલાકથી ઓછી ઊંઘ હોય તો હાર્ટ એટેકનું જોખમ વધારે, તો ફાસ્ટફૂડથી ઘટી રહી છે ઉંમર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજની લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણને કારણે આપણી ઉંમર 5 વર્ષ ઘટી છે. હાલમાં જ એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ એટ ધ યુનિવર્સિટી ઓફ શિકાગોના રીપોર્ટથી બધા જ લોકો ચોંકી ગયા છે. આપણી ઉંમર ફક્ત પ્રદૂષણને કારણે જ નહીં પરંતુ લાઇફસ્ટાઇલને કારણે પણ ઘટી રહી છે. આ સિવાય કુપોષણથી પણ ઉંમર ઘટી શકે છે.

ધૂમ્રપાન અને ફાસ્ટફૂડ પણ બને છે દુશ્મન
આ રિપોર્ટ અનુસાર, ખરાબ ખાવાની આદતથી જીવન 1.8 વર્ષ અને ધૂમ્રપાનથી આયુષ્ય ઘટી રહ્યું છે. એક અભ્યાસ અનુસાર, જે લોકોએ 35 વર્ષની ઉંમરે ધૂમ્રપાન છોડ્યું તેમની ઉંમરમાં 8.5 વર્ષનો વધારો થયો. તે જ સમયે, 60 વર્ષની વયે આ આદત છોડનારાઓની ઉંમરમાં 3 વર્ષનો વધારો થયો છે.

ફિઝિશિયન ડોક્ટર બોબી દીવાને કહ્યું હતું કે, આજકાલ દરેક પાસે સમયનો અભાવ છે. સમયના અભાવને કારણે આપણે પ્રિઝર્વ કે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. જેની આપણા પાચનતંત્ર પર અસર થાય છે. જો પાચનતંત્ર સારું ન હોય તો ઘણી બીમારીઓ ઘેરી લે છે, જેના કારણે ઉંમર પણ ઘટવા લાગે છે.

33 લાખ બાળકો કુપોષણના ભોગ
છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં કુપોષણની સમસ્યા છે. જેના કારણે ઉંમર 1.8 વર્ષ ઘટી રહી છે. 2021માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક RTIનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતમાં 33 લાખ બાળકો કુપોષિત છે.

તે જ સમયે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખબર પડી હતી કે, લગભગ 89% 6 થી 23 મહિનાના બાળકોને નાની ઉંમરે પૂરતો ખોરાક મળતો નથી. તો 87.3% બાળકોને માતાનું દૂધ મળતું નથી.

15 મિનિટની કસરતથી ઉંમરમાં થશે 3 વર્ષનો વધારો
ઘણા અભ્યાસોમાં પણ આ સાબિત થયું છે કે, જો તમે કસરત, વૉકિંગ, યોગ અથવા કોઈપણ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા તો તમે તમારા જીવનના દિવસો ઘટાડી રહ્યા છો.નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, કસરત કરવાથી જીવન 30-35% વધે છે. આ સાથે બીપી, શુગર, હૃદય રોગ, કેન્સર, ડિપ્રેશન જેવી બીમારીઓ પણ દૂર રહે છે. દરરોજ માત્ર 15 મિનિટની કસરત જીવનને 3 વર્ષ વધારી શકે છે.

ઊંઘના કારણે પણ ઉંમર ઘટી રહી છે
જેમ શરીર માટે ખોરાક જરૂરી છે તેવી જ રીતે ઊંઘ પણ શરીર માટે જરૂરી છે. 6 કલાકથી ઓછી ઊંઘ તમારા જીવનના વર્ષો 15% સુધી ઘટાડી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જનરલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. તેઓમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાની સંભાવના 83% વધી જાય છે.

પુરુષોની સરખામણીએ મહિલાઓની ઉંમર વધારે
વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારતમાં લોકોની ઉંમર 70 વર્ષ સુધી છે. સ્ત્રીઓ પુરુષો કરતાં 3 વર્ષ વધુ જીવે છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2020 રિપોર્ટમાં વિશ્વમાં અપેક્ષિત આયુષ્ય માટે ભારત117માં ક્રમે હતું. ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 70.8 અને પુરુષોની 69.5 હતી. ડોક્ટર બોબી દીવાને જણાવ્યું હતું કે, મહિલાઓમાં હોર્મોન્સ સતત બદલાતા રહે છે અને તેનાથી તેમની ઉંમર વધે છે.

વધુ સુવિધા વધુ આળસ
ડોક્ટર બોબી દીવાને દિવ્ય ભાસ્કર સાથેનીવાતચીતમાં જણાવ્યું હતું કે, આજકાલ લોકો સોશિયલ મીડિયા અને ઓટીટીની આસપાસ રહેવાના કારણે તેઓ વાસ્તવિક દુનિયાથી દૂર થઈ રહ્યા છે. મોબાઈલ જોતા-જોતા જગ્યાએ બેસીને કેટલું જમે છે તે પણ ખબર નથી રહેતી. તો ઘણીવાર મોબાઈલમાં એટલા મશગુલ હોય છે કે, આખી રાત મોબાઈલ હાથમાં રહે છે, જે આપણા મગજને અસર કરે છે. જેમ-જેમ સુવિધા વધી રહી છે તેમ-તેમ માણસ આળસુ બનવા લાગ્યો છે. મારી પાસે એવી ઘણી મહિલાઓ આવે છે જેમની શુગર વધી ગયું છે, મેં તેને સાંજે ચાલવાની સલાહ આપી, તો જવાબ એવો મળ્યો હતો કે, અમારે સિરિયલ જોવી હોય છે તમે દવા આપો.

ઉંમર કેવી રીતે વધી શકે
તમારા લાંબા આયુષ્ય માટે તમારા શરીરને સમજવું ખૂબ જ જરૂરી છે. આ માટે શ્રેષ્ઠ એ છે કે સૂર્ય ઉગતાની સાથે જ જાગવું અને સૂર્યાસ્ત સમયે સૂવું. આપણી પાસે શરીર ઘડિયાળ છે જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. તે સૂર્ય અનુસાર કાર્ય કરે છે. એટલા માટે આળસ છોડીને દરેક કામ યોગ્ય સમયે કરવું જરૂરી છે. શરીરને બને તેટલું એક્ટિવ રાખો. ધુમ્રપાન, આલ્કોહોલ અને ફાસ્ટ ફૂડથી તો બિલકુલ દૂર જ રહો.