વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે 2022:જાણો આ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

'વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ' ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે, જેથી ખોરાકજન્ય જોખમોને અટકાવી શકાય, શોધી શકાય અને તેનું યોગ્ય નિરાકરણ શોધી માનવ આરોગ્યમાં સુધારો કરી શકાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક સ્તરે દર 10 માંથી એક વ્યક્તિ દર વર્ષે ખોરાકજન્ય રોગોથી પ્રભાવિત થાય છે. સલામત ખોરાક એ સારા સ્વાસ્થ્યનું ચિહ્ન છે જ્યારે નબળી ગુણવતાવાળો ખોરાક ઘણા રોગોનું કારણ બની શકે છે.

આહારની નબળી ગુણવત્તા આરોગ્યની કથળતી જતી સ્થિતિમાં પુરેપૂરો ફાળો આપે છે, જેમકે નબળી વૃદ્ધિ અને વિકાસ, પોષકતત્ત્વોની ઉણપ, બિનચેપી કે ચેપી રોગો અને માનસિક બીમારી વગેરે. ખોરાકજન્ય રોગો સામાન્ય રીતે અદ્રશ્ય હોય છે અને આ બીમારીઓનો ખ્યાલ ખૂબ જ મોડો પડે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસને એ સંદેશ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે કે ઉત્પાદનથી લઈને લણણી, પ્રોસેસિંગ, સંગ્રહ, વિતરણ, તૈયારી અને વપરાશ સુધીના દરેક તબક્કે ખોરાક સુરક્ષિત રહેવો જોઈએ. દર વર્ષે 7 જૂને વૈશ્વિક સ્તરે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ માર્ચમાં ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ની થીમ જાહેર કરી હતી. આ વર્ષે 'Safer food, better health' થીમ રાખવામાં આવી છે. WHO એ વૈશ્વિક ભાગીદારીને પ્રેરણા આપવા માટે એક અભિયાન પણ શરૂ કર્યું હતું. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો હેતુ ખોરાકજન્ય રોગોને રોકવા માટે અને સારું સ્વાસ્થ્ય પૂરું પાડવા માટે ખાદ્ય પ્રણાલીઓમાં પરિવર્તન લાવવાનો છે. આ દિવસ આપણને તક પૂરી પાડે છે કે, આપણે આપણાં પ્રયાસો થોડાં મજબૂત કરીએ અને ખોરાકને વધુમાં વધુ સુરક્ષિત બનાવીને ખોરાકજન્ય રોગોમાં વૈશ્વિક સ્તરે ઘટાડો કરીએ.