કામના સમાચાર:શું ઝાડા-ઉલટી છે કોરોનાનાં નવા લક્ષણ?, આ લક્ષણ જોવા મળે તો તુરંત જ કરાવો કોરોના ટેસ્ટ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં 2 વર્ષથી વધુ સમયથી કોરોનાએ પગ પેસારો કર્યો છે. સંભવિત કોરોનાની ચોથી લહેર વચ્ચે દિલ્હી, મિઝોરમ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કેરળ બાદ રાજસ્થાનમાં પણ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. આ વખતે કોરોના સંક્રમિત દર્દીઓને શરદી, ઉધરસ અને તાવ સિવાય ઝાડા-ઉલટીની પણ સમસ્યા જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ઝાડા-ઉલટી કોરોનાનાં નવા લક્ષણ છે.

કામના સમાચારમાં જાણીએ કે ઝાડા-ઉલટીની સમસ્યા થાય તો કયારે કોરોનાનાં લક્ષણ માની શકાય ?

રાજસ્થાન કોરોના હોસ્પિટલ RUHSના બાળરોગ નિષ્ણાંતે ડો.આલોક ગોયલે કહ્યું હતું કે, છેલ્લાં થોડા દિવસથી ઓપીડીમાં મોટી સંખ્યામાં બાળકો આવી રહ્યા છે. આ બાળકોમાં ઝાડા-ઉલટી અને તાવની સમસ્યા જોવા મળી રહી છે. તો ઘણા બાળકોને પેટમાં દુખાવાનાં પણ લક્ષણો જોવા મળી રહ્યા છે. આ બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે પાંચ ટકા બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવો કોરોનાના લક્ષણો છે કે પછી ગરમીના કારણે આ સમસ્યા થઇ રહી છે. જેનો જવાબ આપવા માટે દિવ્યભાસ્કર દ્વારા ઝારખંડની રાજધાની રાંચીના AIIMSના ડોક્ટર પ્રદીપ ભટ્ટાચાર્ય અને ઇન્દોરના MGM MC,મેડિસિનના HoD ડોક્ટર વીપી પાંડે સાથે વાતચીત કરી હતી.

સવાલ : શું ઉલટી-ઝાડા કોરોનાનાં નવા લક્ષણો છે ?
પ્રદીપ ભટ્ટાચાર્ય : આ ઋતુમાં જે લોકોને ઝાડા-ઉલટીની સમસ્યા છે તે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ માટે ફક્ત એક વાયરસ જવાબદાર નથી પરંતુ મિક્સ વાયરલ ઇન્ફેક્શન પણ જવાબદાર છે. ઘણા લોકોને વાયરલ ઇન્ફેક્શના લક્ષણો બાદ ઝાડા થાય છે તો ઘણા લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. પરંતુ સ્પષ્ટ રીતે કહી ના શકાય કે કોરોનાનાં નવા લક્ષણ પૈકી એક ઝાડા- ઉલટી પણ છે.

ડો. વીપી પાંડે : ઉનાળાની ઋતુમાં ઝાડા-ઉલટી થવી સામાન્ય વાત છે. ઝાડા-ઉલટીની સમસ્યા બાદ ઘણા બાળકો અને વૃદ્ધોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આમ છતાં પણ ઝાડા-ઉલટીને કોરોનાનું મુખ્ય લક્ષણ માની શકાય નહીં. મોટી સંખ્યામાં ઝાડા-ઉલટીના દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે સ્પષ્ટ રીતે કોરોનાનું મુખ્ય લક્ષણ માનવામાં આવશે.

સવાલ : ઝાડા-ઉલટી છે તો કેવી રીતે ખબર પડશે કે કોરોના છે કે ફૂડ પોઇઝનિંગ ?
જવાબ : કોઈ વ્યક્તિને ઝાડા-ઉલટીની સમસ્યા છે તો ડોક્ટરની સલાહ લે. આમ છતાં પણ મનમાં શંકા કે તેમને કોરોના છે કે નહીં તો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. કોરોના ટેસ્ટથી સ્પષ્ટ થઇ જશે કે કોરોના છે કે ફૂડ પોઇઝનિંગ.

આ તો વાત થઇ કોરોનાનાં કારણે થનાર ઝાડા-ઉલટીની, ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડો. શુચિન બજાજ માને છે કે, ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગની સમસ્યા કેમ થાય છે અને લક્ષણ શું છે ?

સવાલ : ઉનાળામાં ફૂડ પોઇઝનિંગની સમસ્યા કેમ થાય છે ?
જવાબ : ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગ સામાન્ય બીમારી છે. ઉનાળામાં જમવાનું ખરાબ થઇ જાય છે. ઘણી વાર લોકો તેને ખાઈ લે છે. ખરાબ ખોરાક, વાસી ખોરાક ખાવાને કારણે ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઇ શકે છે.

ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું છે?

  • ઉબકા
  • પેટમાં ખેંચાણ
  • ઉલટી
  • ઝાડા
  • તાવ
  • નબળાઈ
  • માથાનો દુખાવો
  • ભૂખ ન લાગવી

સવાલ : ફૂડ પોઈઝનિંગથી શું તકલીફ થાય છે ?
જવાબ : ફૂડ પોઈઝનિંગમાં પેટ ખરાબ, ઉલટી અને ઝાડાની સમસ્યા થઇ શકે છે. આ સમસ્યા બાળકોમાં વધુ થાય છે. વિવિધ પ્રકારનાં હાનિકારક સૂક્ષ્મજીવો છે જે શરીરમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગશનો સમાવેશ થાય છે. જ્યારે ખોરાક બગડે છે, ત્યારે આ કીટાણુઓ વધવા લાગે છે. જ્યારે તમે આવો બગડેલો ખોરાક ખાઓ છો ત્યારે તે તમારા શરીરમાં જાય છે અને કલાકો પછી તમને ઉલટી, ઝાડા અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ ચિંતાની વાત છે ?
હા, ઉલ્ટી અને ઝાડાને હળવાશથી લેવું સારું નથી. જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોની તબિયત વધારે લથડી રહી છે. ઝાડા-ઉલટીના કારણે વૃદ્ધ અને નાના બાળકોને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડે છે. આ દિવસોમાં ઉલ્ટી અને ઝાડા પણ કોરોનાનાં લક્ષણમાં સામેલ હોવાથી બેદરકારી મોંઘી પડી શકે છે.