નવી વેક્સિન:સર્વાઈકલ કેન્સરનું કારણ બનનાર હ્યુમન પેપિલોમા વાઈરસના 9 વેરિઅન્ટ સામે સુરક્ષા આપશે 'ગાર્ડેસિલ-9', જાણો આ વેક્સિનની જરૂરિયાત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વાઈકલ કેન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઈરસ છે
  • અસુરક્ષિત શારીરિક સંબંધ રાખવાથી આ વાઈરસનું સંક્રમણ થાય છે

સર્વાઈકલ કેન્સરના કેસ રોકવા માટે દેશની પ્રથમ જેન્ડર ન્યૂટ્રલ HPV (હ્યુમન પેપિલોમા વાઈરલ) વેક્સિન 'ગાર્ડેસિલ-9' લોન્ચ થઈ છે. તેને MSD ફાર્માએ ડેવલપ કરી છે. આ વેક્સિન સર્વાઈકલ કેન્સરનું કારણ HPVનાં 9 વેરિઅન્ટ પર કામ કરે છે.

વેક્સિનના નામમાં ન્યૂટ્રલ જેન્ડર શબ્દનો પ્રયોગ થયો છે. તેનો અર્થ એ છે કે તે મહિલાઓ અને પુરુષ બંને માટે છે. સર્વાઈકલ કેન્સરના કેસ મહિલાઓમાં હોય છે, પરંતુ આ વેક્સિન પુરુષો પણ લે તેવી સલાહ અપાય છે.

સર્વાઈકલ કેન્સર શું છે? કઈ ઉંમરના લોકોને આ વેક્સિન લેવાની જરૂર છે? આવો જાણીએ...

શું હોય છે સર્વાઈકલ કેન્સર
મુંબઈની જસલોક હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. અંજના સેનાની જણાવે છે કે, સર્વાઈકલ કેન્સરનું કારણ HPV છે. એકથી વધારે પાર્ટનર સાથે સંબંધ બનાવવા પર આ વાઈરસનું સંક્રમણ ફેલાય છે. વજાઈનામાંથી કોઈ પણ પ્રકારે લોહી આવે, વધારે લિક્વિડ ડિસ્ચાર્જ થાય, દુર્ગંધ આવે અને સેક્સ દરમિયાન પીડા થાય તો અલર્ટ થઈ જાઓ. આવાં લક્ષણો જણાય તો પેપ સ્મિયર, સર્વાઈકલ બાયોપ્સી અને પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરાવી કેન્સરની તપાસ કરાવી શકાય છે.

કેન્સર મહિલાઓને થતું હોવા છતાં પુરુષોએ આ કારણે વેક્સિન લેવી જરૂરી
આ વેક્સિન 9થી 26 વર્ષની છોકરીઓ અને 9થી 15ના છોકરાઓને લાગશે. MSD ઈન્ડિયાની MD રેખા એ. ખાન જણાવે છે કે, સર્વાઈકલ કેન્સરનો વાઈરસ માત્ર મહિલાઓ જ નહિ પરંતુ પુરૂષોને પણ પ્રભાવિત થાય છે. તેથી કંપનીએ ન્યૂટ્રલ જેન્ડર વેક્સિન લોન્ચ કરી છે. ભારતમાં સર્વાઈકલ કેન્સરના કેસ વધુ હોવાથી આ વેક્સિનની આવશ્યકતા છે.

સર્વાઈકલ કેન્સર માત્ર મહિલાઓને થાય છે. તેમ છતાં પુરૂષને વેક્સિન આપવાનું કારણ એ છે કે, આ કેન્સરના વાહક HPV હોઈ શકે છે. ભલે પુરુષોને આ કેન્સર ન થાય પરંતુ પુરુષોને કારણે આ વાઈરસ મહિલાઓમાં પ્રવેશી નુક્સાન કરી શકે છે.

30% કરતાં ઓછી મહિલાઓ સર્વાઈકલ કેન્સરની તપાસ કરાવે છે
WHOનું કહેવું છે કે, સર્વાઈકલ કેન્સર દુનિયાભરમાં મહિલાઓને થતું ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. વર્ષ 2018માં દુનિયાભરમાં તેના 5.70 લાખ કેસ સામે આવ્યા. cancerindia.orgના જણાવ્યા પ્રમાણે, અન્ય દેશોની સરખામણીએ સર્વાઈકલ કેન્સરથી સૌથી વધારે મૃત્યુ ભારતીય મહિલાઓનાં થાય છે.

એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં 2018માં કુલ સર્વાઈકલ કેન્સરમાંથી એક તૃતિયાંશ કેસ ભારત અને ચીનના છે. ચીનમાં તેના સૌથી વધારે કેસ જોવા મળે છે તો ભારતમાં સૌથી વધુ મૃત્યુ થાય છે.

દેશમાં 2018માં સર્વાઈકલ કેન્સરના 97,000 કેસ સામે આવ્યા હતા અને 60,000 મૃત્યુ થયાં હતાં. ચીનમાં તેના 1.06 લાખ કેસ નોંધાયા હતા અને 48 હજાર મહિલાઓ મૃત્યુ પામી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 30થી 49 વર્ષની ઉંમરની 30% કરતાં પણ ઓછી મહિલાઓ સર્વાઈકલ કેન્સરની તપાસ કરાવે છે.

આ રીતે બચો
વુમન હેલ્થ જર્નલના રિપોર્ટ પ્રમાણે, મોટા ભાગની મહિલાઓ તેની તપાસ કરાવતી નથી. તેથી આ કેન્સર ફેલાય છે અને જીવલેણ સાબિત થાય છે. સુરક્ષા વગર એક કરતાં વધુ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. દર 3 વર્ષે એક વાર પેપ સ્મિયર ટેસ્ટ કરાવો. ધૂમ્રપાન અને સિગારેટથી દૂર રહો. ડાયટમાં ફળ-શાકભાજી સામેલ કરો. વેક્સિન અચૂક લો અને વજન કન્ટ્રોલમાં રાખો.

અન્ય સમાચારો પણ છે...