રેન્બો ડાયટ:ડાયટમાં ઈન્દ્રધનુષના રંગો સામેલ કરો, આયુષ્ય વધશે અને બીમારી દૂર થશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેન્બો ડાયટના એન્ટિઓક્સીડન્ટ્સ કોશિકાઓને થતાં નુકસાનનો અવરોધ કરતાં હોવાથી આયુષ્ય વધે છે

જેમ તમને આકાશમાં ઈન્દ્રધનુષના 7 રંગો જોઈ ખુશી મળે છે. તેમ રેન્બો અર્થાત ઈન્દ્રધનુષના 7 રંગનું ડાયટ શરીરને હેલ્ધી અને હેપ્પી રાખે છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે રેન્બો ડાયટ લેવાથી શરીરમાં અલગ અલગ પોષક તત્વોની ઊણપ દૂર થાય છે. તેમાં રહેલાં એન્ટિઓક્સીડન્ટ્સ કોશિકાઓને થતાં નુકસાનનો અવરોધ કરે છે. તેથી તમે લાંબું જીવન જીવી શકો છો. આ ડાયટમાં કઈ વસ્તુ સામેલ કરશો અને તેનાથી તમને શું ફાયદો થાય છે આવો જાણીએ....

લાલ

લાલ રંગની શાકભાજી અને ફ્રુટ્સ આપણા હૃદય માટે ફાયદાકારક સાબિત થાય છે. લાલ કેપ્સિકમ, દાડમ, મરચાં, ટમેટાં, બીટ, તરબૂચ, સફરજન અને સ્ટ્રોબેરી સહિતની લાલ વસ્તુમાં લાયકોપિન નામનું એન્ટિઓક્સીડન્ટ હોય છે. તે કેન્સર અને હૃદય રોગ સંબંધિત બીમારી દૂર રાખે છે. લાલ રંગ માટે જવાબદાર એન્થ્રોસાઈનિન કમ્પાઉન્ડ માંસપેશીઓ મજબૂત કરે છે.

નારંગી

નારંગી કલરના ફળ-શાકભાજીમાં કેરોટિન હોય છે. તે આંખની રોશની તીવ્ર બનાવે છે. નારંગી, ગાજર અને પીચ સહિતની વસ્તુ ત્વચા અને વાળનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પીળો

પપૈયું, અનાનસ, લીંબું, કેરી, મકાઈ અને શક્કર ટેટી સહિતની વસ્તુમાં બ્રોમેલાઈન અને પપાઈન હોવાથી પાચન તંત્ર સારું રહે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરે છે અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખે છે. પીળા ફૂડમાં મળતાં લ્યુટીન ઉંમર સાથે જોડાયેલી બીમારી માટે અસરકારક સાબિત થાય છે.

લીલો

લીલી શાકભાજી અને ફળ આપણાં સૌ માટે ફાયદાકારક છે. તેમાં ઘણી માત્રામાં એન્ટિઓક્સીડન્ટ્સ હોય છે. તે ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. લીલી શાકભાજી અને ફ્રુટ ફોલેટ અને આયર્નથી ભરપૂર હોય છે. મેથી, પાલક, કોબિજ, વટાણા, કાકડી, દ્રાક્ષ, ગ્રીન એપલ અને ફુદિના સહિતની વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી જોઈએ.

જાંબલી

જાંબું, લાલ ભાજી, કાળી દ્રાક્ષ, રિંગણ, બ્લેકબેરી અને બ્લૂબેરી સહિતની વસ્તુ મગજની કાર્યક્ષમતા વધારે છે. તેમાં રહેલાં એન્થોસિયાનિન અને રેસ્વેટ્રોલ તત્વ શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે. તે પાચન તંત્ર સારું બનાવે છે.

સફેદ

​​​​​​​બટેટા, લસણ, મશરૂમ, ફ્લાવર, કેળું અને શલગમ સહિતના વસ્તુ કોલેસ્ટેરોલ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ દૂર કરે છે. તેમાં સૌથી વધારે ફાઈબર અને પોટેશિયમ હોય છે.

રેન્બો ડાયટનો અર્થ એ નથી કે તમે દરરોજ ભોજનમાં તેના રંગો શોધતા રહો. તમે તમારી થાળીમાં મેક્સિમમ રંગ સામેલ કરો તેટલું સારું રહેશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દિવસમાં 5 અને અઠવાડિયાંમાં મિનિમમ 20 પ્રકારના ફળ-શાકભાજીનું સેવન કરવું જોઈએ.