ગુડ ફોર હેલ્થ:વજન ઘટાડવું હોય તો મેંદો ના ખાઓ, જાણો કઈ-કઈ બીમારીઓથી દૂર રહેશો?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેંદાને સફેદ કરવા માટે ઘઉં દળ્યા પછી હાનિકારક કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે

આપણામાંથી મોટાભાગના લોકો સમોસા, કચોરી, મઠરી, પિત્ઝા, સફેદ બ્રેડ, ભટૂરે, રૂમાલ રોટી, નાન, પાસ્તા અને નૂડલ્સ શોખથી ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ બધી સ્વાદિષ્ટ વસ્તુઓ મેંદામાંથી બને છે અને મેંદો સ્વાસ્થ્ય માટે ઘાતક છે. જો તમે પણ મેદસ્વિતા ઓછી કરવા ઇચ્છતા હો તો મેંદો ના ખાઓ. ડાયટિશિયન અને ન્યૂટિશનિસ્ટ ડૉ. રીમા પાસેથી જાણો, મેંદો ખાવાથી બચવા કઈ-કઈ વસ્તુઓથી દૂર રહેવું...

મેંદો ઘઉંમાંથી જ તૈયાર થાય છે
મેંદો બનાવવા માટે ઘઉંની છાલ કાઢવામાં આવે છે. આથી તેમાં હાજર પોષક તત્ત્વ અને ડાયટરી ફાઈબર વધતું નથી. મેંદાને સફેદ કરવા માટે ઘઉં દળ્યા પછી હાનિકારક કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. કેલ્શિયમ પેરોક્સાઈડ, ક્લોરિન, ક્લોરિન ડાયોક્સાઇડ વગેરેથી મેંદો બ્લીચ કરવામાં આવે છે. આ કેમિકલ્સની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

ડાયટિશિયન ડૉ. રીમાના જણાવ્યા પ્રમાણે, મેંદામાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું વધારે હોય છે. અન્ય ખાદ્ય પદાર્થોની સરખામણીમાં મેંદામાં ડબલ કેલરી હોય છે. આથી મેંદો ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે. વધારે કેલરીથી શરીરમાં કોશિકાઓને જરૂર કરતાં વધારે ગ્લુકોઝ મળે છે. તેનાથી વજન વધવાનું શરૂ થઈ જાય છે. આથી કોલેસ્ટેરોલ અને બ્લડમાં ટ્રાઈગ્લિસરાઇડનું લેવલ પણ વધી જાય છે. તેવામાં જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો તમારા ભોજનમાંથી મેંદાની બધી વસ્તુઓ દૂર કરો.

પાચનશક્તિમાં ગડબડ થાય છે
ડાયટરી ફાઈબર ના હોવાથી મેંદો પાતળો અને ચીકણો હોય છે. આથી જ્યારે પણ કોઈ મેંદાનું સેવન કરે છે ત્યારે તેને પૂરી રીતે પચાવી શકતા નથી અને તેનો અમુક ભાગ આંતરડામાં ચોંટી જાય છે. આથી જ કબજિયાત અને પાચન સંબંધિત તકલીફો થવા લાગે છે.

હાર્ટ માટે મેંદો સારો નથી
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાવામાં ધ્યાન રાખો. મેંદો ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. સાથે જ રક્તમાં ગ્લુકોઝ જામવા લાગે છે. શરીરમાં કેમિકલ રિએક્શન ઉત્પન્ન થવાથી સંધિવા, મોતિયો અને દિલની બીમારીનું જોખમ વધી જાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે છે જોખમી
​​​​​​​મેંદામાં ખતરનાક રસાયણ જેમ કે બેન્ઝોઈક એસિડ અને સોડિયમ મેટા બાય-સલ્ફેટ હોય છે. આ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધારે જોખમી છે. થાઇરોઇડના દર્દીઓએ પણ મેંદાનું સેવન ના કરવું જોઈએ.

મેંદાને આ રીતે રિપ્લેસ કરો
​​​​​​​ડાયટિશિયન ડૉ. રીમાએ જણાવ્યું કે, તમે મેંદાની જગ્યાએ ઘઉં, જુવાર, બાજરો અને રાગી લેશો તો તમને વિટામિન, આયરન અને અન્ય પોષક તત્ત્વો મળશે. આ અનાજ સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય છે. સાથે જ તમારું એનર્જી લેવલ પણ સંતુલિત રાખે છે, જ્યારે મેંદામાં કોઈ ન્યૂટિશન હોતા નથી.