દેશમાં કોરોના વાઈરસના કેસ અધધધ વધી રહ્યા છે. નવા કેસનો આંકડો વધવાથી પેરેન્ટ્સની ચિંતા વધી છે. દેશ સહિત દુનિયામાં વયસ્કોને બૂસ્ટર ડોઝ લાગી રહ્યો છે. કિશોરોનું પણ વેક્સિનેશન શરૂ થયું છે. પરંતુ નાનાં બાળકોને હજુ વેક્સિન ન અપાઈ હોવાથી પેરેન્ટ્સની ચિંતા વધી છે. અમેરિકામાં તો નાનાં બાળકો પણ કોરોના વાઈરસના શિકાર થતાં જોવા મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં તમારું બાળક વાઈરસની ઝપેટમાં ન આવી જાય તેનાં માટે શું ધ્યાન રાખવું જોઈએ તેનાથી તમે અવગત હો તે જરૂરી છે.
ધ ક્વિંટ સાથે વાતચીત કરતાં સમયે ડૉ. મનિંદર સિંહ ધાલીવાલે જણાવ્યું કે, 80% કેસમાં ઓમિક્રોનમાં શરૂઆતનાં લક્ષણો શરદી ઉધરસ છે. આ સિવાય 10% કેસમાં ધ્રૂજારી અને 10% કેસમાં ઝાડા-ઊલટી અને તાવ સામેલ છે.
ઓમિક્રોનથી બાળકો ગંભીર રીતે બીમાર થઈ શકે?
ડૉ.ધાલીવાલનું કહેવું છે કે આ સામાન્ય લક્ષણો સિવાય 6 મહિના સુધીનાં બાળકોમાં તાવ આવવાની સમસ્યા રહે છે. તે ઘાતક સાબિત થઈ શકે છે. આમ થાય તો તરત ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ. જો તાવ 102F અર્થાત 38.8 ડિગ્રી સેલ્સિયસની ઉપર જતો રહે તો બાળકને સામાન્ય પાણીથી સ્પંજ બાથ આપો. શિયાળામાં સ્પંજ બાથ માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો નહિ.
આ સિવાય બાળકને જો સતત 3 દિવસ સુધી તાવ આવે તો ડૉક્ટરનો સંપર્ક કરો. વધારે શરદી-ઉધરસ, ઊલટી, શ્વાસ લેવામાં તકલીફ, સુસ્તી, ડિહાઈડ્રેશન અને યુરિન ઓછું થાય જેવી સમસ્યા થાય તો ડૉક્ટર પાસે જાઓ. 2 વર્ષ સુધીનાં બાળકમાં ઓક્સીજન લેવલ માપવા માટે પલ્સ ઓક્સીમીટર તેમનાં પગના અંગુઠા પર રાખો.
માતા ધ્યાન રાખે તે પણ જરૂરી
ફીડિંગ લેતા બાળકોને કોરોના ન થાય તે ધ્યાન માતાએ રાખવાનું હોય છે. કોરોનાની ત્રીજી લહેરમાં માતા દરેક કોવિડ પ્રોટોકોલનું પાલન કરે તે જરૂરી છે. ડૉ. સંજય વાજિરના જણાવ્યા પ્રમાણે, જો માતા કોરોના પોઝિટિવ હોય તો તેણે દૂધ પીવડાવતા સમયે યોગ્ય રીતે ફીટ થાય તેવો મેડિકલ ગ્રેડનો માસ્ક પહેરવો જોઈએ.
બાળકને ભૂખ લાગે ત્યારે જ માતા પાસે લઈ જાઓ. બાકીના સમયમાં અન્ય કોઈ વ્યક્તિએ બાળકનું ધ્યાન રાખવું જોઈએ. વધારે બીમાર પડો તો પોતાની જાતે કોઈ દવા ન લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ બાદ જ સારવાર કરો.
કોરોનાથી પીડિત બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશો?
ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, જો તમારાં બાળકને કોરોનાનાં કોઈ પણ લક્ષણો ન હોય તો તેની સારવાર કરાવવાની જરૂર નથી. આવી સ્થિતિમાં બાળકને 7 દિવસના આઈસોલેશનમાં રાખી શકાય છે, જો બાળકમાં કોરોનાનાં લક્ષણો હોય તો આ ટિપ્સ ફોલો કરો...
ડૉક્ટરની સલાહ લીધા બાદ જ દવા લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.