હેલ્થ અલર્ટ:રાતે ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ પ્રેશર વધે તો મૃત્યુનું જોખમ બમણું, જાણો શા માટે તે મૃત્યુ નોતરે છે; જાણો બચવાની રીત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તણાવ, સંક્રમણ, દવા અને પાણીની ઊણપને કારણે બ્લડ પ્રેશરનું સંતુલન બગડી શકે છે

'સાઈલન્ટ કિલર' કહેવાતાં હાઈ બ્લડ પ્રેશર પર ચોંકાવનારુ રિસર્ચ સામે આવ્યું છે. રિસર્ચ કરનાર ઈટાલીની પીસા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં રાતે બ્લડ પ્રેશર વધે છે અને મૃત્યુનું જોખમ વધારે રહે છે. રાતે બ્લડ પ્રેશર વધી જતું હોય તેવા દર્દીઓમાં મૃત્યુનું જોખમ બમણું હોય છે. રિસર્ચના પરિણામ અમેરિકન હાર્ટ એસોસિએશનના હાયપરટેન્શન સાઈન્ટિફિક સેશન્સ-2021માં રજૂ થયાં છે.

બ્લડ પ્રેશર શું છે? ડાયાબિટીસના દર્દીઓને તેનાથી વધારે જોખમ શા માટે છે? આવો જાણીએ...

સાઈલન્ટ કિલર હાઈ બીપી
શરીરના દરેક ભાગમાં રક્ત વાહિનીઓની મદદથી લોહી પહોંચે છે. હૃદય દ્વારા બ્લડ પમ્પ કરતા સમયે રક્ત વાહિનીઓ પર પડતાં દબાણને જ બ્લડ પ્રેશર કહેવાય છે. બ્લડ પ્રેશરનું સામાન્ય લેવલ 120/80 અર્થાત અપલ લેવલ 120 અને લૉ લેવલ 80 હોવું જોઈએ.

તણાવ, સંક્રમણ, દવા અને પાણીની ઊણપને કારણે બ્લડ પ્રેશરનું સંતુલન બગડી શકે છે. ચિંતાજનક વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો ઘટતું-વધતું બ્લડ પ્રેશર સમજી શકતા નથી. તેને કારણે તેઓ ગંભીર રોગોનો શિકાર બની મૃત્યુ પામે છે. તેથી તેને 'સાઈલન્ટ કિલર' કહેવાય છે.

ડાયાબિટીસના દર્દીઓને બમણું જોખમ

  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, રાતે સૂતા સમયે બ્લડ પ્રેશર ઓછું થાય છે. જો રાતે બ્લડ પ્રેશર વધારે નીચું ન જાય તો તેને વૈજ્ઞાનિક ભાષામાં 'નોન ડીપિંગ' કહેવાય છે. દિવસની સરખામણીએ રાતે બ્લડ પ્રેશર વધે તો તેને રિવર્સ ડીપિંગ કહેવાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં આ રિવર્સ ડીપિંગ હૃદય રોગોનું જોખમ વધારે છે. પરિણામે મૃત્યુનું જોખમ વધે છે.
  • પીસા યુનિવર્સિટીના સંશોધક માર્ટિના ચિરિયાકો જણાવે છે કે ડાયાબિટીસથી પીડિત દર 10માંથી 1 વ્યક્તિ રિવર્સ ડીપિંગથી પીડિત છે. આ સ્થિતિ મૃત્યુનું જોખમ બમણું કરે છે. આ સ્થિતિમાં દર્દી બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે તે જરૂરી છે.
  • સંશોધકોએ ઈટાલીના પીસામાં ડાયાબિટીસના 349 દર્દીઓ પર 1999માં રિસર્ચ શરૂ કર્યું. અત્યારે તેનાં પરિણામ જાહેર થયાં છે, તે પ્રમાણે 50%થી વધારે લોકોમાં રાતે બ્લડ પ્રેશર વધારે નીચું ગયું નહિ, પરંતુ 20% લોકોમાં રિવર્સ ડીપિંગની સ્થિતિ જોવા મળી.
  • તેમાંથી એક તૃતિયાંશ લોકોમાં હાર્ટ સંબંધિત બીમારી કાર્ડિયાક ઓટોનોમિક ન્યુરોપેથીથી પીડિત હતા. આ સ્થિતિમાં ડાયાબિટીસને લીધે હાર્ટ અને શરીરમાં લોહી પહોંચાડનાર રક્ત વાહિનીઓ ડેમેજ થઈ જાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ પ્રેશર અથવા હાર્ટ રેટ બગડે તો મૃત્યુનું જોખમ વધારે રહે છે.

દુનિયાભરમાં 150 કરોડ લોકો હાઈપરટેન્શનનો શિકાર બન્યા

WHOનું કહેવું છે કે હાલ દુનિયાભરમાં 150 કરોડ લોકો હાઈપરટેન્શનથી પીડિત છે. 2019માં 1.79 કરોડ લોકોનાં મૃત્યુનું કારણ હૃદય રોગ છે. એક તૃતિયાંશ મૃત્યુ માટે હાઈ બ્લડ પ્રેશર જવાબદાર છે. કારણ કે હાઈપરટેન્શનના દર્દીઓ આ બીમારીનાં લક્ષણો સમજી નથી શકતા.

4 પોઈન્ટમાં સમજો બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાનો ફોર્મ્યુલા
1. સ્મોકિંગથી 20 મિનિટ સુધી વધે છે BP

નિકોટિન આર્ટરીઝને સંકોચી તેની દિવાલ કઠ્ઠણ બનાવી દે છે. આ સિવાય તે લોહીની ગાંઠો પણ બનાવવા લાગે છે. સિગારેટ પીધા પછી હૃદયનાં ધબકારાં સામાન્ય થવામાં 20 મિનિટ લાગે છે. તેથી તેને છોડવી જ યોગ્ય ગણાશે.

2. એક કિલો વજન ઘટાડવા પર 1 પોઈન્ટ BP ઓછું થશે
મેયોક્લીનિક અનુસાર, મેદસ્વિતાથી પરેશાન ઓવરવેટ વ્યક્તિ જો એક કિલો વજન ઓછું કરે છે તો બ્લડ પ્રેશર 1 mm Hg સુધી ઓછું થાય છે. બલ્ડ પ્રેશરનો સંબંધ કમરની સાઈઝ સાથે પણ છે. જો પુરુષની કમર 40 અને મહિલાની કમર 35 ઈંચથી વધારે છે તો તેમને બ્લડ પ્રેશરનું વધારે જોખમ છે.

3. 5 ગ્રામ કરતાં વધારે મીઠાંનું સેવન ન કરો
એક યુવા વ્યક્તિએ દરરોજ ભોજનમાં 5 ગ્રામ જેટલું જ મીઠું લેવું જોઈએ. એક નાની ચમચી બરાબર મીઠાંમાં આશરે 2300 મિલીગ્રામ સોડિયમ હોય છે. ભોજનમાં સોડિયમની માત્રા ઓછી કરવાથી 5થી 6 પોઈન્ટ BP ઓછું કરી શકાય છે.

4. 30 મિનિટની એક્સર્સાઈઝ કરવા પર 5થી 8 પોઈન્ટ BP ઓછું થાય છે
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, જો દરરોજ 30 મિનિટનું વૉક કરવામાં આવે તો બ્લડ પ્રેશર 5થી 8 પોઈન્ટ ઘટાડી શકાય છે. જોકે વૉક સતત કરવું જોઈએ નહિ તો બ્લડ પ્રેશર ફરી વધી જાય છે. જોગિંગ, સાઈકલિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.

અન્ય સમાચારો પણ છે...