જે લોકો આખો દિવસ ઝોકાં ખાય છે, તેમને હાઈ બ્લડપ્રેશર થવાની અને સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે, એવું એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. હા જો તમે ક્યારેક બપોરના સમયે 10-15 મિનિટનું હળવું ઝોકું ખાવ છો તો તે સામાન્ય છે પણ જો આ ઝોકાં આ સમયગાળા કરતાં વધી જાય અને તમારું રુટિન બની જાય તો તે તમારાં સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો કે, દિવસ દરમિયાન ઝોકાં આવવા પાછળ મુખ્યત્વે એક જ કારણ જવાબદાર છે અને તે છે રાતની નબળી ઊંઘ. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ માઇકલ ગ્રાન્ડનેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રાત્રે નબળી ઊંઘ એ નબળાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે.’
આ અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો, કે ક્યારેય ઊંઘતા ન હોય તેવા લોકોની તુલનામાં જે લોકો સામાન્ય રીતે દિવસ દરમિયાન ઊંઘતા હોય છે તેને સ્ટ્રોક આવવાની શક્યતા 24% વધુ હોય છે તથા હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ 12% વધુ હોય છે. અમેરિકન હાર્ટ એસોસિયેશનનાં જર્નલ હાઇપરટેન્શનમાં સોમવારના રોજ પ્રકાશિત થયેલાં અભ્યાસ અનુસાર, 60 વર્ષ કે તેથી ઓછી ઉંમર ધરાવતાં લોકો જેમનું ડેઈલી રુટિન દિવસ દરમિયાન ઊંઘવાનું બની ગયું છે તેમનામાં ભાગ્યે જ ઊંઘ લેનારાં લોકોની તુલનામાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ 20% વધી જાય છે.
અમેરિકન હાર્ટ અસોસિએશન દ્વારા તાજેતરમાં હૃદય અને મગજનાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે તેનાં આઠ આવશ્યક મેટ્રિક્સમાંના એક તરીકે ‘ઊંઘનો સમયકાળ’ ઉમેર્યો છે. સંશોધકોએ હાઈપરટેન્શનનું ઊંચું જોખમ ધરાવતાં લોકોને આ અભ્યાસમાંથી બાકાત રાખ્યા બાદ પણ આ પરિણામો સાચાં ઠર્યા હતા, જેમ કે ટાઇપ-2 ડાયાબિટીસ, વર્તમાન સમયમાં હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, સ્લીપ ડિસઓર્ડર ધરાવતાં હોય અને જેમણે નાઇટ-શિફ્ટમાં કામ કર્યું હતું, તે તમામ લોકોને આ અભ્યાસમાંથી બાકાત રાખવામાં આવ્યા હતાં.
શિકાગોમાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ફેઈનબર્ગ સ્કૂલ ઑફ મેડિસિનમાં સેન્ટર ફોર સર્કાડિયન એન્ડ સ્લીપ મેડિસિનનાં ડિરેક્ટર ડૉ. ફિલિસ ઝીએ જણાવ્યું હતું કે, ‘પરિણામો દર્શાવે છે કે વધારે પડતી ઊંઘ લેવાથી હાયપરટેન્શન અને સ્ટ્રોકની સંભાવનાઓમાં વધારો થાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને સ્ટ્રોકનાં જોખમ સાથે સંકળાયેલાં તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી પણ આ પરિણામોમાં કોઈ ફેરફાર જોવા ન મળ્યા.’
લાંબી ઊંઘ સ્વાસ્થ્ય માટે વધુ ખરાબ છે
આ અભ્યાસમાં 3,60,000 લોકોનાં ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમણે યુકે બાયોબેંકને તેમની સૂવાની ટેવ વિશેની માહિતી આપી હતી. આ ડેટા વર્ષ 2006થી 2010 દરમિયાનનાં યુકેનાં રહેવાસીઓનો હતો. આ અભ્યાસમાં લોકોએ નિયમિત ધોરણે લોહી, પેશાબ અને લાળના નમૂનાઓ પૂરા પાડ્યા હતાં અને ચાર વર્ષના આ અભ્યાસ દરમિયાન ઊંઘ સાથે જોડાયેલાં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જો કે, આ અભ્યાસમાં માત્ર ‘નેપ ફ્રિક્વન્સી’ એકત્રિત કરવામાં આવી હતી, સમયગાળો નહીં.
ઊંઘ શું હોવી જોઈએ? તે તેઓ વ્યાખ્યાયિત કરતાં ન હતાં. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની કેક સ્કૂલ ઓફ મેડિસિનનાં ક્લિનિકલ મેડિસિનનાં એસોસિએટ પ્રોફેસર, સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડૉ. રાજ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘જો તમે એક કલાક-બે કલાક સૂઈ રહ્યા હોવ તો તેને ‘નેપિંગ’ (આડા પડખે સૂવું) ના કહી શકો.
જો તમને ઝોકાં આવી રહ્યા છે તો બપોરનાં 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 15થી 20 મિનિટની ‘પાવર નેપ’ 100 ટકા અસરકારક છે, પરંતુ જો તમે ક્રોનિક ઈન્સોમિયાની સમસ્યા હોય તો ‘નેપિંગ’ તમારાં માટે જરાપણ યોગ્ય નથી, તે તમારી નિયમિત રાતે ઊંઘવાની લાઈફ સાયકલમાં ખલેલ પહોંચાડી શકે છે. અભ્યાસમાં સામેલ મોટાભાગનાં લોકો જે દિવસમાં નિયમિત 2-4 કલાક નેપિંગ લેતાં હતાં, તે સિગારેટ પીતાં હતાં, ડ્રિંક કરતાં હતાં, નસકોરાં બોલાવતાં હતાં અને અનિદ્રાની સમસ્યા ધરાવતાં હતાં.
એક્સપર્ટે જણાવ્યું હતું કે, આમાંના ઘણા પરિબળો વ્યક્તિની ઊંઘની ગુણવત્તા અને સમયગાળા પર અસર કરી શકે છે. નબળી ઊંઘને કારણે દિવસના સમયે વધુ પડતો થાક લાગે છે, જેના પરિણામે આખા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવે છે. હું માનું છું, કે દિવસ દરમિયાન લાંબો સમય ઊંઘવું એ સ્લીપ ડિસઓર્ડરની નિશાની છે. તે તમને હાઈ બ્લડપ્રેશર, ટાઇપ-2 ડાયાબિટીસ તરફ દોરી શકે છે, જે હૃદયરોગ માટેનાં જોખમી પરિબળો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.