આખી રાત ઘસઘસાટ ઊંઘ કર્યા બાદ પણ સવારે પથારી છોડવાનું મન નથી થતું. જો તમને પણ આ પ્રકારની સમસ્યા અનેક રોગોના સંકેત હોઈ શકે છે. રાતે બરાબર ઊંઘ આવ્યા બાદ પણ સવારે જાગવા પર શરીરને કેમ સારું નથી લાગતું. ઘણા લોકોને સવારે થાક, નબળાઈનો અનુભવ થાય છે તો ઘણા લોકો ઉદાસ રહે છે. ઘણા લોકોને એસિડિટીની સમસ્યા થાય છે તો ઘણા લોકોને એડીમાં દુખાવો અને શરીરમાં સોજો આવી જાય છે. ક્યારેક-ક્યારેક જો આ સમસ્યા હોય તો સામાન્ય છે, પરંતુ જો લાંબો સમય સુધી આ સમસ્યા રહે તો કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. ભૂતપૂર્વ મેડિકલ ઈન્ચાર્જ, યુનાની ડૉ. સુબાસ રાય જણાવે છે કે શા માટે સવારે પથારીમાંથી બહાર નીકળવામાં આળસ આવે છે.
સાંધામાં દુખાવો અને સોજો
ઘણા લોકોને સવાર-સવારમાં સાંધામાં દુખાવો અને સોજો, બેલેન્સ રાખવામાં અને હલનચલનમાં તકલીફ થવી એ આર્થરાઈટિસનાં લક્ષણ છે. વિટામિન ડી અને કેલ્શિયમ ઓછા હોય તોપણ પણ સાંધાને લગતી સમસ્યા થઇ શકે છે. બ્રિટિશ જનરલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર, મોડી રાત સુધી ગેજેટ્સનો ઉપયોગ, બરાબર ઊંઘ ન થવાને કારણે અને કસરત ન કરવાથી સાંધાઓ પર ખરાબ અસર કરે છે.
માથાનો દુખાવો
જો સવારે જાગતાં જ માથાનો દુખાવો અને ચક્કર આવે છે તો હળવીથી ગંભીર બીમારી થઇ શકે છે. જે લોકો રાત્રે વધુપડતી ચા, કોફી અથવા આલ્કોહોલ પીવે છે તેમને ડિહાઇડ્રેશન થાય છે, જેને કારણે તમે સવારે ઊઠો ત્યારે ભારે માથાનો દુખાવો અથવા ચક્કર આવવા લાગે છે. માનસિક તણાવ પણ માથાનો દુખાવોનું કારણ બની શકે છે. ગંભીર કારણો વિશે વાત કરવામાં આવે તો સવારે દરરોજ ગંભીર માથાનો દુખાવો મગજની ગાંઠની નિશાની હોઈ શકે છે. સવારના માથાનો દુખાવો અથવા ચક્કરથી સ્લીપ એપનિયા અને માઈગ્રેન થઇ શકે છે. અમેરિકા માઈગ્રેન ફાઉન્ડેશન અનુસાર, મહિલાઓ જ્યારે સવારે ઊઠે છે ત્યારે તેમને માથાનો દુખાવો વધુ થાય છે. આ સમસ્યા 40 વર્ષ પછી વધુ થાય છે.
ચહેરા પર અને શરીર પર સોજો આવવો
ચહેરા પર સોજો પ્રવાહી રિટેન્શનને કારણે થાય છે. સાંજે અથવા રાત્રે સોડિયમવાળી વસ્તુઓ ખાવાથી શરીરમાં વોટર રિટેશન વધે છે. સોડિયમના કારણે લોકોને વધુ તરસ લાગે છે, જ્યારે વધુ પાણી પેશાબ દ્વારા બહાર નીકળી શકતું નથી અન્ય જગ્યાએ ભેગું થવા લાગે છે. હેલ્થ એનસાઇક્લોપીડિયા અનુસાર, ખૂબ ઓછી અથવા વધુપડતી ઊંઘ કરવાથી પણ આ સમસ્યા વધે છે. જે લોકો વધારે દારૂ પીવે છે તેમના મોઢા પર સોજા જોવા મળે છે. આ ઉપરાંત ધૂળને કારણે એલર્જી અને ડેડસ્કિનને કારણે ચહેરા પર સોજો આવી જાય છે.
સાઇનસ અથવા હાઇપોથાઇરોડિઝમને કારણે પણ ચહેરા પર સોજો આવી શકે છે. એન્ટી-ડિપ્રેસન્ટ અને બ્લડપ્રેશર ઘટાડતી દવાઓ પણ ચહેરા પર સોજો વધારે છે. હાઈ બીપી અને કિડનીની સમસ્યા હોય તો શરીરમાં સોજો આવે છે. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરાયેલા એક નવા અભ્યાસ મુજબ જે લોકો ચિંતામાં ગરકાવ હોય તે લોકોને પણ ચહેરા પર સોજો આવી શકે છે.
થાક અને નબળાઈ લાગવી
પૂરતી ઊંઘ લીધા પછી પણ ઘણા લોકોને સવારે થાક, સુસ્તી અને નબળાઈનો અનુભવ થાય છે. આ સિવાય જો ઊલટી, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવા જેવાં લક્ષણો હોય તો હાઇપોગ્લાયસીમિયાની તપાસ કરાવવી જરૂરી છે. હાઈ બીપી અને થાઇરોઇડ વધવાને કારણે પણ થાક અને નબળાઈનો અનુભવ થાય છે.
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.