દૂધમાં ઉમેરો આ ડ્રાયફ્રુટ્સ:વજનથી લઈને સુગર રહેશે કંટ્રોલમાં, હાડકા મજબૂત બનશે, એનીમિયાથી રાહત મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણા લોકો એવા છે કે, જેમને દૂધનો સ્વાદ ગમતો હોતો નથી અને તેના કારણે તે દૂધ પીવાનું ટાળે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો તો દૂધ પીવાનું ટાળવાની જગ્યાએ તેમાં અંજીર, બદામ અને મુનક્કા (દ્રાક્ષ) ઉમેરીને પીવો. તેના કારણે તેનો સ્વાદ પણ બદલાઈ જશે અને શરીરને જરુરી પોષકતત્ત્વો પણ મળી રહેશે. આ રીતે દૂધ પીવાથી તમારા હાડકા પણ મજબૂત બને છે. આ સિવાય પણ દૂધમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરીને પીવાથી શરીરને કયા-કયા ફાયદા થાય છે? તેના વિશે ડાયટિશન અનુ અગ્રવાલ પાસેથી જાણીએ.

મુનક્કા મેજિક
પોષકતત્ત્વોથી ભરપૂર મુનક્કા એટલે કે દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં વિટામીન-A, બીટા, કેરોટિન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ મળી રહે છે. તે સિવાય તેમાં આયર્ન અને ફાઈબર પણ મળી રહેશે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણતત્ત્વો પણ મળી રહે છે. આ બધા જ પોષકતત્વો સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

અંજીર છે અમેઝિંગ
અંજીરને ફળ અને ડ્રાયફ્રુટ્સ બંને રીતે ખાવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર જેવા પોષકતત્ત્વો મળી આવે છે. આ સિવાય તેમાં વિટામિન-A, વિટામિન-B અને વિટામિન-C પણ મળી રહે છે. તે પ્રોટીન અને ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે.

બદામ શ્રેષ્ઠ છે
બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેમાં વિટામિન-ઈ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ. પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ મળી રહે છે.

પોષકતત્ત્વોથી ભરપૂર દૂધ અને ડ્રાયફ્રુટ્સમાં વિટામિન અને ખનિજો સરળતાથી મળી રહે છે
પોષકતત્ત્વોથી ભરપૂર દૂધ અને ડ્રાયફ્રુટ્સમાં વિટામિન અને ખનિજો સરળતાથી મળી રહે છે

કાજુની કવોલિટી
કાજુ મગજ માટે ખૂબ જ લાભદાયી છે, તેમાં વિટામિન, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક ભરપૂર માત્રામાં છે, જે શરીરમાં લોહીની કમી થવા દેતા નથી.

પિસ્તા છે પાવરફુલ
વિટામિન -E, વિટામિન-B, ફોસ્ફરસ, પ્રોટીન, મેગ્નેશિયમથી ભરપૂર પિસ્તા બ્લ્ડ સર્કયુલેશન વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી બ્લડ ક્લોટિંગનું જોખમ ઘટી જાય છે. દરરોજ 5-7 પિસ્તા ખાવાથી હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે.

કિશમિશનો કરીશ્મા
પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કિશમિશ ખૂબ જ લાભદાયી છે. તે તમારા શરીરમાં આયર્નની કમીને દૂર કરે છે. આ ઉપરાંત પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે દૂધમાં કિશમિશ ઉમેરીને પી શકો.

અખરોટના વિશેષ ગુણ
યાદશક્તિ તેજ કરવા માટે અખરોટ ખાવા ખૂબ જ લાભદાયક છે. તેમાં તમને એન્ટી-ઓક્સિડન્ટ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન, કેલ્શિયમ જેવા પોષકતત્ત્વો મળી રહેશે. તેને નિયમિત ખાવાથી અલ્ઝાઈમર, ડિમેંશિયા, હાર્ટ અટેક અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટે છે.

દૂધમાં અંજીર, બદામ અને દ્રાક્ષ ઉમેરીને પીવાથી થતા ફાયદા
અંજીર, બદામ અને દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જો આ ડ્રાયફ્રુટ્સ દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્ય તંદુરસ્ત બની રહેશે. તે ઈમ્યુનિટી વધારે છે અને હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર રહે છે. આ ડ્રાયફ્રુટ્સવાળું દૂધ બાળકો શારીરિક વિકાસને તેજ કરવા માટે પણ જરુરી છે.

શરદી-ઉધરસ અને સૂકી ઉધરસ દૂર થાય
દૂધમાં સૂકા અંજીર, બદામ અને દ્રાક્ષ મિક્સ કરીને પીવામાં આવે તો શરદી-ઉધરસ અને સૂકી ઉધરસ સામે રાહત આપશે. અંજીર, બદામ અને દ્રાક્ષ ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે, જે વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. નાના બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે દૂધમાં અંજીર, બદામ અને દ્રાક્ષ પણ ઉમેરો.

કબજિયાતની સમસ્યા સામે રાહત મળે
ખોટી ખાણીપીણી અને જીવનશૈલીના કારણે વધુ પડતા લોકોને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં કબજિયાત સામાન્ય છે. જો તમે દૂધમાં અંજીર, બદામ અને દ્રાક્ષ મિક્સ કરીને પીવો તો કબજિયાતની સમસ્યા સામે રાહત મળી શકે છે. અંજીર પાચનમાં પણ મદદ કરે છે એટલે જો તમે પાચન સાથે જોડાયેલી સમસ્યાથી પીડાતા હો તો પણ તમને રાહત મળશે.

હાડકા મજબૂત બનશે
વધતી ઉંમરમાં મોટાભાગના લોકોના હાડકામાં દુખાવો, હાડકા નબળા પડવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં જો દૂધમાં બદામ, દ્રાક્ષ અને અંજીર ઉમેરીને પીવામાં આવે તો હાડકા મજબૂત બને છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવા માટે જરુરી છે.

બદામ, કાજુ, કિશમિશ, ખજૂર, અખરોટ, અંજીરને એક ગ્લાસ દૂધમાં ઉકાળીને સારી રીતે પી લો
બદામ, કાજુ, કિશમિશ, ખજૂર, અખરોટ, અંજીરને એક ગ્લાસ દૂધમાં ઉકાળીને સારી રીતે પી લો

એનીમિયાથી બચાવો
મોટાભાગની મહિલાઓ એનિમિયાની સમસ્યાથી પરેશાન હોય છે. જ્યારે શરીરમાં આયર્ન અથવા લોહીની ઉણપ હોય ત્યારે ઘણીવાર આયર્ન સપ્લિમેન્ટ્સ લેવામાં આવે છે. તમે ઇચ્છો તો દૂધમાં અંજીર, બદામ અને મુનક્કા ઉમેરીને એનીમિયાથી છુટકારો મેળવી શકો છો. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે, જે લોહીની કમીને પૂરી કરે છે.

બાળકો માટે ફાયદાકારક
બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે પરંતુ, મોટાભાગના બાળકોને દૂધ પીવું પસંદ નથી હોતું. આવી સ્થિતિમાં તમે દૂધમાં અંજીર, બદામ અને દ્રાક્ષ મિક્સ કરીને બાળકને આપી શકો છો. તેનાથી બાળકો હંમેશાં સ્વસ્થ રહેશે, ઝડપથી બીમાર નહીં પડે અને તેમનો વિકાસ પણ ઝડપી થશે.

તમારા હૃદયની સાર-સંભાળ રાખો
અંજીર અને બદામમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ સામેલ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

તમે ઇચ્છો તો દૂધમાં ડ્રાયફ્રૂટનો પાવડર મિક્સ કરીને પણ પી શકો છો
તમે ઇચ્છો તો દૂધમાં ડ્રાયફ્રૂટનો પાવડર મિક્સ કરીને પણ પી શકો છો

ત્વચા માટે લાભદાયી
બદામ, દ્રાક્ષ અને અંજીરમાં હાજર પોષકતત્ત્વો તમારા શરીરની અંદરથી સાફ-સફાઈ કરે છે. તે સ્કિનમાં નિખાર લાવે છે અને શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં પણ મદદ કરે છે.

દૂધમાં અંજીર, બદામ અને દ્રાક્ષ કેવી રીતે ઉમેરવી?

  • પલાળેલી બદામ, અંજીર, દ્રાક્ષ, ખજૂર, પિસ્તાને ઝીણી ક્રશ કરીને મિક્સ કરી લો.
  • હવે એક ગ્લાસ દૂધ ગરમ કરવા મૂકો.
  • ડ્રાયફ્રૂટનું આ મિશ્રણ દૂધમાં મિક્સ કરો.
  • દૂધને 5-7 મિનિટ સુધી સારી રીતે ઉકાળો.
  • આ દૂધને ગાળીને પી લો.
  • રોજ રાત્રે સૂતી વખતે આ દૂધ પીવાથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.
  • દૂધમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી કારણ કે, અંજીર, દ્રાક્ષ દૂધને કુદરતી મીઠાશ આપે છે.
  • ડાયાબિટીઝના દર્દીઓએ નિષ્ણાતના અભિપ્રાય પર જ આ દૂધનું સેવન કરવું જોઈએ.

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારી પર આધારિત છે. અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.