મોટાભાગના લોકોને નાકમાં આંગળી કરવાની ખરાબ આદત હોય છે અને જ્યારે કોઈ તેમને આ આદત માટે ટોકે છે ત્યારે પણ તે પોતાની આ આદત સુધારતાં નથી ને તેને હળવાશમાં લે છે પણ શું તમને ખબર છે, કે તમારી આ આદત લાખો બેક્ટેરિયાને નાકના માધ્યમથી મગજ સુધી પહોંચાડે છે. આ આદત કેટલી જીવલેણ છે એ તમને એકાર્ડ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ફરિદાબાદના સિનીયર કન્સલટન્ટ ENT ડિપાર્ટમેન્ટના યુનિટ હેડ ડૉ. વિપાશા બ્રજપુરિયા જણાવશે.
સેપ્ટમ ડેમેજ થઈ શકે છે
નાકના બંને છેદની (કેવિટી) ની વચ્ચે સેપ્ટમ હોય છે. સેપ્ટમ હાડકાં અને કાર્ટિલેજથી બનેલું હોય છે. નાક દ્નારા થતી શ્વાસોચ્છવાસની ક્રિયામાં સેપ્ટમ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો તમે નાકમાં વારંવાર આંગળી નાંખો છો તો તેના કારણે તમારું સેપ્ટમ ડેમેજ થઈ શકે છે અને તમારા નાકમાંથી લોહી પણ નીકળી શકે છે. આ ઉપરાંત સેપ્ટમ ડેમેજ થતાં શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓ થવાનો ભય પણ બન્યો રહે છે.
સાઈનસાઈટિસની સમસ્યા થઈ શકે છે
નાકના વાળ વધી જાય એટલે તે નાકની બહાર દેખાવા લાગે છે, જે ખૂબ જ ખરાબ લાગે છે. ઘણાં લોકો કાતરથી તેને કાપવાનો પ્રયાસ કરતાં હોય છે પણ નાકના વધારાના વાળને દૂર કરવાની આ રીત જરાપણ યોગ્ય નથી. આ રીતે નાકના વાળ કાપવાના કારણે તમે સાઈનસાઈટિસની સમસ્યાના શિકાર બની શકો છો. સાઈનસાઈટિસને સામાન્ય ભાષામાં ‘સાઈનસ’ તરીકે ઓળખવામાં આવે છે. જો આ સમસ્યા ત્રણ મહિનાથી વધુ રહે તો તે ક્રોનિક બની જાય છે અને તેના કારણે ઘણાં લોકોને દાંતમાં પણ અસહ્ય દુ:ખાવો થાય છે.
સાઇનસાઇટિસમાં નાકમાં વધુ માત્રામાં પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. આનાથી નાકમાં કફનો પ્રવાહ વધુ બને છે. જો તમે આ સમયે ડૉક્ટરની યોગ્ય સલાહ ન લો તો આ બીમારીમાં નાકની અંદરનું હાડકું વધી જાય છે અથવા તો હાડકું ત્રાંસું થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાકના વાળ એ ફિલ્ટરની જેમ કામ કરે છે, જે હવામાં હાજર પ્રદૂષણના કણોને નાકમાં પ્રવેશતાં અટકાવે છે.
નાકમાં કિડાંઓ ઘર કરી શકે છે
જો તમે શરદીના કારણે શરીરની સાફ-સફાઈમાં બેદરકારી દર્શાવો છો ને નાકની આસપાસ ગંદવાડ રહેવા દો છો તો તેમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે અને આ દુર્ગંધથી આકર્ષાઇને માખી નાકની અંદર ઇંડા મૂકે છે. જ્યારે આ જીવ મોટાં થઈને લારવા બને છે ત્યારે તેઓ નાકથી મગજ સુધી પહોંચે છે અને શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. ઘણી વખત આ બીમારીથી પીડિત વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. આ સ્થિતિમાં જરાપણ મોડું કર્યા વગર કાન-નાક-ગળાના નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.
ડૉક્ટરની સલાહ લીધા વગર નાકમાં કોઈપણ દવા ન નાખવી જોઈએ. આ ઉપરાંત ઈન્હેલર અને અનુનાસિક સ્પ્રેનો ઉપયોગ એકવાર કર્યા પછી ફરીથી ન કરવો જોઈએ. આ વસ્તુઓ પણ બેક્ટેરિયાના ચેપનું કારણ બની શકે છે.
નાકમાં તેલ નાખવું કેટલાં અંશે યોગ્ય છે?
હવામાનમાં ફેરફારને કારણે નાકમાં શુષ્કતાની સમસ્યા આવે છે. આવી સ્થિતિમાં લુબ્રિકેશન માટે સરસવના તેલ અથવા નાળિયેર તેલના થોડા ટીપાં નાકમાં ઉમેરવાં જોઈએ. ઘણાં લોકો મોટાભાગે નાક પર મલમ લગાવતાં હોય છે, પરંતુ જ્યાં સુધી કોઈ એવી વિશેષ જરુરિયાત ન ઉભી થાય ત્યાં સુધી નાક પર કોઈ વસ્તુ લગાવવી નહી.
નેતીક્રિયા કેટલી સલામત છે?
નેતી એ મુખ્યત્વે શ્વસનમાર્ગને સાફ કરવાની ક્રિયા છે. હઠયોગ પ્રદિપિકા અને અન્ય સ્ત્રોતોમાં નેતીના ઘણાં ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. મુખ્યત્વે નેતિના બે સ્વરૂપ છે: જલાનેતિ અને સુત્રાનેતી. જલાનેતિમાં શ્વસનમાર્ગને સાફ કરવાની ક્રિયામાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સુત્રાનેતીમાં દોરાં કે પાતળાં કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે.
ક્રોનિક સાઇનસાઇટિસ દરમિયાન પીડિતોને નેતીક્રિયા અજમાવવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ કામ ઘરેબેઠાં કરો છો તો આ ક્રિયા માટે જે પાણી ઉપયોગમાં લેવાના છો, તે ચોખ્ખું હોય એ વાતની તકેદારી રાખવી, કારણ કે જો પાણી જરાક પણ ગંદુ હશે તો નાકમાં ઇન્ફેક્શન થઈ શકે છે અને તમે વધુ બીમાર પડી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.