માતાનું ધાવણ બન્યું ઝેરી:કીટનાશક-રોકેટ ઉડાવનાર કેમિકલ્સથી લઈ ટોઇલેટ ક્લિનર મળ્યું, બાળકોના માનસિક વિકાસ પર જોખમ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીએ પોતાના એક અભ્યાસમાં માતાના દૂધમાં જંતુનાશક તત્ત્વો હોવાનો દાવો કર્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે શાકાહારી મહિલાઓ કરતાં માંસાહારી મહિલાઓના દૂધમાં વધુ જંતુનાશક તત્ત્વો જોવા મળ્યાં હતાં.

જંતુનાશક તત્ત્વો અને રસાયણોની મદદથી શાકભાજી અને પાક ઉગાડવામાં આવે છે. ચિકન ઝડપથી વધે અને પશુઓનું દૂધ વધે તે માટે કેમિકલયુક્ત સપ્લિમેન્ટ આપવામાં આવી રહ્યું છે અને આ જંતુનાશક દવાઓ મહિલાઓના દૂધમાં પણ પહોંચી રહી છે.

મહિલાના કોર્ડ બ્લડમાંથી જંતુનાશક દવા મળી

ડૉ. અબ્બાસ અલી મહેંદી અને ડૉ. નયના દ્વિવેદીએ સાથે મળીને ડૉ. સુજાતા દેવે 130 મહિલાઓ પર આ અભ્યાસ કર્યો હતો, તેમણે 'વુમન ભાસ્કર'ને જણાવ્યું હતું કે ડિલિવરી માટે આવેલી મહિલાઓનાં કોર્ડ બ્લડમાં જંતુનાશકો તત્ત્વોનું સ્તર વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર પછી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે શું આ જંતુનાશક તત્ત્વો માતાના દૂધમાં પણ જઈ રહ્યાં છે? અને અભ્યાસ માટે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

ડો.સુજાતાના જણાવ્યાં અનુસાર માતાના દૂધમાં જંતુનાશકો કે ઝેરી તત્ત્વોની અસર તરત જ દેખાતી નથી. બાળક પાંચ-છ વર્ષનું થાય ત્યારે લક્ષણો દેખાવા લાગે છે.

સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શન (CDC) અને 'એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી' દ્વારા 2021માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, માતાના દૂધમાં ઝેરી રસાયણો (પોલિફ્લોરોઆલ્કિલ) મળી આવ્યાં હતાં. આ રસાયણોનો ઉપયોગ મોટાભાગે ફૂડ પેકેજિંગ, કપડાં બનાવવામાં અને કાર્પેટમાંથી ડાઘ દૂર કરવા માટે થાય છે. માતાના દૂધમાં જંતુનાશક તત્ત્વો બાળકોના વિકાસને અસર કરે છે અને તેમનામાં આ રોગોનું કારણ બને છે.

  • ગર્ભના વિકાસ માટે જોખમ
  • બાળકના વર્તનમાં ફેરફાર
  • બાળકના વિકાસને અસર કરે છે
  • મગજના વિકાસ પર નકારાત્મક અસર
  • બાળકમાં યકૃત અને પેટના રોગો
  • હોર્મોનલ અને રોગપ્રતિકારક તંત્રમાં વિક્ષેપ
  • છોકરો મોટો થાય તેમ વીર્યની સંખ્યામાં ઘટાડો
  • કેન્સરનું જોખમ
  • જન્મજાત રોગો

માતાના દૂધનાં ઘણાં પાસાઓ વિશે વાત કરીશું, પરંતુ પહેલાં જાણીએ કે તેમાંથી શું મળે છે

હવે આપણે સમજીશું કે બાળક માટે સ્તનપાન કેટલું મહત્ત્વનું છે અને માતાએ શું સાવચેતી રાખવી જોઈએ.

બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. દીપા મિશ્રા જણાવે છે કે માતા જે ખોરાક ખાય છે તે માતાના દૂધ દ્વારા બાળક સુધી પહોંચે છે.

આ કારણોસર, જે દવાઓ નવજાતને સીધી આપી શકાતી નથી તે માતાને આપવામાં આવે છે અને દવા માતાના દૂધ દ્વારા બાળક સુધી પહોંચે છે.

તેણી કહે છે કે પાકમાં જંતુનાશકો તત્ત્વોનો વધુ પડતો ઉપયોગ હાનિકારક તેમજ બિન-નૈતિક છે. આવનારી પેઢીઓ પર તેની ખરાબ અસર પડશે, પરંતુ તે કડવી વાસ્તવિકતા છે.

માતાના દૂધમાં હાજર જંતુનાશક તત્ત્વો બાળકને કેટલું નુકસાન પહોંચાડે છે તે અંગે હજુ સુધી કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.

ડો. દીપા સ્તનપાન કરાવતી માતાઓ માટે કેટલીક ટિપ્સ આપે છે. તેમણે કહ્યું કે ગર્ભવતી મહિલાઓ માટે ચરબી, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર સંતુલિત આહાર લેવો જરૂરી છે. સ્ત્રીના આહારમાં કેલરી વધુ હોવી જોઈએ.

આપણે બધાએ ઘરોમાં જોયું જ હશે કે જ્યારે નવજાત શિશુને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે તેને પૂછવામાં આવે છે કે માતાએ શું ખાધું છે. આ કારણોસર, સ્તનપાન કરાવતી માતાને વિવિધ પ્રકારનાં ખોરાક અને પીણાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

ડૉ. દીપાની વાતને આયુર્વેદચાર્ય ડૉ.આર. અચલ આગળ વધારે છે. ડો.અચલ કહે છે કે માતાના દૂધથી બાળકનું શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ રહે છે.

સ્તનપાન દરમિયાન, માતાની શારીરિક-માનસિક સ્થિતિ અને આરોગ્યની અસર બાળક પર પડે છે. બાળકને સ્તનપાન કરાવતી વખતે માતાએ ગુસ્સો, ઉદાસી, ભય, ચિંતા કે તણાવથી દૂર રહેવું જોઈએ.

સ્તનપાન કરાવતી માતાનો આહાર કેવો હોવો જોઈએ, ડાયટિશિયન પાસેથી સમજો

ક્લિનિકલ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ કંચન પટવર્ધનના મતે, આહારમાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીનની માત્રામાં ઘટાડો ન થવા દો.

સ્તનપાન કરાવતી માતાને સામાન્ય જરૂરિયાત ઉપરાંત 300 મિલિગ્રામ વધારાના કેલ્શિયમની જરૂર હોય છે. ખોરાકમાં દૂધ, ડ્રાયફ્રૂટ્સ, તલ વગેરેનો સમાવેશ કરો જેથી કેલ્શિયમની ઊણપ ન થાય.

બાળક સ્તનપાનમાંથી સૌથી વધુ કેલ્શિયમ મેળવે છે. જો માતાના આહારમાં યોગ્ય માત્રામાં કેલ્શિયમ ન હોય તો, બાળકની જરૂરિયાતો પૂરી કરવા માટે શરીરનાં હાડકાં અને દાંતમાંથી કેલ્શિયમ ખેંચે છે.

યોગ્ય માત્રામાં કેલ્શિયમ ન લેતી માતાઓમાં કેલ્શિયમની ઊણપ જોવા મળે છે, જેના કારણે તેમની પીઠ અને સાંધામાં દુખાવો, દાંત નબળા પડવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે.

આયર્ન માટે આહારમાં લીલાં પાંદડાવાળાં શાકભાજી, ઈંડાં, તમામ પ્રકારનાં ફળોનો સમાવેશ કરો. સામાન્ય જરૂરિયાત સિવાય, માતાના શરીરને 15-20 ગ્રામ વધારાના પ્રોટીનની જરૂર હોય છે.

આહાર પર ભાર મૂકવામાં આવે છે કારણ કે માતા અને બાળક માટે ગર્ભાવસ્થાના નવ મહિના અને જન્મ પછીના નવ મહિના મહત્ત્વપૂર્ણ છે. આયુર્વેદચાર્યએ જણાવ્યું હતું.

સ્તનપાન બાળક માટે તેમજ માતા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. સ્તનપાન કરાવવાથી માતામાં ચીડિયાપણું, ડિપ્રેશન અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા જોવા મળતી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ જણાવ્યું કે સ્તનપાન કેટલું મહત્ત્વનું છે

ડબ્લ્યુએચઓ અને યુનિસેફ ભલામણ કરે છે કે માતાઓ તેમનાં બાળકોને જન્મ પછી તરત જ સ્તનપાન કરાવે. બાળકને આગામી છ મહિના સુધી માતાનું દૂધ આપવું જોઈએ. તેને માતાના દૂધ સિવાય અન્ય કોઈ નક્કર અથવા પ્રવાહી ખોરાક આપશો નહીં.

આજે પણ બાળકને પાણી આપવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

બાળકને ભૂખ લાગે ત્યારે જ સ્તનપાન કરાવો. બોટલ અથવા રબરની નિપલ આપવાનું ટાળવું જોઈએ. જ્યારે બાળક છ મહિનાનું થાય ત્યારે સલામત રીતે બાળકને અનાજ આપવાનું શરૂ કરો.

વર્તમાન પરિસ્થિતિમાં જંતુનાશક દવાઓથી બચવું મુશ્કેલ છે, પરંતુ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટના મતે અમુક નાની બાબતોનું ધ્યાન રાખવાથી તેની આડઅસરથી બચી શકાય છે.

પ્રોસેસ્ડ અને તૈયાર ખોરાકથી અંતર રાખો

ક્લિનિકલ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ કંચન પટવર્ધને જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ પ્રોસેસ્ડ અને તૈયાર ખોરાક ખાવાનું અને ઠંડાં પીણાં પીવાનું ટાળવું જોઈએ.

પ્રોસેસ્ડ અથવા તૈયાર ખોરાક ખાવાથી પણ માતાના દૂધમાં જંતુનાશક તત્ત્વોનું પ્રમાણ વધી શકે છે. કારણ કે, આ તમામ ખાદ્યપદાર્થોમાં પ્રિઝર્વેટિવ્સ અને એડિટિવ્સ જેવાં હાનિકારક રસાયણોનું પ્રમાણ વધુ હોય છે, જે માતાના દૂધમાં પ્રવેશી શકે છે.

ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલે પણ કહ્યું હતું કે માતાના દૂધમાં ઝેર મળી શકે છે. જો તમે વધુ પડતાં સૌંદર્ય પ્રસાધનો અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો તો આવું થઈ શકે છે.

જોકે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માતાના દૂધમાં ઝેરી તત્ત્વો પણ મોટી માત્રામાં જોવા મળતાં નથી.

શિલ્પા મિત્તલ કહે છે કે માતાના આહારમાં 'દિવસમાં 5 સર્વિંગ' એટલે કે દરરોજ 2 ફળો અને 3 શાકભાજી હોવાં જરૂરી છે. સૌંદર્ય પ્રસાધનો, પ્લાસ્ટિકના કન્ટેનર અને બેગનો ઉપયોગ ઓછો કરો.

સ્તનપાનનાં મહત્ત્વને સમજ્યા પછી, હવે આપણે જાણીએ કે વિશ્વભરમાં માતાના દૂધમાં જંતુનાશકો મળી આવે છે.

સૌપ્રથમ 1951માં માતાના દૂધમાં DDT મળી આવ્યું હતું

1951ની વાત છે, જ્યારે પહેલીવાર માતાના દૂધમાં DDT જેવા જંતુનાશક તત્ત્વો મળ્યાં, જે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. ઘણાં વર્ષો પછી માતાના દૂધમાં માત્ર DDT જ નહીં, અન્ય ઘણાં હાનિકારક તત્ત્વો જોવા મળ્યાં.

આમાં બિસ્ફેનોલ A, પોલિબ્રોમિનેટેડ ડિફેનાઇલ ઇથર્સ, હેક્સાક્લોરોબેન્ઝીન અને સાયક્લોડીન પેસ્ટિસાઇડ્સ જેવાં ઘાતક રસાયણોનો સમાવેશ થાય છે.

વર્ષો સુધી જીવંત રહેતા કેમિકલ્સ પણ બાળકમાં ટ્રાન્સફર થાય છે

માતાના દૂધમાં વર્ષો સુધી રહેલ લિપોફિલિક રસાયણો પણ મળી આવ્યાં છે, જે માતાના સ્તનના એડિપોઝ પેશીઓમાં રહે છે.

માતાનું શરીર પોતાના બાળક માટે દૂધ બનાવવા માટે તેના સમગ્ર જીવન દરમિયાન ચરબીયુક્ત પેશીઓમાં ચરબીનો સંગ્રહ કરતું રહે છે, જેથી તેના બાળક માટે ક્યારેય દૂધની કમી ન રહે.

વર્ષ 2007માં પ્રકાશિત એડવાન્સિસ ઇન નિયોનેટલ કેર નામના સંશોધન મુજબ જ્યારે બાળક આ દૂધ પીવે છે ત્યારે આ રસાયણો દૂધ દ્વારા તેના શરીરમાં પ્રવેશ કરે છે.

માતાના ધાવણમાં જોવા મળ્યા શૌચાલયની ગંધ દૂર કરતાં રસાયણો

2005માં ન્યૂયોર્ક ટાઈમ્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો હતો.

ફ્લોરેન્સ વિલિયમ્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે માતાઓ તેમના દૂધ સાથે બાળકોને માત્ર ચરબી, ખાંડ અને પ્રોટીન જ નથી આપી રહી, પરંતુ તેઓ બાળકને પેઇન્ટ થિનર, ડ્રાય ક્લિનિંગ પ્રવાહી, લાકડાના પ્રિઝર્વેટિવ્સ, શૌચાલયની ગંધ દૂર કરવા માટેનાં રસાયણો, કોસ્મેટિક , પેટ્રોલિયમ આડપેદાશો, રોકેટ ઇંધણ, જંતુ મારવાનાં રસાયણો અને ફૂગનાશકો પણ આપી રહી છે.

બાળપણ બચાવવા ચાર માતાઓએ અભિયાન શરૂ કર્યું

આ અહેવાલ પ્રકાશિત થયા પછી, 4 માતાઓ કે જેમનાં પોતાનાં ખૂબ જ નાનાં બાળકો હતાં. તે એકસાથે આવ્યાં અને 2005માં તેઓએ 'મેક અવર મિલ્ક સેફ' (મોમ્સ) નામની સંસ્થાની રચના કરી.

તેમનું કાર્ય ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન માતાઓના સલામત આહારની આદતો વિશે જાગૃતિ લાવવાનું હતું.

'મૉમ્સ'ના એક રિપોર્ટ અનુસાર, માતાના દૂધમાં એન્ટિબોડીઝ, એન્ઝાઇમ્સ અને ઘણી આવી ડઝનબંધ વસ્તુઓ જોવા મળી જે બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

અમેરિકાની ઓહાયો સ્ટેટ અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ તેમનાં ઘણાં સંશોધનમાં શોધી કાઢ્યું છે કે માતાના દૂધ કરતાં, હવામાં રહેલા પ્રદૂષણને કારણે શિશુને 25થી 135 ગણાં વધુ દૂષિત પદાર્થો સહન કરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...