મોબાઈલ જોવાની ના પાડતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત:બાળકોમાં ચાર પ્રકારની કોમન માનસિક બીમારીઓ, જાણો કેવી રીતે બચવું?

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ પ્રયાગરાજમાં મોબાઇલને લઇને એવી ઘટના સામે આવી છે જેને જોઈને કોઇપણ માતા-પિતા વિચારમાં પડી જશે. જ્યારે ધોરણ-9ની વિદ્યાર્થિનીને મોબાઈલમાં ગેમ રમતાં જોઈ તો પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ પછી પુત્રી રાતે તેના રૂમમાં ગઈ અને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ કોઈ પહેલો કેસ નથી. આવા કિસ્સાઓ દેશના દરેક ખૂણેથી બનતા રહેતા હોય છે. યુપીમાં સંત કબીર નગરનો કિસ્સો એકદમ તાજો છે, જ્યાં 10માં ધોરણની એક વિદ્યાર્થિનીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી, કારણ કે પરિવારે તેને મોબાઇલ આપ્યો ન હતો.

બાળકોમાં માનસિક સમસ્યાની આવી ઘણી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. પ્રશ્ન એ છે કે, બાળકોમાં આવી માનસિક બીમારીઓ કેમ ફૂલીફાલી રહી છે? જે તેમને આત્મહત્યા જેવાં પગલાં ભરવા માટે મજબૂર કરે છે.

33% માતાપિતાને તેમનાં બાળકોની માનસિક બીમારીઓ વિશે ખબર જ નથી
એક અંદાજ મુજબ આજકાલ 10 ટકા જેટલાં બાળકો કોઇ ને કોઇ પ્રકારની માનસિક બીમારીથી પીડાતાં હોય છે. સૌથી ગંભીર બાબત એ છે કે, 33 ટકા માતા-પિતાને બાળકોની આ બીમારીઓ વિશે ખબર જ નથી. માનસિક રોગના નિષ્ણાતોના મતે મોબાઇલ પર ગેમ રમવાની લત એક પ્રકારની બીમારી છે, જેને ‘પેથોલોજિકલ ગેમિંગ’ કહે છે. કોવિડના ખતરનાક કાળમાં આવી બીમારીથી પીડાતાં બાળકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો.

ડૉ. વિશ્વજિતકુમાર મંડલના જણાવ્યા મુજબ આજકાલ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બાળકોને ઈન્ટરનેટની લત તરફ દોરી જઈ રહ્યો છે. આવા વ્યસનથી માનસિક બીમારીઓ થાય છે અને આવી સ્થિતિમાં બાળકો કોઈ ખોટું પગલું ભરે છે. દવાથી માનસિક બીમારી દૂર કરવી શક્ય નથી. માતા-પિતાએ બાળકોની આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ અને આવી આદતોને સમયસર સકારાત્મક રીતે દૂર કરવી જોઈએ.