રોગમુક્ત જીવન:યોગનાં પાંચ આસનો 10 મિનિટમાં સ્વાસ્થ્યની ગેરંટી આપશે, ક્યારે અને કેવી રીતે યોગ કરશો? નિષ્ણાતો પાસેથી જાણો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

21 જૂન એટલે ‘વિશ્વ યોગ દિવસ’. આખું વિશ્વ યોગને એક એવા માધ્યમ તરીકે ઓળખે છે, જેના દ્વારા તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. એવાં અનેક યોગાસન છે કે, જેને ઘરમાં કે બહાર સરળતાથી કરી શકાય છે. યોગ નિષ્ણાત સ્નેહા શર્મા એવાં પાંચ યોગાસનોની વાત કરી રહી છે કે, જેને કરવાથી તમે રોગમુક્ત રહી શકો છો. ચાલો જાણીએ.

સૂર્ય નમસ્કાર
આ આસન 12 આસનોનો એક સમૂહ છે, જેને કરવાથી તમારા શરીરના લગભગ તમામ અંગોની કસરત થઈ જાય છે. આ આસન કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. જોકે, જો કોઈ હર્નિયાની સમસ્યાથી પીડાતું હોય, કોઈ ગર્ભવતી હોય કે પછી તમારી કોઈ સર્જરી થઈ હોય તો તમારે આ આસન કરવાનું ટાળવું જોઈએ. આ આસન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો હોય છે. જો પૂર્વ દિશાની તરફ મોં રાખીને સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.

આ છે સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા

  • વજનમાં ઘટાડો
  • મજબૂત પાચનતંત્ર
  • શરીરમાં સ્ફુર્તિ
  • કબજીયાતથી મુક્તિ
  • અનિદ્રાની સમસ્યાથી મુક્તિ મળે

વૃક્ષાસન
આ આસનના નામ પરથી જ ખ્યાલ આવે છે કે, તેમાં વૃક્ષની અવસ્થામાં બેસવાનું રહેશે. આ યોગાસન શારીરિકની સાથે તમને માનસિક શાંતિ પણ પૂરી પાડે છે અને તમારામાં એક હકારાત્મક પ્રભાવ લાવે છે. તમારા મનને એકાગ્ર કરે છે અને નર્વસ સિસ્ટમને પણ નિયંત્રણમાં રાખે છે. આ સિવાય તે તમારા પગને પણ મજબૂત બનાવે છે અને તણાવ દૂર કરે છે. આ આસનનો અભ્યાસ 30 સેકન્ડથી 1 મિનીટ સુધી કરી શકાય.

ત્રિકોણાસન
આ એક સરળ આસન છે, જેને કરવાથી તમને અનેક લાભ મળશે. આ આસન નિયમિત કરવાથી તમારી કમર, ખભ્ભાાં અને કરોડરજ્જુના ભાગને મજબૂતી મળશે. આ ઉપરાંત જો તમે ઘૂંટણના જૂના દુખાવાથી પીડાતા હો તો આ આસન કરવાથી તમને તેમાં રાહત મળી શકે છે.

ભુજંગાસન
આ આસન તમે ઘરેબેઠાં પણ સરળતાથી કરી શકો છો. જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા ઈચ્છતા હો કે પછી કમરદર્દથી રાહત મેળવવા ઈચ્છતા હો તો આ યોગ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આનાથી તમારા ફેફસાં મજબૂત બને છે. જે લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે આ આસન ખૂબ જ લાભદાયી છે. આ આસન તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે. હા એક વાતની ખાસ સાવચેતી રાખવી કે, જો તમને સર્વાઈકલની સમસ્યા હોય તો તમારે આ આસન કરવાનું ટાળવું જોઈએ.

અનુલોમ-વિલોમ પ્રાણાયામ
આ આસન કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આ પ્રાણાયામ તમારા શરીરમાં સૌર ઊર્જા અને ચંદ્ર ઊર્જાને સંતુલિત કરી શકે છે. જેમકે, આપણા નાકનો જમણી તરફનો ભાગ સૂર્ય નાડી અને ડાબી તરફનો ભાગ ચંદ્ર નાડી છે. આ પ્રાણાયામ કરવા માટે તમારા જમણા અંગૂઠાથી જમણી તરફના નસકોરાને બંધ કરો અને ડાબી તરફના નસકોરાથી શ્વાસ લો. થોડીવાર પછી વિરામ લઈને હવે ડાબી તરફના અંગૂઠાથી ડાબી તરફના નસકોરાને બંધ કરો અને જમણી તરફના નસકોરાથી શ્વાસ લો. આ પ્રક્રિયાને 15-20 વાર રિપીટ કરો. આ પ્રાણાયામ કરવાથી તમારી ઈમ્યુનિટી મજબૂત બને છે, તણાવ દૂર રહે છે અને શરીરને ભરપૂર ઊર્જા મળે છે.

આ પાંચ આસન સિવાય યોગગુરુના નિર્દેશનમાં એરિયલ યોગ પણ કરી શકાય છે.

એન્ટિ-ગ્રેવિટી યોગ અથવા એરિયલ યોગ
આ યોગનું આધુનિક રુપ છે. આ આસન પરંપરાગત આસનો કરતાં અલગ છે અને રુચિપ્રદ છે. આ યોગ નિયમિત કરવાથી શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખી શકાય છે, પાચનતંત્ર મજબૂત બને અને બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહેશે. જે મહિલાઓ ગર્ભવતી હોય, જેને ચક્કર આવતા હોય કે પછી ઘૂંટણમાં દર્દ હોય તો આ આસન કરવાનું ટાળવું.