નિમ્રત કૌરે ખોલ્યું રહસ્ય:ફિટનેસ જર્ની પર ખુલીને કરી વાત, ટ્રોલિંગ અને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે જાણો છો કે, 'દસવીં' ફિલ્મમાં અદ્દભુત અભિનય કરનારી અભિનેત્રી નિમ્રત કૌરે ફિલ્મ માટે 15 કિલો વજન વધારવું પડ્યું હતું? "ધ લંચબોક્સ" અને "એરલિફ્ટ" જેવી ફિલ્મોમાં પણ આ અભિનેત્રીએ ખુબ જ ઉત્કૃષ્ટ અભિનય કરનારી આ અભિનેત્રી ફરી પોતાના અભિનયની અદાથી લોકોને ઘાયલ કરવા માટે ફિલ્મી પડદા પર એક નવી ફિલ્મ લઈને આવી છે. આ 'દસવી' ફિલ્મમાં નિમરતનો પાર્ટનર અભિષેક બચ્ચન છે. આ ફિલ્મમાં તે બિમલાનું પાત્ર ભજવી રહી છે અને તેની ફોટોસ તેણીએ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. આ ફિલ્મ 7મી તારીખે Netflix અને JioCinema જેવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ત્યારે આ ફિલ્મની લીડ અભિનેત્રીએ આ ફિલ્મમાં બિમલાનું પાત્ર ભજવવા માટે રીઅલ લાઈફમાં તેણીએ કેવા-કેવા સંઘર્ષ કરવા પડ્યા? અને કેવી રીતે તેણીએ આ ફિલ્મ બનાવતા સમયે ટ્રોલિંગ અને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો તે અંગેનું રહસ્ય ખોલ્યું.

નિમ્રત કૌરે ઇન્સ્ટાગ્રામમાં થોડા સમય પહેલાં જ એક પોસ્ટ કરી અને તેમાં લખ્યું કે, "એક એવા યુગમાં કે જ્યાં 'તમારો દેખાવ કેવો છે?', તમારું લિંગ, તમારી ઉંમર, તમારો વ્યવસાય બધું જ જોવામાં આવે છે ત્યારે હું મારા જીવનનો એક ભાગ શેર કરી રહી છું કે, જેમાંથી મને ઘણું શીખવા મળ્યું છે અને તે મને આજીવન યાદ રહેશે. તમારે પણ મારી સાથે મારા જીવનના આ ભાગને સહન કરવો પડશે, તે 10 મહિનાની લાંબી મુસાફરીનો નાનો ભાગ નથી."

વજન વધવા અંગે નિમ્રતે જણાવ્યું હતું કે, તેણે પોતાની ફિલ્મ માટે 15 કિલો સુધીનું વજન વધારવું પડ્યું હતું. આની પાછળનું કારણ તેણે પોતાની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અલગ પાત્ર ભજવવાનું હતું. નિમ્રતે કહ્યું કે, તે જાણતી નહોતી કે, તેનો વજન વધ્યા પછી તેણે આવનાર સમયમાં કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નિમ્રત લખે છે કે, "મને હાઈ કેલરી મીલ ખાતી જોઈને મારી આસપાસના અમુક લોકોને લાગવા માંડ્યું કે, તેમને એ કહેવાનો અધિકાર છે કે, હું કંઈક ખોટું કરી રહી છું. આ પછી લોકોએ મારા પર ટિપ્પણી કરવાનું, મજાક ઉડાવવાનું અને વણમાગી સલાહો આપવાનું શરૂ કરી દીધું." નિમ્રતે એમ પણ કહ્યું કે, તેનું વજન વધારવા પાછળનું કારણ શું છે? તે જાણ્યા વગર જ તેના કામને સમજવાને બદલે લોકો તેણીના શરીર પર ટિપ્પણી કરવા લાગ્યા.

જોકે, વર્તમાન સમયમાં નિમરત પોતાના જૂના લૂકમાં પાછી ફરી છે અને તે પહેલા કરતા પણ વધારે હેલ્થી અને ફિટ થઇ ગઇ છે. એમ કહેવું ખોટું નથી કે, ફક્ત શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ આ આખી સફર તેના માટે સરળ નહોતી. વર્કઆઉટની મદદથી નિમ્રત ફરી પોતાના જુના લૂકમાં પાછી આવી છે, પરંતુ તેની સાથે તે ઘણું બધું શીખી પણ ગઇ છે. નિમ્રતે પોતાની પોસ્ટના અંતમાં કહ્યું, "દયાળુ બનો, સંવેદનશીલ બનો અને આભારી રહો. જો તમે કોઈનો દિવસ સારો ના બનાવી શકો તો તેને ખરાબ ન બનાવો. જવાબદાર બનો. ફક્ત પોતાના શરીર અને મનની કાળજી લો, બીજાના નહીં."

ફિલ્મ વિશે ઘણા રહસ્યો જાહેર કર્યા
જ્યારે ફિલ્મસર્જકો પહેલી વાર મારી પાસે સ્ક્રીપ્ટ લઈને આવ્યા હતા, ત્યારે મારી પહેલી પ્રતિક્રિયા એ હતી કે ક્યાંકને ક્યાંક તેમણે મને કાસ્ટ કરવાનો વિચાર બદલવો ના જોઈએ. અહીંયા સુધી કે, ફિલ્મ કરવાની હા પાડવા માટે મેં તેની સ્ક્રીપ્ટ પણ નહોતી વાંચી, આ ફિલ્મ સ્ક્રીપ્ટની માત્ર એક લાઈને મને પ્રભાવિત કરી કે, 'આ પાત્ર ગામડાની એક રાજકારણીનું છે જે પહેલા કઈ જ બોલી શકતી નથી, પરંતુ પાછળથી તે સત્તાના નશામાં ચકચૂર થઈ જાય છે. હું નિર્માતાઓની આ વાતથી ખૂબ જ પ્રભાવિત થઇ હતી.

15 કિલો વજન વધારવું ખૂબ જ પડકારજનક હતું
નિમ્રત કહે છે કે, બિમલા દેવીના પાત્ર માટે મેં 15 કિલો વજન વધાર્યું હતું, જે ખૂબ જ પડકારજનક હતું. મેં વજન વધારવા માટે ન્યુટ્રિશનિસ્ટની નિમણૂક કરી હતી. દિલ્હીથી મારી માતા જુદા-જુદા પ્રકારના પરાઠા બનાવતી અને તેને ફ્રીઝ કરીને મારા સુધી પહોંચાડતી હતી. તુષાર (ફિલ્મના દિગ્દર્શક) પણ પોતાના ઘરેથી મીઠાઈ, સમોસા, ગાજરનો હલવો, જલેબી વગેરે મંગાવતો હતો, જેથી મારું વજન વધી જાય.

વધતું વજન માનસિક અને શારીરિક બંને રીતે પીડાદાયક હતું
નિમ્રતે કહ્યું, હું ઘણા વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલ છું, પરંતુ આ પાત્ર માટે જે બોડી ટ્રાન્સફોર્મેશન કરવાનું હતું તે ખરેખર મુશ્કેલીઓથી ભરેલું હતું. ભોજન કરવું તે મારા માટે કામ બની ગયું હતું અને તેના કારણે મારે દરરોજ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એક સમય પછી એના મનમાં ડર બેસી ગયો કે, ક્યાંક તે 70 કિલોની જ ના રહી જાય. મને પ્રશ્ન થવા લાગ્યા કે, શું હું મારા જૂના દેખાવમાં આવી શકીશ? મને મારો જૂનો લૂક મેળવવામાં લગભગ 6-7 મહિનાનો સમય લાગ્યો હતો. દિવાળી 2020 પછી મારું વજન વધવાનું શરૂ થયું. અમે ફેબ્રુઆરી,2021માં શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન લોકડાઉન થયું હતું અને મારું 3 દિવસનું શૂટિંગ હજુ બાકી હતું. હું ઇચ્છું તો પણ વજન ઓછું કરી શકતી નહોતી.

લગભગ ચાર મહિના સુધી મારે મારી જાતને આ જ સ્વરૂપમાં રાખવી પડી, જે મારા માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પીડાદાયક હતું. એવું લાગતું હતું કે, આ હું ક્યાં અટવાઈ ગઈ? મને ઊંઘવામાં પણ તકલીફ પડતી હતી, મારા ઘૂંટણ અને સાંધામાં ખુબ જ દુખાવો થતો હતો. આ દિવસ પણ પસાર થઈ જશે એમ વિચારીને મેં મારી જાતને હકારાત્મક રાખી અને જ્યારે શૂટિંગ પૂરું થયું ત્યારે મેં મારું વજન ઘટાડવાનું કામ શરુ કરી દીધું.