આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ઓમિક્રોન..:WHOએ દાવો કર્યો, નેક્સ્ટ વેરિયન્ટ વધારે ચેપી હશે, હજુ આ મહામારીનો અંત આવ્યો નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્ન ​​​​​​ જાહેર કરવામાં આવ્યો છે

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લીધે આખી દુનિયામાં ખળભળાટ થઈ ગયો છે. આમ તો આ વાઈરસ ઘણીવાર મ્યુટેટ થઈ ગયો છે, પરંતુ તેના અમુક વેરિયન્ટ મનુષ્યો માટે જીવલેણ સાબિત થયા. એક્સપર્ટનું માનવું છે કે, નવા વેરિયન્ટની એન્ટ્રી ચાલુ જ રહેશે, આ બંધ નહીં થાય.

હાલમાં જ WHOની કોવિડ-19 ટેક્નિકલ લીડ મારિયા વાન કેરખોવેએ કહ્યું કે, કોરોનાનો નવો વેરિયન્ટ હજુ વધારે ચેપી હશે. આ માઈલ્ડ અને ગંભીર એમ બંને હોઈ શકે છે અને આપણી ઈમ્યુનિટીને પણ માત આપી શકે છે.

કેવી રીતે બને છે કોરોનાના નવા વેરિયન્ટ?
કોઈ પણ વાઈરસમાં સમયની સાથે ચેન્જ આવે છે, જેથી તે નેચરમાં સર્વાઈવ કરી શકે. મોટાભાગના વાઈરસ પોતાના ગુણ ચેન્જ કરતા નથી, અમુક વાઈરસ એવા પણ હોય છે જેનામાં વેક્સિન અને સારવારથી ચેન્જ આવી જાય છે. આ પ્રકારના વાઈરસના નવા વેરિયન્ટ બને છે. તે આપણા માટે જોખમી છે.

લોકો માટે એક વેરિયન્ટ કેટલું જોખમી છે, તેને આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન (VoC)એટલે કે એક ચિંતાજનક વેરિયન્ટ જાહેર કરે છે.

કોરોનાના કેટલા વેરિયન્ટ VoC છે?
અત્યાર સુધી આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોનને VoC જાહેર કરવામાં આવ્યો છે. આ વ્યક્તિમાં ઝડપથી ફેલાવા, તેમને ગંભીર રૂપે સંક્રમિત કરવા અને તેમના મૃત્યુ માટે જવાબદાર છે. આલ્ફા વેરિયન્ટ (B.1.1.7)પ્રથમવાર સપ્ટેમ્બર 2020માં બ્રિટનમાં મળ્યો હતો. સૌપ્રથમ બીટા વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાં મે 2020માં ડિટેક્ટ થયો હતો. ગામા વેરિયન્ટ બ્રાઝિલમાં નવેમ્બર 2020માં મળ્યો હતો.

નેચર જર્નલના એક રિપોર્ટ પ્રમાણે, આ ત્રણેય વેરિયન્ટમાં અમુક મ્યુટેશન્સ સરખા છે. આ નબળી ઈમ્યુનિટીવાળા લોકોને ટાર્ગેટ બનાવે છે અને તેનું સંક્રમણ મહિના સુધી રહે છે. ડેલ્ટા વેરિયન્ટ ઓક્ટોબર 2020માં ભારતમાં મળ્યો હતો. આ આલ્ફા વેરિયન્ટ કરતાં 60% વધારે ચેપી છે, આથી વૈજ્ઞાનિક આને સુપર આલ્ફા પણ કહે છે. ઓમિક્રોન વેરિયન્ટ નવેમ્બર 2021માં દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં બાકીના વેરિયન્ટથી વધારે મ્યુટેશન હોય છે. તેને લીધે આ ઝડપથી ફેલાય છે. સ્પાઈક પ્રોટીનની મદદથી વાઈરસ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે.

ભવિષ્યમાં બીજા વેરિયન્ટ​​​​​​​ આવવાની સંભાવના
WHO એક્સપર્ટ મારિયા વાન કેરખોવેએ કહ્યું કે, ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિયન્ટ નથી. આવનારા સમયમાં આપણને બીજા વેરિયન્ટના ન્યૂઝ પણ મળી શકે છે. હાલ કહેવું મુશ્કેલ છે કે તે વેરિયન્ટમાં કેવા પ્રકારના મ્યુટેશન્સ હશે.

નેચર જર્નલના વૈજ્ઞાનિક જેસી બ્લૂમે કહ્યું કે, કોરોનાવાઈરસ ક્યારેય નાશ નહીં પામે. આ એન્ડેમિક સ્ટેજમાં આવી જશે એટલે કે વાઈરસ નબળો પડી જશે અને લોકો તેની સાથે જીવતા પણ શીખી લેશે. આ એક સામાન્ય બીમારી થઈ જશે.

સાયન્ટિસ્ટ એન્ડ્ર્યુએ જણાવ્યું કે, ઓમિક્રોન સંક્રમણ માઈલ્ડ હોવાને કારણે નેક્સ્ટ વેરિયન્ટ પણ માઈલ્ડ સમજવું એ યોગ્ય નથી. નેક્સ્ટ વેરિયન્ટ આનાથી પણ વધારે જોખમી હોઈ શકે છે.