નવું રિસર્ચ:દરરોજ એક્સર્સાઈઝ કરવાથી કિડની ફેલ થવાનું જોખમ 17% સુધી ઘટી જાય છે અને મૃત્યુની આશંકા 38% ઘટી જાય છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિડનીના દર્દીઓમાં લક્ષણો ઘણા લાંબા સમય પછી જોવા મળે છે. પરિણામે, કિડની ફેલ થવાનું જોખમ વધે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સામાન્ય લોકોની તુલનામાં કિડનીના દર્દીઓમાં હાર્ટ ડિસીઝ થવાનું જોખમ 20 ગણું વધારે હોય છે. તાજેતરમાં કરવામાં આવેલું રિસર્ચ દર્દીઓને અલર્ટ કરનાર છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કિડનીના દર્દીઓ દરરોજ એક્સર્સાઈઝ કરે છે તો કિડની અને હાર્ટ બંનેને ફાયદો થાય છે. આ દાવો તાઈવાનની નેશનલ યેંગ-મિંગ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યો છે.

મૃત્યુનું જોખમ 38 ટકા સુધી ઘટી જાય છે
વૈજ્ઞાનિકોએ કિડનીની ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા 4,508 દર્દીઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે જે દર્દીઓની ફિઝિકલ એક્ટિવિટી વધારે હતી તેમનામાં મૃત્યુનું જોખમ 38 ટકા સુધી ઘટી ગયું છે. તેમજ કિડની ફેલ થવાની આશંકા 17 ટકા ઘટી ગઈ. તે ઉપરાંત 37 ટકા હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટી ગયું.

ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો મૃત્યુનું જોખમ બમણું
રિસર્ચમાં સામેલ કિડનીના દર્દીઓની દરેક આદત પર 6 મહિના સુધી ધ્યાન રાખવામાં આવ્યું. રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું કે કિડનીના જે દર્દી ફિઝિકલ એક્ટિવિટીથી દૂર રહ્યા તેમનામાં મૃત્યુનું જોખમ બમણું થઈ ગયું. નેશનલ યેંગ-મિંગ યુનિવર્સિટીના સંશોધનકર્તા ડૉ. વે-ચેંગ સેંગના જણાવ્યા પ્રમાણે, દરરોજની એક્સર્સાઈઝ કિડની દર્દીઓમાં થતા હાર્ટ રિધમ ડિસઓર્ડરનું જોખમ પણ ઘટાડે છે. જો તમે કિડનીના દર્દી છો તો દરરોજ એક્સર્સાઈઝ કરવાની આદત પાડવી.

કેવી રીતે ચેક કરવું કે કિડની સ્વસ્થ છે કે નહીં
જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના નેફ્રોલોજિસ્ટ ડૉ. અમજદ ખાન પઠાણ કહે છે કે, કિડની સ્વસ્થ છે કે નહીં તે કેટલાક ટેસ્ટ કરાવીને જાણી શકાય છે. તમને કોઈ પણ લક્ષણ જણાય તો બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટનાં માધ્યમથી બ્લડમાં પ્રોટીન અને ક્રિએટિનીનનું લેવલ ચેક કરવામાં આવે છે. તેની માત્રા વધારે હોય તો તેની સીધી અસર કિડની પર પડે છે.

એવા લોકો જે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરી રહ્યા છે અથવા જેમની ફેમિલીમાં કિડની ફેલ્યોરના કેસ જોવા મળે છે તેમને ચેકઅપ કરાવવું જોઈએ.