ચોંકાવનારું રિસર્ચ:યુરોપના 900 શહેરમાં ગ્રીનરીના અભાવે દર વર્ષે 43 હજાર લોકો અકાળે મૃત્યુ પામ્યાં, ગ્રીનરી બીમારીનું જોખમ ઘટાડતી હોવાનો સંશોધકોનો દાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પેનની બાર્સિલોના ઈન્સ્ટિટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધકોનું રિસર્ચ
  • રિસર્ચ પ્રમાણે, મૃત્યુ અને આસપાસની ગ્રીનરી વચ્ચે કનેક્શન છે

ગ્રીનરી અર્થાત લીલોતરી પર્યાવરણ સાથે આપણાં સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આ અસર એ હદે ગંભીર બને કે તેનાં કારણે તમારી ઉંમર વધી શકે છે અથવા તમારું મૃત્યુ પણ થઈ શકે છે. જી હા યુરોપના 900 શહેરોમાં દર વર્ષે 43 હજાર મૃત્યુનું કારણ ગ્રીનરીનો અભાવ છે. આ દાવો સ્પેનની બાર્સિલોના ઈન્સ્ટિટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધકોએ કર્યો છે.

ગ્રીનરી આ રીતે તમારો જીવ બચાવે છે
સંશોધકોના રિપોર્ટ પ્રમાણે જે શહેરમા પાર્ક હશે ત્યાંની એર ક્વોલિટી સારી હશે અર્થાત ત્યાં પ્રદૂષણ ઓછું હશે. ગ્રીનરીવાળા આવા પાર્કમાં લોકો એક્સર્સાઈઝ કરે છે. તેનાથી તેમનાં હૃદય અને ફેફસાં સ્વસ્થ રહે છે. આટલું જ નહિ ગ્રીનરીને કારણે તણાવ અને અનિદ્રાની પણ સમસ્યા નથી રહેતી.

રિસર્ચ પ્રમાણે તમારી આસપાસની ગ્રીનરી તમારાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. તે તમારી ઉંમર વધારવાની સાથે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. ગ્રીનરીને કારણે માણસોમાં બીમારીનું જોખમ ઓછું રહે છે.

ઓછી ગ્રીનરી મૃત્યુ નોતરી શકે છે

WHOની ગાઈડલાઈન પ્રમાણે તમારું ઘર ગ્રીનરીનાં 300 મીટરના અંતરે હોવું જોઈએ. યુકેની પ્લેમાઉથ યુનિવર્સિટીના સંશોધકોના રિસર્ચ પ્રમાણે, જો તમારા ઘરની આસપાસ ગ્રીનરી હોય તો તમે તેને જોઈ નશાની આદત સુધારી શકો છો. ગ્રીનરીની આસપાસ રહેતા લોકોને આલ્કોહોલ, સિગારેટ સહિતના નશીલા પદાર્થોનું સેવન કરવાની ઈચ્છા ઓછી થાય છે.

5 પોઈન્ટમાં રિસર્ચ સમજો

  • શહેરમાં કેટલી ગ્રીનરી છે તે જાણવા માટે સંશોધકોએ સેટેલાઈટ તસવીરોનો ઉપયોગ કર્યો.
  • આ તસવીરોથી માલુમ કરાયું કે માણસ ગ્રીન બેલ્ટથી કેટલે દૂર વસવાટ કરે છે. આવા લોકોનાં હેલ્થ રેકોર્ડનું અવલોકન કરવામાં આવ્યું.
  • 866 શહેરના લોકોના હેલ્થ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાંથી કેટલા લોકોનું મૃત્યુ કુદરતી રીતે થયું તે જાણવામાં આવ્યું.
  • સાથે જ ગ્રીનરી અને મૃત્યુનું કનેક્શન સમજાવતાં અગાઉના રિસર્ચનાં પરિણામ સમજવામાં આવ્યા.
  • WHOની ગાઈડલાઈન પ્રમાણે કેટલા મૃત્યુ રોકી શક્યા હોત તેનું એનાલિસિસ કરવામાં આવ્યું.

રિસર્ચનાં પરિણામ
રિસર્ચમાં જોવા મળ્યું કે ઓછી ગ્રીનરી અને મૃત્યુ વચ્ચે કનેક્શન છે. ગ્રીનરીના અભાવે યુરોપમાં દર વર્ષે આશરે 43 હજાર લોકોનું મૃત્યુ થયું છે. ઈંગ્લેન્ડના 113 શહેરોમાં દર વર્ષે તેના કારણે 7052 મૃત્યુ થયાં છે.

બાર્સિલોના ઈન્સ્ટિટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થમાં અર્બન પ્લાનિંગ વિભાગના ડાયરેક્ટર માર્ક જે જણાવે છે કે, રિસર્ચના આંકડા જણાવે છે કે, યુરોપના શહેરી વિસ્તારોમાં ગ્રીનરી માટે ઘણા ફેરફારો લાવવાની જરૂર છે. ગ્રીન રૂફ અને વર્ટિકલ ગાર્ડનની સંખ્યા વધારવા પર ફોકસ કરવું જોઈએ. શહેરોએ WHOની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

સ્વસ્થ રહેવા માટે ગ્રીનરી જરૂરી

લેન્સેટ પ્લેનેટરી જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, ગ્રીન બેલ્ટથી દૂર રહેવા પર તેનો ફાયદો મળતો નથી. ગ્રીનરીથી 300 મીટરના અંતરે તમારું ઘર કે ઓફિસ હોય તો જ તેનો ફાયદો તમને મળે છે.