વધેલા પ્રોસ્ટેટની સર્જરીનો વિકલ્પ:સ્પ્રિંગ જેવાં ડિવાઈસની મદદથી સર્જરી કરાવવામાંથી મુક્તિ મળશે, વૈજ્ઞાનિકોનો દાવો- આ ડિવાઈસ સુરક્ષિત અને અસરકારક

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની જેનફ્લો કંપનીએ સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટ ડેવલપ કર્યું
  • પ્રોસ્ટેટ ગ્રંથિ વધેલા ભાગમાં આ સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે

દુનિયાભરમાં લાખો પુરુષ પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવાની સમસ્યાથી પીડાય છે. આમ થવાં પર પેશાબ યોગ્ય રીતે થતો નથી. વૈજ્ઞાનિકોને તેની સારવાર માટે એક ડિવાઈસ તૈયાર કર્યું છે. આ સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટને પ્રભાવિત જગ્યાએ લગાવી આ સમસ્યા ઘટાડી શકાય છે.

આ સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટ ડેવલપ કરનારી અમેરિકાની જેનફ્લો કંપનીના સંશોધકોનો દાવો છે કે, શરૂઆતના ટ્રાયલમાં દર્દીઓમાં ઝડપી રિકવરી જોવા મળી છે અને તેની કોઈ આડઅસરો પણ જોવા મળી નથી.

પ્રોસ્ટેટ વધવું એટલે શું?
પ્રોસ્ટેટ વધવાના કેસ 50 વર્ષથી વધારે ઉંમરના પુરુષોમાં વધારે જોવા મળે છે. આ ઉંમરે દર ત્રીજા પુરુષમાં પ્રોસ્ટેટ વધવાનાં લક્ષણો જોવા મળે છે.

મૂત્રમાર્ગની નળીના મારફતે પેશાબ બહાર આવે છે, પરંતુ આ ભાગે પ્રોસ્ટેટ ગ્રંથિનો આકાર વધી જવાથી નળીમાંથી પેશાબ સંપૂર્ણ રીતે બહાર આવી શકતો નથી. આ સ્થિતિને સરળ ભાષામાં પ્રોસ્ટેટ વધવું એમ કહેવાય છે. આમ થવા પર દર્દીઓમાં યુરિનમાં તકલીફ થવી, વારંવાર યુરિન કરવા જવું પડવું, રાતે વારંવાર યુરિન કરવા જવું પડવું જેવી સમસ્યા થાય છે.

પ્રોસ્ટેટ વધવાની તકલીફને સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટ દૂર કરશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પેપરક્લિપના આકારના સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટને નિકલ અને ટાઈટેનિયમમાંથી ડેવલપ કરાયું છે. પ્રોસ્ટેટના દર્દીઓને એનેસ્થેસિયા આપ્યા બાદ જે ભાગે સમસ્યા હોય ત્યાં સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. આ સ્પ્રિંગ મૂત્રમાર્ગના એ ભાગને પહોળો કરે છે જ્યાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાને કારણે દર્દીને યુરિનમાં તકલીફ થાય છે.

સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટ 10 મિનિટમાં થઈ જાય છે. સ્પ્રિંગને એક ફ્લેક્સિબલ અને પાતળી ટ્યુબ (કેથેટર)ની મદદથી યુરેથ્રાનાં માધ્યમથી પ્રભાવિત જગ્યાએ લગાવવામાં આવે છે. આ ટ્યુબમાં કેમેરા અટેચ હોય છે. તે યોગ્ય લોકેશન પર ઈમ્પ્લાન્ટ કરવામાં મદદ કરે છે.

સર્જરીનો વિકલ્પ હોવાનો સંશોધકોનો દાવો
આ સમસ્યાથી પીડિત દર્દીને રાતે ઓછું પાણી પીવાની સલાહ અપાય છે. દવાઓ અને સર્જરીની મદદથી તેની સારવાર કરવામાં આવે છે. સર્જરીની મદદથી વધેલા પ્રોસ્ટેટને કાપી નાખવામાં આવે છે. સર્જરી બાદ પુરુષોમાં નપુંસકતાનું જોખમ રહે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ નવાં સ્પ્રિંગ ઈમ્પ્લાન્ટની મદદથી સારવાર કરવા પર આ જોખમ નહિ રહે.

'વર્લ્ડ જર્નલ ઓફ મેન્સ હેલ્થ'માં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પ્રારંભિક ટ્રાયલમાં ઈમ્પ્લાન્ટ સુરક્ષિત અને અસરકારક સાબિત થયું છે. બ્રિસ્ટલની સાઉથમીડ હોસ્પિટલમાં યુરોલોજિકલ સર્જન પ્રોફેસર રાજ પ્રસાદ કહે છે કે આ ઈમ્પ્લાન્ટ એ લોકો માટે સારો વિકલ્પ છે જે સર્જરી કરાવવા માગતા નથી.