તાજેતરમાં જ અભિનેત્રી મિષ્ટી મુખર્જીનું કિડની ફેલ થવાને કારણે નિધન થયું. તે કીટો ડાયટ લઈ રહી હતી. મીડિયા રિપોર્ટમાં મૃત્યુનું મુખ્ય કારણ કીટો ડાયટ જણાવવામાં આવી રહ્યું છે. આ એવું ડાયટ છે જેને ઘણા સેલિબ્રિટી ફોલો કરે છે. કીટો ડાયટને ફોલો કરતાં પહેલાં તેના ફાયદા અને નુકસાનને સમજવા જરૂરી છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ ડાયટનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે પરંતુ તેમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. તેથી એક્સપર્ટની મદદથી જ પ્લાન કરો. ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડો. સુરભી પારીક પાસેથી જાણો, કીટો ડાયટ લેતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ બેદરકારીથી હૃદય અને કિડની માટેનું જોખમ વધે છે...
1. શું છે કીટો ડાયટ?
તેને કીટોજેનિક ડાયટ પણ કહેવામાં આવે છે. તે ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું સંયોજન છે. તેમાં 65-70 ટકા ફેટ, 20-25 ટકા પ્રોટીન અને 5 ટકા કાર્બોહાઈડ્રેટ સામેલ કરવામાં આવે છે. કેટલાક લોકોને લાગે છે કે તેમાં ફેટનો એક મોટો ભાગ સામેલ હોય છે તેથી વજન વધી શકે છે, જ્યારે આવું નથી. જો તેને નિષ્ણાતના અનુસાર પ્લાન કરવામાં આવે તો વજનને કંટ્રોલ કરી શકાય છે.
જ્યારે પણ નિષ્ણાતો આ ડાયટ માટે સલાહ આપે છે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે, શરીરને આ ડાયટની કેટલી જરૂર છે, શરીરની લંબાઈ,અને વજન. તેને ક્યારેય પણ કોઈ નિષ્ણાત વગર ફોલો ન કરો.
2. મિષ્ટી મુખર્જીના કેસમાં કિડની ફેલ શા માટે થઈ?
ન્યૂટ્રિશનિસ્ટ ડો. સુરભીના જણાવ્યા પ્રમાણે, હંમેશાં લોકો આ ડાયટને પ્લાન કરવામાં બેદરકારી દાખવે છે. જેમ કે, ફેટ અને પ્રોટનની માત્રા વધારે લે છે. શરીરમાં પ્રોટીનની માત્રા વધવા પર કિડની પર દબાણ પડે છે. જે બાદમાં કિડની ફેલ્યોરનું કારણ બને છે.
કેટલાક લોકો યુટ્યુબ અને ઇન્ટરનેટની અધૂરી જાણકારી લઈને કીટો ડાયટ પ્લાન કરે છે. આવી પરિસ્થિતિમાં શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે અને ફેટ વધી જાય છે જે હૃદય રોગનું કારણ પણ બની શકે છે.
આ ડાયટ ખાસ કરીને વાઈ, પાર્કિન્સન, અલ્ઝાઇમર્સ અને ઓટીઝમના દર્દીઓ માટે છે. જો તમે ડાયટિંગ કરવા માગો છો તો ક્યારેય આ પ્લાનની શરૂઆત જાતે ન કરવી.
3. કેવી રીતે કામ કરે છે આ ડાયટ?
મોટાભાગના ડાયટ પ્લાનમાં એનર્જી માટે કાર્બોહાઈડ્રેટ જ સોર્સ હોય છે પરંતુ કીટો ડાયટમાં ફેટ જ એનર્જી આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિને એનર્જીની જરૂર હોય છે તો કાર્બોહાઈડ્રેટ ન હોય ત્યારે ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે, જેમનું વજન વધારે હોય છે, તેમને એનર્જીની જરૂર હોય ત્યારે શરીર વધારાની ચરબીનો ઉપયોગ કરે છે, જેનાથી વજન ઓછું થાય છે.
4. કયા લોકો માટે જરૂરી છે કીટો ડાયટ?
તે વાઈના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે ઉપરાંત જે વજનને કંટ્રોલ કરવા માગે છે તેઓ એક્સપર્ટ પાસેથી સલાહ લઈને ફોલો કરી શકે છે. સામાન્ય રીતે લોકો ડાયટમાં કાર્બોહાઈડ્રેટ વધારે લે છે. વાઈના કિસ્સામાં શરીરમાં હાજર ગ્લુકોઝ (કાર્બોહાઇડ્રેટ) હુમલો વધારી શકે છે. તેથી આ ડાયટની મદદથી કાર્બ ઓછી અને ચરબી વધારીને વાઈના દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
5. કેવી રીતે કીટોજેનિક ડાયટની શરૂઆત થઈ?
તેની શરૂઆત 1920માં વાઈના હુમલાને અંકુશમાં લેવા માટે વૈકલ્પિક ડાયટ તરીકે થઈ હતી. બાદમાં તેને મગજને લગતા અન્ય રોગો જેવા કે ઓટિઝમ, પાર્કિન્સન ડિસીઝ, અલ્ઝાઈમર્સ અને કેન્સરની સારવામાં ઉપયોગ કરવામાં આવ્યો અને સકારાત્મક પરિણામો જોવા મળ્યાં હતાં.
6. આ ડાયટના ફાયદા શું છે?
તે ઊંઘ ન આવવાની સમસ્યા અને મેન્ટલ ડિસઓર્ડરને દૂર રાખે છે. કેમ કે, આ ડાયટ ભૂખને કંટ્રોલ કરે છે તેથી એવા લોકો જે વજન ઓછું કરવા માગે છે તેઓ ફોલો કરી શકે છે. પરંતુ એક્સપર્ટની સલાહથી. તેમાં ફેટનું પ્રમાણ વધારે હોવાથી સ્કિન ગ્લોઈંગ અને ચમકદાર રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.