યોગ્ય સમય પર ભોજન શરીર માટે જેટલું ફાયદાકારક છે, અયોગ્ય સમયે ભોજન લેવું એટલું જ નુક્સાનકારક છે. મોડી રાતે ભોજન લેવાથી શરીરમાં અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે. એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, રાતે સૂવાના 3 કલાક પહેલાં અને છેલ્લો નાસ્તો 90 મિનિટ પહેલાં લેવો જોઈએ. આ સમયે લેવા પર જ તે યોગ્ય રીતે પચે છે. કન્સલ્ટન્ટ ડાયટિશિયન ડૉ. શિવાની ચતુર્વેદી પાસેથી જાણો મોડી રાતે ભોજન લેવાનાં જોખમ વિશે...
મોટી રાતે ભોજન લેવાનાં 5 મોટાં જોખમ
મેદસ્વિતા સૌથી મોટું જોખમ
નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, સૂતાં સમયે ભોજન લેવાથી મેદસ્વિતાનું જોખમ વધે છે. તેનાથી શરીરમાં લાંબા સમય સુધી વધારાની કેલરી એકત્રિત રહે છે, જે ફેટ તરીકે જમા થાય છે.
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં થયેલાં રિસર્ચ પ્રમાણે, મોડી રાતે ભોજન લેવાથી હાઈ બીપી અને ડાયાબિટીસનું જોખમ વધે છે. તેનાથી ગ્લુકોઝનું લેવલ વધે છે. તે લોહીમાં વિશેષ ફેટને વધારે છે તેનાથી હૃદય રોગનું જોખમ રહે છે.
યાદશક્તિ પર અસર
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લૉસ એન્જલસના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર કરેલાં રિસર્ચમાં પુરવાર થયું છે કે, તેનાથી યાદશક્તિ પર પણ અસર થાય છે. ઉંદરોને સૂતા પહેલાં ભોજન આપવામાં આવ્યું તો તેમની યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પ્રભાવિત થઈ. આ ઉંદરોમાં યાદશક્તિ બનાવનાર અણુ પ્રભાવિત થયાં.
ઈટિંગ ડિસઓર્ડર અર્થાત ખોરાકની આદત બગડે છે
મોડી રાતે ભોજન લેવાથી ઈટિંગ ડિસઓર્ડર થવાની આશંકા વધે છે. આ ડિસઓર્ડર થાકને કારણે થાય છે. થાક લાગવાથી વ્યક્તિ જલ્દી પેટ ભરાઈ જાય તેવો ખોરાક લે છે.
પાચન સંબંધિત સમસ્યા અને પોષણ મળતા નથી
રાતે શારીરિક ગતિવિધિઓ ઓછી હોવાથી મેટાબોલિઝ્મ ધીમું પડે છે. શરીરને ભોજન પચાવવામાં સમસ્યા થાય છે. તેનાથી શરીરને યોગ્ય ન્યૂટ્રિશન નથી મળતા અને બીમારીનું જોખમ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.