તુલસીના ફાયદા:શ્યામ તુલસીના દરરોજ 4-5 પાન ખાવાથી અનેક બીમારીઓ થશે દૂર, પરંતુ રાખવું પડશે આ ધ્યાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિન્દૂ ધર્મમાં તુલસીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાનને પ્રિય હોવાને કારણે તુલસી વંદનીય અને પૂજનીય છે. તુલસીમાં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી અનેક બીમારીનો ઈલાજ છે. ચોમાસાની ઋતુમાં અનેક મોસમી બીમારીનો ભોગ આપણે બનીએ છીએ. તે સમયે શ્યામ તુલસી બેસ્ટ વિકલ્પ છે. શ્યામ તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાઇરસ ઇન્ફેક્શન અને બેક્ટેરિયાની આશંકા ઓછી રહે છે. તો મેલેરિયાથી બચવા માટે દરરોજ સવારે તુલસીના 4થી 5 પાન ચાવીને ખાવા જોઈએ. જો તમે ચાવીને ન ખાઈ શકો તો, દૂધ, પાણી અને ચામાં ઉકાળીને પીવા જોઈએ.

શ્યામ તુલસીના પાન જીવાણુ અને વિષાણુથી થનારા સંક્રમણથી દૂર રાખે છે. શ્યામા તુલસી (ઘેરા લીલા અથવા કાળા પાંદડાવાળી તુલસી) રામ તુલસી (હળવા લીલા પાંદડાવાળી તુલસી) કરતાં વધુ ગુણો હોય છે. શ્યામ તુલસીને દવાની જેમ લેવાથી ઘણો ફાયદો થાય છે, હાર્ટના દર્દીઓ માટે તો ખાસ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે.

બે ઋતુઓ વચ્ચે આવતા બદલાવને કારણે થતી બીમારી જેવી કે, શરદી, ઉધરસ અને તાવમાં કાળી તુલસી સૌથી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પૌરાણિક સમયમાં જ નહીં, પરંતુ હાલમાં પણ તુલસીને એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-મેલેરિયલ ગુણ ધરાવતા માનવામાં આવે છે. તુલસીમાં ઘણા પ્રકારના વિટામિન્સની સાથે-સાથે પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે બાળકોની યાદશક્તિ વધારવા માંગતા હોવ તો તુલસીને અચૂક ખવડાવો.

તાવ અને મેલેરિયામાં છે ફાયદાકારક
ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને કારણે મેલેરિયા ભરડો લે છે, આ બીમારીથી બચવા માટે સવારે-સાંજે તુલસીના 5 પાન કાળા મરી સાથે ખાવાથી મોસમી બીમારીથી બચી શકાય છે. જ્યારે તમને તાવ આવ્યો હોય અને મોઢામાં કોઈ સ્વાદ ન આવતો હોય, ઉબકા આવતા હોય અને જમવાનું ન ભાવતું હોય તો, તુલસીના પાનને ધીમે-ધીમે ચાવીને ખાવાથી ફાયદો થશે.

ચોમાસામાં તમને તાવ આવ્યો હોય તો દર બે-ત્રણ કલાકે તુલસીનો રસ હૂંફાળા પાણી સાથે પીવાથી તાવ ઓછી થઇ જશે. જો ફ્લૂનો તાવ આવતો હોય તો તુલસી અને લીમડાના પાનને કાળા મરી સાથે મિક્સ કરીને દિવસમાં ત્રણ વખત સવાર-બપોર-સાંજ લેવાથી ફાયદો થશે.

કફ અને શરદી
હાલ બજારમાં ઉપલબ્ધ કફ સિરપમાં પણ તુલસી હોય છે. તુલસીથી અસ્થમાની સમસ્યાથી રાહત થાય છે. શરદી કે કફના કારણે ફેફસાંમાં તકલીફ થતી હોય ત્યારે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી કે ચાવવાથી કફ દૂર થાય છે. તુલસીના પાનને ઉકાળીને તૈયાર કરેલું પાણી પીવાથી પણ ફેફસા મજબૂત થાય છે.

જો કોઈ દર્દીને શ્વાસમાં તકલીફ હોય અથવા અસ્થમાની સમસ્યા થઇ રહી હોય અથવા કોરોનાને કારણે ફેફસાંની પર ખરાબ અસર થઈ હોય તો આ દર્દીઓને એક તુલસીના અર્ક અને એક ચમચી અજમામાં ચાર ચમચી પાણી મિક્સ કરીને સવાર-બપોર-સાંજ-રાત્રે લેવાથી તેમના ફેફસા મજબૂત બને છે. આ સાથે લોહીમાં ઓક્સિજનનું લેવલ વધે છે.

દુખાવો અને ઘા
તુલસીમાં એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે, જો પડી જવાથી કે ઈજાથઇ હોય અને ઘરમાં એન્ટિસેપ્ટિક ક્રીમ ન હોય તો તુલસીનો તાજો રસ કાઢો. જેનાથી ઘા સાફ કરવાથી ઘા ઝડપથી રૂઝાઈ જશે. કાનની અંદર ઈન્ફેક્શનને કારણે દુખાવો થતો હોય તો તુલસીના રસના બે ટીપા કાનમાં નાખવાથી ઈન્ફેક્શન મટી જશે અને દુખાવો પણ દૂર થઈ જશે.

તો તુલસીના ટીપાં કાનમાં નાખવાથી પણ ફાયદો થશે. જો શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય તો તુલસીના રસમાં ગાયનું ઘી અને ચાર ટીપાં મધ અને કાળા મરીના પાવડરમાં ભેળવીને લગાવાથી દુખાવો મટે છે. જો શરીરમાં કોઈ પ્રકારનો સોજો જોવા મળે તો તુલસીના પાન ચાવવાથી ફાયદો થશે.

ત્વચાના રોગ સામે પણ ફાયદાકારક
સોરાયસિસ કે એક્ઝીમા હોય તો તુલસીનો રસ લગાવવાથી ફાયદો થશે. ત્વચા લાલ ચકમાં થયા હોય તો તુલસીનો રસ લગાવવાથી ખંજવાળ નથી આવતી અને ઈન્ફેક્શન પણ દૂર થાય છે.

દરરોજ સવારે ખાલી પેટ અને સાંજે સૂતા પહેલા તુલસીના પાન ખાવાથી ત્વચામાં ચમક આવશે. જે લોકોને સવાર-સાંજ શ્વાસમાં દુર્ગંધ આવતી હોય અને પેઢામાંથી લોહી નીકળતું હોય તે લોકોએ તુલસીનું તેલ લગાવવાથી અથવા તુલસીનો રસ થોડા સમય માટે મોંમાં રાખવાથી ફાયદો થશે.

આ રાખો ધ્યાન
તુલસીનો રસ મોં કે દાંત પર લાંબા સમય સુધી ન રાખવો જોઈએ. તુલસીના પાનને એકથી બે મિનિટ સુધી ચાવો અને પાણી સાથે ગળી લો. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે તુલસીને ચાવવા કરતાં તેને ગળી જવું વધુ સારું છે.