• Gujarati News
  • Lifestyle
  • Health
  • Eat Half A Cup Of Walnuts Daily To Reduce The Risk Of Heart Disease, Bad Cholesterol Level Will Be Reduced By 8.5%

હૃદયનું સ્વાસ્થ્ય અને અખરોટનું કનેક્શન:હૃદય રોગનું જોખમ ઘટાડવું હોય તો દરરોજ અડધા કપ અખરોટનું સેવન કરો, ખરાબ કોલેસ્ટેરોલનું લેવલ 8.5% સુધી ઘટશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખરોટનું સેવન યાદશક્તિ વધારે છે અને બ્લડ શુગર કન્ટ્રોલ કરે છે
  • અખરોટમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ હૃદય રોગોનું જોખમ ઘટાડે છે

તમારે હૃદય રોગોનું જોખમ ઘટાડવું હોય તો તમે દરરોજ અડધા કપ અખરોટનું સેવન કરો. તેનાથી કોલેસ્ટેરોલ 8.5% સુધી ઘટે છે. આ દાવો હોસ્પિટલ ક્લીનિક ડે બાર્સિલોનાના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે. સંશોધકો અને બાર્સિલોનાના ફૂડ એક્સપર્ટ એમિલિયો રોસ જણાવે છે કે, અગાઉ થયેલાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે કે, અખરોટ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. રિસર્ચમાં ખરાબ કોલેસ્ટેરોલ અને હૃદય રોગોનું કનેક્શન સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ખરાબ કોલેસ્ટેરોલ કેવી રીતે નુક્સાન પહોંચાડે છે, આ રિસર્ચ કેવી રીતે થયું, અખરોટ કેવી રીતે હૃદય રોગથી બચાવે છે આવો જાણીએ...

628 લોકો પર રિસર્ચ થયું
અખરોટ કેવી રીતે ફાયદો કરે છે તે સમજવા માટે સંશોધકોએ 63થી 79 વર્ષના 628 લોકો પર રિસર્ચ કર્યું. આ તમામ લોકો બાર્સિલોના અને કેલિફોર્નિયાના હતા. આ તમામ લોકોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા ગ્રુપના લોકોને દરરોજ અડધો કપ અખરોટનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું. બીજા ગ્રુપના લોકોને અન્ય નટ્સનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું. 2 વર્ષ પછી આ બંને ગ્રુપનાં લોકોનું અવલોકન કરી તેમનાં સ્વાસ્થ્યની સરખામણી કરવામાં આવી.

રિપોર્ટમાં સામે આવ્યું કે, અખરોટનું સેવન કરનાર લોકોમાં ખરાબ કોલેસ્ટેરોલમાં સરેરાશ 4.3 mg/dLનો ઘટાડો થયો. આવા લોકોમાં કુલ 8.5 mg/dLસુધીનો ઘટાડો થયો.

આ રીતે ખરાબ કોલેસ્ટેરોલ હાર્ટ અટેક નોતરે છે
ખરાબ કોલેસ્ટેરોલને વૈજ્ઞાનિક ભાષામાં LDL (લૉ ડેન્સિટી લાઈપોપ્રોટીન) કહેવાય છે. આ પ્રોટીન જ હૃદય રોગ અને સ્ટ્રોક માટે જવાબદાર હોય છે. જંક ફૂડ, વધારે ફેટવાળી વસ્તુ લેવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલની માત્રા વધે છે. તે લોહીમાં ભળી શરીરનાં દરેક ભાગમાં પહોંચે છે.

નવાં રિસર્ચ પ્રમાણે, ખરાબ કોલેસ્ટેરોલના કણ અલગ અલગ આકારના હોય છે. તેનાં નાના અને ઘટ્ટ કણો ભેગા થઈ ધમની બ્લોક કરે છે. પરિણામે બ્લડ સર્ક્યુલેશન ઘટે છે અને ધમનીઓ ડેમેજ થવાની શરૂઆત થાય છે. તેનાથી હાર્ટ અટેક અને ધમનીઓને ડેમેજ કરનાર બીમારીનું જોખમ વધે છે.

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ નુક્સાનથી બચાવે છે
અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે, અખરોટમાં ઓમેગા- 3 ફેટિ એસિડની માત્રા વધારે જોવા મળે છે. આ ફેટિ એસિડ માછલીઓમાં જોવા મળે છે. તે હૃદય સ્વસ્થ રાખવાનું કામ કરે છે. અખરોટ LDLનું લેવલ ઓછું કરવાનું કામ કરે છે. સાથે તેમાં સુધારો કરી જોખમ ઓછું કરે છે.

સંશોધક એમિલિયો રોસ જણાવે છે કે, કોલેસ્ટેરોલ ઘટવાની રીત મહિલા અને પુરુષોમાં અલગ અલગ હોય છે. પુરુષોમાં કોલેસ્ટેરોલનું લેવલ 7.9% અને મહિલાઓમાં 2.6% સુધી ઘટે છે. જોકે તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

અખરોટના ફાયદા
1. મગજ: મેમરી વધારવાની સાથે નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હાજર હોય છે. એ ગુડ ફેટ છે, જે હૃદયની સાથે મગજ માટે પણ ફાયદાકારક છે. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુ ખાવાથી યાદશક્તિમાં સુધારો આવે છે અને નર્વસ સિસ્ટમ વધુ સારી કામ કરે છે.

2. વાળઃ લાંબા અને મજબૂત વાળ જોઈએ છે તો અખરોટ ખાઓ
અખરોટમાં પોટેશિયમ, ઓમેગા-3, ઓમેગા-6 અને ઓમેગા-9 ફેટી એસિડ હોય છે. આ તમામ પોષક તત્ત્વ વાળ માટે જરૂરી છે. દરરોજ અખરોટ ખાવાથી વાળ લાંબા અને મજબૂત થાય છે અને વાળની ચમક વધે છે.

3. સ્કિનઃ ત્વચાનો ગ્લો વધારે છે
અખરોટમાં એન્ટિઓક્સિડન્ટ્સની સાથે એવાં પોષક તત્ત્વો હોય છે જે સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફોરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવાં ઘણાં પોષક તત્ત્વો હોય છે.

4. હાડકાં: હાડકાંને મજબૂત બનાવીને ઓસ્ટિયોપોરોસિસને અટકાવે છે
તેમાં આલ્ફા-લિનોલેનિક એસિડ, ફોસ્ફોરસ અને કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ઉપરાંત એ હાડકાંમાં આસ્ટિયોપોરોસિસને અટકાવે છે, સાથે કોપર બોન મિનરલ ડેન્સિટીને જાળવી રાખે છે. અખરોટમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાં સોજાને પણ દૂર કરે છે.

5. ડાયાબિટીસઃ તે બ્લડશુગર કન્ટ્રોલ કરે છે
બેઈજિંગમાં કરવામાં આવેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, અખરોટમાં એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો હોય છે, તે લોહીમાં બ્લડશુગરની માત્રા ઘટાડે છે. એનાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...