ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો ખાનપાનની ઋતુ ગણાય છે. આપણું શરીર શિયાળામાં વધારે કેલરી બર્ન કરે છે. શિયાળામાં મેદસ્વી થવાના ચાન્સિસ ઓછા થઈ જાય છે.
આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા જણાવે છે કે શિયાળામાં આપણે ભોજનની માત્રા વધારી શકીએ છીએ. શિયાળામાં પાચન સારું બને છે અને આખું અનાજ શરીરને ગરમાવો આપે છે.
શિયાળામાં કેવું ડાયટ હોવું જોઈએ જે શરીરને ગરમ રાખે અને પોષક તત્વોની પૂર્તિ સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે. આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા પાસેથી જાણો આ સવાલોના જવાબ...
શિયાળામાં મકાઈ, જુવાર, બાજરી અને રાગી સામેલ કરો. રોટલી, દાળ અને ઢોસા સહિત તેની અલગ અલગ ડિશ બનાવો. આ ડિશ વજન કન્ટ્રોલ કરશે અને શરીર ગરમ રાખશે. જોકે તેમાં ઘીનો પ્રયોગ વધારે ન થવો જોઈએ.
શિયાળામાં શાકભાજીના ઢગલો ઓપ્શન અવેલેબલ હોય છે. તેનું સૂપ બનાવી પીવું જોઈએ. સૂપ શરીરમાં પાણી અને પોષક તત્વોની ઊણપ દૂર કરે છે. તેમાં કાળામરીનો પાઉડર ઉમેરો. મિક્સ વેજિટેબલ સૂપમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે તે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે.
શિયાળામાં મેથી, પાલક, ચિલની ભાજી સહિત અનેક લીલી શાકભાજી મળે છે. તેમાં વિટામિન A, E, K, ફોલિક એસિડ, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં પોષક તત્વો હોય છે. લંચ અથવા ડિનરમાં આ લીલી શાકભાજી સામેલ કરો. તે વજન કન્ટ્રોલ કરવાની સાથે કફ દૂર કરે છે.
તલ, મગફળી અને ગોળ એકસાથે અથવા અલગ અલગ પણ ખાઈ શકાય છે. તેની તાસીર ગરમ હોય છે. તેમાં આયર્ન હોય છે જે ઠંડીમાં જરૂરી છે. શિયાળામાં ત્વચા ડ્રાય બની જાય છે. તલ અને મગફળીનું સેવન કરવાથી ત્વચા પણ ચમકદાર બને છે. શિયાળામાં બને તો વિવિધ વાનગીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.
મોટા ભાગના લોકો માને છે કે શિયાળામાં પરસેવો ન થવાથી પાણીની ઊણપ નથી થતી. જોકે શિયાળામાં પણ શરીરને એક નિશ્ચિત માત્રામાં પાણીની જરૂર હોય છે. શિયાળામાં પણ દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણીની ઊણપ તમારી પાચન ક્ષમતા પર ખરાબ અસર કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.