હેલ્થ ટિપ્સ:ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું પાણી પીવું ભારે પડી શકે છે, ન્યુટ્રિશનિસ્ટે શેર કર્યા ગેરફાયદા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે બધા જાણીએ છીએ કે, પાણી પીવું ખૂબ જ જરુરી છે, કારણ કે તે આપણા શરીરને ડિટોક્સિફાઈ કરે છે અને આપણને હાઇડ્રેટેડ રાખે છે અને ગર્ભવતી સ્ત્રીએ સામાન્ય વ્યક્તિ કરતાં વધુ પાણી પીવું જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું પાણી પીવાથી ફાયદાની સાથે નુકશાન પણ પહોંચે છે, જાણીએ કેવી રીતે?

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થસેકની સ્થાપક પ્રીતિકા બેદીએ ગર્ભાવસ્થાના તબક્કા દરમિયાન પાણી પીવાના ગેરફાયદા શેર કર્યા હતા. તેમના મતે વધુ પડતું પાણી પીવાથી ગર્ભવતી સ્ત્રી થાકનો અનુભવ કરી શકે છે. આવા કિસ્સામાં કિડની પર દબાણ આવે છે, જે તણાવમાં વધારો કરે છે અને તેના કારણે શરીરમાં વધારે થાકોડો લાગે છે. જ્યારે તમે વધારે પડતું પાણી પીઓ છો, ત્યારે તમારા ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઘટી જાય છે અને તમારા શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. જ્યારે ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઓછું હોય છે ત્યારે સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ સહિતના લક્ષણો જોવા મળી શકે છે. જ્યારે મહિલાઓ ખૂબ જ ઓછા સમયમાં વધુ માત્રામાં પાણીનું સેવન કરે છે તો મૂંઝવણ, નિંદ્રા અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન પાણી તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે. જો શરીર હાઇડ્રેટેડ ના હોય તો ખેંચાણ, માથાનો દુખાવો, ઉબકા અને અન્ય લક્ષણો જોવા મળી શકે છે. જ્યારે ગર્ભમાં તમારા બાળકનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે પાણી આવશ્યક માત્રામાં જ પીવું જોઈએ.

ઇન્ટરમાઉન્ટેઇન હેલ્થકેર અનુસાર, સગર્ભા સ્ત્રીઓએ ગંભીર બીમારીઓથી બચવા માટે દિવસમાં 8-10 ગ્લાસ અથવા 2.3 લિટર પાણી પીવું મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જો તમે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરી શક્તા ના હોવ તો ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારા પાણીમાં લીંબુ અને ફ્રોઝન રાસ્પબેરી જેવા ફળો ઉમેરો.