ભારતમાં તબીબી નિષ્ણાતો દેશમાં વધુ એક ‘ટોમેટો ફ્લૂ’ વાઈરસના ફેલાવા સામે લડી રહ્યા છે. શનિવારના રોજ જાહેર કરાયેલા લેન્સેટ અભ્યાસ મુજબ, ભારતમાં 6 મેના રોજ કેરળમાં પ્રથમ વખત આ વાઈરસ નોંધાયો અને ત્યારથી ભારતમાં આ ફ્લૂનાં 82 જેટલા કેસ નોંધાયા છે. અભ્યાસ મુજબ આ સામાન્ય ચેપી રોગ મોટાભાગે 1 થી 5 વર્ષની વયના બાળકો અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા પુખ્ત વયના લોકોને લક્ષ્ય બનાવે છે.
‘ટોમેટો ફ્લૂ’ એટલે શું?
6 મે, 2022ના રોજ કેરળના કોલ્લમ જિલ્લામાં ‘ટોમેટો ફ્લૂ’ની ઓળખ સૌપ્રથમવાર કરવામાં આવી હતી. અભ્યાસમાં એવું જણાવાયું છે કે, ટોમેટા ફ્લૂના વાઈરસમાં કોવિડ-19 જેવા જ લક્ષણો જોવા મળે છે, પરંતુ આ વાઈરસ SARS-CoV-2 સાથે સંબંધિત નથી. વાઇરલ ઇન્ફેક્શનને બદલે ‘ટોમેટો ફલૂ’એ બાળકોમાં ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુ તાવ પછીની અસર હોઈ શકે છે. આખા શરીરમાં લાલ અને પીડાદાયક ફોલ્લીઓ નીકળે છે અને તે ધીમે-ધીમે ટામેટાના કદ જેટલી મોટી થાય છે. આ કારણોસર ફલૂને ‘ટોમેટો ફ્લૂ’ નામ આપવામાં આવ્યું હતું.
લક્ષણો શું છે?
ટોમેટો ફ્લૂ ધરાવતાં બાળકોમાં જોવા મળતાં પ્રાથમિક લક્ષણો ચિકનગુનિયા જેવા જ હોય છે, જેમાં ઉંચો તાવ, લાલ અને પીડાદાયક ફોલ્લીઓ અને સાંધામાં તીવ્ર દુખાવાનો સમાવેશ થાય છે. તેના કેટલાક લક્ષણો જેમ કે શરીરમાં દુખાવો, તાવ અને થાક કોવિડ -19 દર્દીઓ દ્વારા અનુભવાયેલા લક્ષણો જેવા જ છે. આ સિવાયના લક્ષણોમાં સાંધાનો સોજો, ઉબકા, ઝાડા, ડિહાઇડ્રેશન, સાંધામાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે.
સારવાર
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, આ બીમારીની સારવાર માટે કોઈ ચોક્કસ દવા અસ્તિત્વમાં નથી. ડૉક્ટર સાથે વાત કરતા તેઓએ ચેતવણી પણ આપી હતી કે, આ ચેપ ‘ખૂબ જ ચેપી’ છે. ટોમેટો ફ્લૂની સારવાર ચિકનગુનિયા, ડેન્ગ્યુની સારવાર જેવી જ છે. તાવ અને શરીરના દુખાવા માટે પેરાસિટામોલ સહાયક ઉપચાર તરીકે ઉપયોગમાં લઈ શકો. ટોમેટો ફલૂની અસરકારક સારવાર વિકસાવવા માટે બીમારીનાં લક્ષણોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.