વિશ્વનો પહેલો દેશ:ઓસ્ટ્રેલિયામાં 2.5 કરોડ લોકોનું DNA સ્ક્રિનિંગ, ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓ વિશે જાણી શકશો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા પોતાની પ્રજાની DNA સ્ક્રિનિંગ સરકારી ખર્ચ પર કરશે. આવું કરનાર તે વિશ્વનો પહેલો દેશ બનશે. પોતાની પ્રજાને સ્વસ્થ રાખવા અને સમય રહેતા જ નવી-નવી બીમારીઓનો ઈલાજ શોધવા માટે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે, દેશની પ્રજાનું DNA સેમ્પલિંગ કરવાથી લોકોને આવનાર સમયમાં ડાયાબિટીસ અને કેન્સર જેવી આનુવંશિક બીમારીઓ થવાની કેટલી શક્યતા છે? સામાન્ય રીતે મોંઘી ગણાતી આ DNA સ્ક્રિનિંગની શરુઆત ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સ્થિત મોનાશ યુનિવર્સિટીથી કરવામાં આવી હતી.

દર 75માંથી એક વ્યક્તિને ગંભીર બીમારીનો ખતરો
ફ્રી DNA ટેસ્ટિંગ પ્રોજેક્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 24 કલાકથી પણ ઓછા સમયમાં પહેલા તબક્કામાં 18-40 વર્ષની વયના 10,000 લોકોએ DNA તપાસ માટે નોંધણી કરાવી હતી. પરિણામો દર્શાવે છે કે, ટેસ્ટિંગ કરાયેલા દર 75 લોકોમાંથી એકને ભવિષ્યમાં ગંભીર બીમારીનું જોખમ છે. ટેસ્ટિંગમાં ગંભીર બીમારીની શક્યતા બાદ ઘણા લોકો ચિંતામાં પણ હતા.

મોનાશ યુનિવર્સિટીના આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા જેન ટિલરના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ દરમિયાન જે લોકોને ભવિષ્યમાં બીમારી થવાનું જોખમ હોવાનું જાણવા મળ્યું છે, તે ચિંતિત છે પણ આ જાણકારી તેમની બીમારીને દૂર કરવામાં મદદ કરશે. આપણે તેમને સાજા થવા માટે સમય આપવો જોઈએ. સરકાર દ્વારા કાળજી માટે પગલાં લેવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સમયસર વધુ સારી સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવાનો છે.

સ્ક્રિનિંગ ડેટા સાથે સરકાર હેલ્થ બજેટ નક્કી કરી શકશે
DNA સ્ક્રિનિંગના ડેટાના આધારે સરકાર હેલ્થ બજેટ નક્કી કરી શકશે. નિષ્ણાતો માને છે કે, વર્તમાન સમયમાં લોકોને બીમારી થયા પછી તેના વિશે ખબર પડે છે. દરેક વય જૂથ અનુસાર DNA સ્ક્રિનિંગ ડેટા રાખવામાં આવશે, જેનો ઉપયોગ સરકાર કરશે.