કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન'એ દેશ સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના 90+ કેસ નોંધાઈ ગયા છે. હોન્ગકોન્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોનાના મૂળ રૂપ SARS-CoV-2, ડેલ્ટા અને ઓમિક્રોન પર રિસર્ચ કર્યું. એમાં સામે આવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ શરીરની અંદર 70 ગણો વધારે ઝડપી ફેલાય છે. એ શ્વાસનળીથી ફેફસાંમાં પહોંચે છે. જોકે ફેફસાંમાં પહોંચ્યા બાદ આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ જેટલો નુકસાનકારક સાબિત થતો નથી.
રિસર્ચ
હોન્ગકોન્ગ યુનિવર્સિટીના રિસર્ચર્સે ઓમિક્રોનના દર્દીઓ પર રિસર્ચ કર્યું હતું. એમાં પુરવાર થયું કે ઓમિક્રોન માણસની શ્વાસનળીના મારફત ફેફસાં પર અટેક કરે છે. 24 કલાકની અંદર તેની સંખ્યા વધી જાય છે. એ કોરોનાના મૂળ રૂપ અને ડેલ્ટા વેરિયન્ટ કરતાં 70 ગણો વધુ ઝડપથી ફેલાય છે.
રાહતના સમાચાર
રિસર્ચમાં એક વાત રાહતના શ્વાસ અપાવે એવી પણ પુરવાર થઈ છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઓમિક્રોન વેરિયન્ટ ભલે ઝડપથી ફેલાતો હોય, પરંતુ એ ફેફસાંને વધારે નુકસાન પહોંચાડતો નથી. શ્વસનતંત્ર પર એનો પ્રભાવ અન્ય વેરિયન્ટ કરતાં 10 ગણો ઓછો હોય છે. ઓમિક્રોનથી ગંભીર બીમારીઓનું જોખમ ઘણું ઓછું છે.
હોન્ગકોન્ગ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પાર્કના ઈન્વેસ્ટિગેટર અને આ રિસર્ચ કરનારા ડૉ. માઈકલ શાન શી-વાઈનું કહેવું છે કે ઓમિક્રોન ભલે ઘાતક નથી, પરંતુ એની સંક્રમણ ફેલાવાની ગતિ ચિંતાજનક છે. એનાથી મૃત્યુનું જોખમ હજુ ટળ્યું નથી. માઈકલે અલર્ટ કરતાં જણાવ્યું હતું કે આ વેરિયન્ટ હાલની વેક્સિન સામે બિનઅસરકારક સાબિત થઈ શકે છે.
ઓમિક્રોનનાં લક્ષણો
દક્ષિણ આફ્રિકામાં ડિટેક્ટ થયેલા ઓમિક્રોન વેરિયન્ટનાં કેટલાંક લક્ષણો કોરોનાના મૂળ સ્વરૂપ જેવાં જ છે. ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન, માંસપેશીઓમાં દુખાવો, થાક, માથાનો દુખાવો અને તાવ જેવાં લક્ષણો ઓમિક્રોનનાં છે. સુગંધ અને સ્વાદ ન પારખી શકવા પણ એનાં લક્ષણો છે.
આ રીતે નવાં વેરિયન્ટથી બચો
કોરોના સામેની લડતમાં દુનિયાભરમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઓમિક્રોન ભલે વેરિયન્ટ નવો હોય, પરંતુ એનાથી બચવાની રીત પહેલાં જેવી જ અપનાવાની છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ભીડભાડથી અળગા રહેવું અને વારંવાર હાથ ધોવા સહિતની હાઈજીન પ્રેક્ટિસથી નવા વેરિયન્ટથી બચી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.