24 કલાકમાંથી 60 મિનિટ પોતાના માટે કાઢો:દીપિકા પાદુકોણ-શાહરુખ ખાનવાળી બીમારી ક્યાંક તમને તો નથી ને? મહિલાઓમાં સૌથી વધુ વર્ક-મેરેજનું સ્ટ્રેસ હોય છે

2 મહિનો પહેલાલેખક: એશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

લાંબા સમય સુધી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવો આજે સામાન્ય વાત છે. આ સાથે જ ઘરની આસપાસ ફરવા માટે કાર કે બાઈકનો સહારો લેવો અને ઘરનાં કામકાજ માટે મશીનો પર નિર્ભર રહેવું અનુકૂળ લાગે છે, પરંતુ આ જીવનશૈલી માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ અસર કરી રહી છે. મગજની તંદુરસ્તી માટે શરીરની હિલચાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વોકિંગ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે ઊંડો સંબંધ
શરીર જેટલું વધારે સક્રિય હોય છે તેટલું જ બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. લોહીનાં માધ્યમથી આખા શરીરમાં ઓક્સિજન પહોંચે છે. આનાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને તાજગીનો અનુભવ કરે છે. જો દરરોજ વોકિંગ, જોગિંગ, યોગ, સાયકલિંગ અથવા કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો શરીરમાં ફુર્તિ રહે છે. તે હોર્મોન્સને સ્વસ્થ રાખે છે અને તમારાં માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. હલનચલનને કારણે શરીરનું મેટાબોલિઝમ પણ બરાબર રહે છે. રિસર્ચ મુજબ દિવસભરમાં 60 મિનિટ પોતાનાં શરીરને આપવી જોઈએ.

પ્રકૃતિની નજીક રહેવાથી સકારાત્મકતા આવે છે
ઘણી વખત કોઈ બીમાર હોય ત્યારે ડૉક્ટરો તેમને હરવા-ફરવાની સલાહ આપે છે. વાસ્તવમાં પ્રકૃતિ એ માનસિક સ્વાસ્થ્યની દવા છે. સવારે વહેલાં ઊઠીને ચાલવાથી કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરવાથી આપણાં ન્યુરોટ્રાન્સમીટર એટલે કે મગજનાં કેમિકલ્સ સંતુલિત થઈ જાય છે. તમે પ્રકૃતિની જેટલાં વધુ નજીક હશો, તેટલાં જ સકારાત્મક બનશો. પર્વતો, નદીઓ, વૃક્ષો અને છોડ. આ બધું તમને જીવનની સુંદરતાથી અવગત કરાવે છે. તેથી, સવારે વહેલાં ઊઠીને તાજી હવા અને હરિયાળી વચ્ચે કસરત કરો.

મહિલાઓને કારકિર્દી અને લગ્ન આપે છે તણાવ
આજની મહિલાને સૌથી વધુ તણાવ લગ્ન અને નોકરીનું છે. ડૉ. બિંદા સિંહનું કહેવું છે, જેવી યુવતી યુવાન અવસ્થામાં પ્રવેશે કે પાડોશીઓ અને સંબંધીઓ માતા-પિતાને લગ્ન માટે સંબંધ બતાવવા લાગે છે. આવી સ્થિતિમાં છોકરીઓને તણાવ થવા લાગે છે, કે તેમની સ્વતંત્રતા છીનવાઈ જશે. આ સાથે જ પરિણીત મહિલાઓ માટે લગ્ન સાથે નોકરી કરવી એ સૌથી મોટો પડકાર છે. તે તણાવમાં આવી જાય છે, કે જો તેમને બાળકો થશે તો તેમની નોકરી નહીં જાય. ઘણી વખત પરિવાર તરફથી નોકરી કરવા માટે સાથ-સહકાર નથી મળતો. આજની આત્મનિર્ભર સ્ત્રીને ઘરે બેસવું ગમતું નથી, પરંતુ જે રોજ કસરત કરે છે, તે દરેક પ્રકારનાં તણાવથી દૂર રહે છે.

ક્યાંય તમારી જીવનશૈલી જ તમારા સ્વાસ્થ્યની દુશ્મન ન બની જાય
સવારે મોડાં ઉઠવું, એક જ જગ્યાએ બેસી રહેવું, ફાસ્ટફૂડ ખાવું આ બધું જ તમારું માનસિક સ્વાસ્થ્ય બગાડી શકે છે. જ્યારે મન અસ્થિર હોય છે ત્યારે નકારાત્મક વિચારો આવવાની શરૂઆત થાય છે. માનવ સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે. તે ગુસ્સે થયા હોય તેવું લાગે છે. આ સાથે જ જે લોકો સવારે વહેલાં ઉઠીને પોતાનાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે, તે માનસિક રીતે ફિટ રહે છે.

મોબાઈલ ફોનની જગ્યાએ લોકોને સમય આપો
જો તમને ગુસ્સો, ચીડિયાપણું, એકલતા લાગવા માંડે છે અથવા તમે રાત્રે ઊંઘી શકતા નથી તો તમે માનસિક બીમારીનો ભોગ બની શકો છો. આવી સ્થિતિમાં તમે તમારી જાતને અવગણશો નહીં. પોતાની જાત માટે સમય કાઢો અને તમારાં સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જીવનશૈલી બદલો. મોબાઇલનો શક્ય તેટલો ઉપયોગ ઓછો કરો. મિત્રો સાથે વાત કરો અને લોકોને મળો. તમારો જે શોખ છે તેને પૂરો કરવા માટે સમય ફાળવો.

જ્યારે બોલિવૂડ સેલેબ્સ ડિપ્રેશનની ચપેટમાં આવી ગયા
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ડિપ્રેશનનો શિકાર બની હતી. આ વાતનો ખુલાસો તેણે પોતે જ કર્યો હતો. એક દિવસ તે અચાનક રડી પડી ત્યારે તેની માતાને સમજાયું કે, તેને શું થયું છે? આ સાથે જ અનુષ્કા શર્મા પણ તેનો શિકાર બની હતી. વર્ષ 2010માં જ્યારે શાહરૂખ ખાને ખભાની સર્જરી કરાવી હતી ત્યારે તે પણ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ પણ 13 વર્ષની ઉંમરે પોતાના લુક અને વજનના કારણે ડિપ્રેશનનો શિકાર બની હતી.

કોરોના બાદ ડિપ્રેશનનાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે
લેન્સેટનાં અભ્યાસ મુજબ કોરોનાની લોકોનાં માનસિક સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડી છે. ભારતમાં દર્દીઓમાં 35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં ગભરાટ અને મૂંઝવણનાં 7.62 કરોડ અને ડિપ્રેશનનાં 5.32 કરોડથી વધુ કેસ નોંધાયા હતાં. આ સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 2018માં કહ્યું હતું કે, આપણાં દેશમાં 898 મનોચિકિત્સકો છે, જ્યારે આ સંખ્યા 20,250 હોવી જોઈએ.