આપણું ભોજન આપણા શરીરને સ્વસ્થ રાખે છે, પરંતુ આ ભોજન જો ખોટા કોમ્બિનેશન સાથે ખાવામાં આવે તો બીમાર પડતા થોડી વાર પણ નહીં લાગે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ..ડેઇલી રૂટિનમાં સામેલ ખોટી ફૂડ હેબિટ્સ વિશે....
આયુર્વેદિક ડૉક્ટર શ્રીલલિતા અવિનાશે કહ્યું, આપણે ફેટ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનને ધ્યાનમાં રાખીને કે માત્ર સ્વાદને મહત્ત્વ આપીને ભોજન ખાઈશું તો તે શરીરનું બેલેન્સ બગાડી શકે છે. સાથે જ ભોજનની વસ્તુઓ ઠંડી અને ગરમ એમ બે તાસીરમાં વહેંચાયેલી છે. આ બંને તાસીરનું સેવન આપણને બીમાર કરી શકે છે.
આ ફૂડ કોમ્બિનેશનને કહો ગુડબાય
દહીં અને પરાઠા: આ કોમ્બિનેશન મોટાભાગના લોકોનું ફેવરિટ છે. જો તમે પણ ખાતા હો તો હવેથી બંધ કરી દેજો. તેલમાં તળેલી પુરી કે પછી પરાઠાને સતત દહીં સાથે ખાવાથી આગળ જઈને હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ રહે છે.
ભોજનની સાથે કોલ્ડ ડ્રિન્ક: રેસ્ટોરાં અને પાર્ટીમાં ખાસ કરીને લોકો આવી ભૂલ કરે છે. ઠંડું કોલ્ડ ડ્રિન્ક ભોજન સાથે લેવાથી પાચનક્રિયા સુસ્ત પડી જાય છે.
બીન્સ અને ચીઝ: ચાઈનીઝ ડિશ હોય કે ઇન્સ્ટન્ટ ફૂડ, બીન્સ અને ચીઝનું કોમ્બો પાસ્તા, નૂડલ્સ અને ગ્રિલ્ડ સેન્ડવિચમાં જોવા મળે છે. આ બંનેને સાથે ખાવાથી ગેસની તકલીફ થઈ શકે છે. આથી આવા ફૂડ કોમ્બિનેશનથી બચો.
ફળ અને દહીં: ઘણા લોકોનું દહીં-ફ્રૂટ સલાડ ફેવરિટ હોય છે. આને રેગ્યુલર ડાયટમાં પણ લેતા હોય છે. હકીકતમાં આ બંનેના અલગ-અલગ એન્ઝાઇમ્સ હોય છે. આ ફૂડ કોમ્બિનેશન પેટ માટે નુકસાનકારક છે.
દૂધ બ્રેડ બટર: સવારના નાશ્તામાં જો તમે આ કોમ્બિનેશન લેતા હો, તો ચેતી જજો. આયુર્વેદ પ્રમાણે, એકલું દૂધ પીવું વધારે સારું છે. તેનાથી શરીરને વધારે પ્રોટીન મળે છે. તેની સાથે કાર્બોહાઇડટ્રેટ અને ફેટયુક્ત ભોજન લેવામાં આવે તો ડાયજેશનમાં તકલીફ થશે અને પેટ ભારે લાગશે.
અડધી રાંધેલી શાકભાજી અને દહીં: દહીંની તાસીર ઠંડી હોય છે અને શાકભાજીમાં નાખવાથી ગરમ થઈ જાય છે. તેના ગુણનો નાશ થઈને તે ટોક્સિન બની જાય છે. વારંવાર આ કોમ્બિનેશનથી સાંધામાં દુખાવો અને શરીરમાં કોલેસ્ટેરોલની તકલીફ વધી શકે છે.
પાસ્તા અને ટમેટું: પાસ્તા અને ટમેટાંનું કોમ્બિનેશન ઇટાલિયન ફૂડમાં જોવા મળે છે, પરંતુ આયુર્વેદની વાત કરીએ તો ટમેટાં એસિડિક અને પાસ્તા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે. આ બંનેને સાથે ખાવાથી પાચનક્રિયામાં વધારે એનર્જી ખર્ચવી પડે છે. આ કારણે જ થાક લાગે છે.
આ વિશે દિલ્હીના ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. ખુશ્બુ શર્માએ કહ્યું, પ્રોટીન અને સિટ્રસ એસિડવાળા ફૂડ્સ એકસાથે ના લેવા જોઈએ. આ કોમ્બિનેશન ડાયજેશનમાં તકલીફ ઊભી કરે છે અને છાતીમાં બળતરાની તકલીફ પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.