મોઢાના છાલાંને હળવાશથી ન લેશો:બીમારીનું કારણ પણ હોઈ શકે, ઘરેલુ ઉપાયથી દુખાવામાં રાહત મેળવો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોઢામાં છાલાં પડી જાય એટલે ખાવા-પીવામાં તકલીફ પડે છે. તે ઘણા કારણોસર થઈ શકે છે. ઘણી વખત તણાવ, ઊંઘ ન આવવી અને યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી મોઢામાં છાલાં પડી જાય છે. શરીરમાં પાણીની કમી બીજા પણ ઘણા રોગોનું કારણ બને છે. ફરિદાબાદની એકાર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર વિપાશા વ્રજપુરિયા છાલા પડવાના કારણો અને તેને મટાડવા માટેના ઘરેલુ ઉપચારો સમજાવે છે.

છાલાં અનેક પ્રકારના હોય છે, ચાલો જાણીએ
નાના છાલાં (canker sores):
તેને સામાન્ય અલ્સર પણ કહેવામાં આવે છે. આ છાલા સફેદ, રાખોડી કે આછા પીળા રંગના અંડાકાર આકારના હોય છે અને તેની આસપાસ લાલાશ હોય છે. તેના કારણે અસહ્ય દુખાવાનો પણ અનુભવ થાય છે. NCBIના 2021ના રિપોર્ટ મુજબ લગભગ 20 ટકા લોકોને છાલાંની સમસ્યા થાય છે.

તેના કદ પ્રમાણે તેને જુદા-જુદા પ્રકારમાં વિભાજીત કરવામાં આવ્યા છે
છાલાં કે જેનો વ્યાસ ૧ સેન્ટીમીટરથી ઓછો હોય અને 1-2 અઠવાડિયામાં રૂઝાઈ જાય, તેને ‘હળવા ઘા’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

હળવા ઘા વાળા છાલાં શા માટે થાય છે?

 • તણાવ અથવા માંદગીને કારણે નબળી રોગપ્રતિકારક શક્તિ
 • પીરિયડ્સ દરમિયાન હોર્મોનલ ફેરફારોના કારણો
 • બી-12 અથવા ફોલેટ જેવા વિટામિન્સની ઉણપને કારણે
 • આંતરડાની ખલેલ જેમ કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, ક્રોહનની બીમારી
 • દૂષિત પીવાનું પાણી
 • ભાવનાત્મક અથવા માનસિક તણાવ
 • ધૂમ્રપાન કરવાથી પણ મોઢામાં છાલાં પડે છે

ઠંડીના છાલાં (Cold sores): તેને ‘બ્લિસ્ટર ફિવર’ પણ કહે છે. તેમાં મોઢા અને હોઠ પર પ્રવાહીથી ભરેલા છાલા હોય છે, જે ફોલ્લીઓ જેવા દેખાય છે. આછા લાલ રંગની આ ફોલ્લીઓમાં ઝણઝણાટી અને બળતરા અનુભવે છે.

શા માટે ઠંડીના છાલાં પડે છે?
આ છાલાં સિમ્પ્લેક્સ ટાઇપ-1 વાઈરસ (HSV-1)ના કારણે થાય છે. આ પ્રકારના છાલાંમાં હળવો તાવ, શરીરમાં દુખાવો, લસિકા ગાંઠોમાં સોજો અને હળવા ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. આ છાલાં 2 થી 6 અઠવાડિયા સુધી રહે છે.

મોટા છાલાં (Major sore): 2થી 3 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા છાલાને મોટા છાલાં કહેવામાં આવે છે. સાજા થવા માટે અઠવાડિયાથી એક મહિના સુધીનો સમય લાગી શકે.

હેરપેટીફોર્મ છાલાં: આનું બીજું નામ ‘પિનપોઇન્ટ અલ્સર’ છે. તેનું કદ 1-2 મિલીમીટર જેટલું હોય છે.

છાલાંથી મુક્તિ મેળવવા માટેના ઘરેલુ ઉપાય

 • જો તમે છાલાંથી પરેશાન રહો છો તો પછી વધુ પડતું તળેલું અથવા મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. ઓછા મસાલા સાથે પૌષ્ટિક આહાર લો. સલાડને ડાયટમાં સામેલ કરો. નિયમિતપણે સૂપ અને જ્યુસ પીવો.
 • મુલેઠી એ ઔષધીય ગુણોથી ભરપૂર છે. છાલાં દૂર કરવા માટે મુલેઠી ચાવો. આ સિવાય 1 ચમચી મધમાં 1/2 ચમચી મુલેઠી પાવડર મિક્સ કરીને ખાઓ. તેનાથી છાલાં જલ્દી મટે છે.
 • એલોવેરાનો રસ પેટની ગરમીને દૂર કરે છે. તેનાથી છાલાં તુરંત મટે છે. એલોવેરાનો પલ્પ જ્યૂસ બનાવીને રોજ સેવન કરશો તો ફાયદો થશે.
 • ટામેટાંમાં મળતા ઘટકો છાલાને મટાડવામાં પણ અસરકારક છે. એક ગ્લાસ પાણીમાં ટામેટાનો રસ ઉમેરો અને તેનાથી કોગળા કરો જેથી છાલાંમાં તુરંત રાહત મળે
 • સૂકા નારિયેળના નાના-નાના ટુકડાઓને મોઢામાં ચાવી-ચાવીને પેસ્ટ બનાવો. તેને થોડીવાર મોંમાં રાખો પછી ગળી જાઓ. દિવસમાં 2થી 3 વાર આમ કરો, છાલાંથી છુટકારો મળશે.
 • મોઢામાં છાલાં પડી ગયા હોય તો કાકડી અને ઠંડી દહીં જેવી ઠંડી વસ્તુઓનું સેવન કરી શકાય છે. તે છાલાંને કારણે થતી પીડા અને સોજામાં રાહત આપે છે.
 • જો પેટની ગરમીના કારણે વારંવાર છાલાં પડી જતા હોય તો દિવસ દરમિયાન થોડું પાણી કે રસ પીવો. છાલાંથી થતી બળતરાથી રાહત મળશે.
 • લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. પાણીમાં લીમડાના પાન અને લસણના રસના 5 ટીપાં ઉમેરીને ઉકાળો ને આ પાણીથી કોગળા કરો. છાલાંથી તુરંત રાહત મળશે.
 • હળદરમાં હીલિંગ ગુણતત્વ હોય છે. નવશેકા પાણીમાં હળદર અને મીઠું ઉમેરો અને કોગળા કરો. તેનાથી છાલાંના દુખાવામાં રાહત મળશે.
 • 1 ટીસ્પૂન મધમાં 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને છાલાં પર લગાવો, તમને રાહત મળશે.
 • મોઢાના અલ્સરને દૂર કરવા માટે તુલસીના પાનનું સેવન કરી શકાય છે. તુલસીના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણતત્વો હોય છે, જે વાઈરલ બીમારીઓ તેમજ ગરમીની સમસ્યાઓથી રાહત આપે છે. જેમને છાલાંની સમસ્યા હોય તે તુલસીના પાન રોજ ચાવો અને પછી પાણી પીઓ, તમને લાભ મળશે.
 • ઇલાયચી ચાવવાથી છાલાંની સમસ્યામાં રાહત મળે છે. આ માટે સવાર-સાંજ ઈલાયચી ચાવો. ત્યારબાદ નવશેકા પાણીથી મોઢું ધોઈ લો. આનાથી છાલાંની સમસ્યામાં રાહત મળશે અને ગળાનો દુખાવો પણ ઓછો થશે.
 • છાલાં મટાડવામાં કાળા મુનક્કા પણ ખૂબ જ ઉપયોગી છે. કાળા મુનક્કાને પલાળીને રાત્રે સૂતી વખતે ચાવી-ચાવીને ખાવ, તેનાથી પેટની ગરમી દૂર થશે અને પિત્તદોષમાં પણ રાહત મળશે. આવું નિયમિત રીતે કરવાથી તમારા મોઢાના છાલાં થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જશે.
 • સરસવના તેલ અને નાળિયેરના તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જો મોઢામાં છાલાં પડ્યા હોય તો આમાંથી કોઈપણ તેલને મોઢાની અંદર લગાવો.

છાલાંની સમસ્યાને હળવાશથી લેવી ભારે પડી શકે છે

 • મોઢાના છાલાં ઓરલ કેન્સરની પણ નિશાની હોઈ શકે છે. દાંતની આસપાસ બળતરા કે છાલા હોય તો તેનાથી ‘સ્વ્કેમસ સેલ કેન્સર’ થઇ શકે છે. જો તમને આવા લક્ષણો દેખાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
 • દાંતના પાછળના ભાગમાં અથવા જીભના નીચેના ભાગ પર ઘણા હોય છે જે દેખાતા નથી. જો તમને એવું લાગતું હોય તો ડોક્ટરને મળો જેથી કેન્સરને ફેલાતું અટકાવી શકાય.

મોઢામાં છાલાં કેન્સરનું લક્ષણ હોઈ શકે

 • છાલાંને કારણે ઘણા દિવસો સુધી મોઢામાં દુખાવો કે સોજો આવી જાય છે.
 • મોઢાના છાલાંના કારણે બે અઠવાડિયાથી વધુ સમય સુધી રક્તસ્રાવ.
 • જો મોંમાં છાલાં હોય તો ગળામાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી સોજો આવે છે.
 • લાંબા સમયથી મોઢા કે જીભના ભાગનો રંગ બદલ્યો હોય તેવું લાગે છે.
 • ગાલની અંદર ગઠ્ઠો હોઈ તે ઝડપથી મટતા નથી.
 • બોલવામાં મુશ્કેલી પડે છે.
 • બે અઠવાડિયાથી વધુ સમય સુધી ગળામાં ભારેપણું અથવા જડતા અનુભવવી.
 • મોં કે જીભ પર સફેદ દાગ દેખાય છે.