કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે. કેટલાક રાજ્યોએ તો તેને મહામારી પણ જાહેર કરી છે. કોરોનાથી રિકવર થયેલા અને સારવાર ચાલી રહેલા હોય તેવા દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ વધુ જોવા મળી રહ્યા છે. ગુરુગ્રામના 42 વર્ષીય પુષ્કર સરને તાજેતરમાં જ બ્લેક ફંગસને માત આપી છે. પુષ્કરનું કહેવું છે કે સમયસર સારવાર કરાવવામાં આવે તે તેના સામેની જંગ જીતી જવી સરળ બને છે. ડૉક્ટર્સ અને દર્દીઓ પાસેથી જાણો બ્લેક ફંગસ સામે કેવી રીતે લડવું...
બ્લેક ફંગસને માત આપવાની કહાની, પુષ્કરની જુબાનીએ
પુષ્કર કહે છે કે સારવાર દરમિયાન તે 30 મિલીગ્રામથી વધારે સ્ટીરોઈડ લઈ રહ્યો હતો અતાનક તેનું સુગર લેવલ વધી ગયું. તેણે ડૉક્ટરનો સંપર્ક કર્યો અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ. કોરોનાથી રિકવર થયા બાદ તેને બ્લેક ફંગસનું સંક્રમણ થયું. તેના જમણા હાથ અને માથાના જમણા ભાગમાં દુખાવો થવા લાગ્યો.
તેના ચહેરાની જમણી બાજુ સુન્ન થઈ ગઈ. આંખ લાલ થઈ હઈ અને જમણુ જડબું સુન્ન પડી ગયું. લક્ષણ સામે આવતાં જ એન્ડોસ્કોપિક સાયનસ સર્જરી થઈ અને હવે તે સ્વસ્થ છે.
બ્લેક ફંગસની સારવાર સંભવ છે. જો દર્દી સમયસર ડૉક્ટરનો સંપર્ક કરી લો તો બીમારીથી જીતી શકાય છે. જો તમે સ્ટીરોઈડ લઈ રહ્યા છો તો બ્લડ સુગર લેવલ ચેક કરાવતાં રહો.
થોડું મોડું થાત તો આંખો ગુમાવવાનો વારો આવ્યો હોત: ડૉક્ટર
પુષ્કરની સારવાર કરનાર મેક્સ સુપર સ્પેશ્યાલિસ્ટ, સાકેતના ENT ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સુમિત મૃગના જણાવ્યાનુસાર, દર્દી કોરોનાથી રિકવર થઈ રહ્યો હતો અને તે નોન ડાયાબિટિક હતો. તેને સ્ટીરોઈડ આપવામાં આવી રહ્યા હતા. ચહેરાના અડધા ભાગમાં દુખાવો અને આંખમાં સોજો થવા પર તેણે હોસ્પિટલનો સંપર્ક કર્યો.
દર્દી હોસ્પિટલ આવ્યો ત્યારે તેનો સ્વૉબ ટેસ્ટ કરવામાં આવ્યો તો બ્લેક ફંગસની પુષ્ટિ થઈ. સંક્રમણ નાકથી અન્ય ભાગમાં ન પહોંચે તે માટે તેની તાત્કાલિક એન્ડોસ્કોપિક સાયનસ સર્જરી કરવામાં આવી. જો દર્દી હોસ્પિટલ આવવામાં થોડું મોડું કરત તો તેને આંખો ગુમાવવાનો વારો આવ્યો હોત. પુષ્કર હવે સ્વસ્થ છે.
દર 25માંથી 3 દર્દી આંખો ગુમાવી રહ્યા છે
ડૉ. સુમિતના જણાવ્યા પ્રમાણે, બ્લેક ફંગસના દર્દીઓ બહુ મોડેથી સારવાર કરાવવા આવે તો તેમની સમસ્યા ગંભીર બનતી જાય છે. તેને કારણે દર 25માંથી 3 દર્દીઓએ આંખો ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
કોવિડના જે દર્દીને સ્ટીરોઈડ અપાઈ છે તેને રિકવરી બાદ જો આંખમાં કોઈ સમસ્યા અથવા માથા કે ચહેરાના કોઈ એક ભાગમાં દુખાવો થતો હોય તો આવા દર્દીને તરત એન્ડોસ્કોપી સર્જરીની જરૂર છે. આવાં લક્ષણો જણાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
શું છે બ્લેક ફંગસ
આ એક ફંગલ ડિસીઝ છે. જે મ્યુકરમાયકોસિસ નામના ફંગસથી થાય છે. તે મોટાભાગે તે લોકોને થાય છે, જેમને પહેલાથી જ કોઈ બીમારી હોય અથવા એવી મેડિસીન લઈ રહ્યા હોય જે ઈમ્યુનિટીને ઘટાડતી હોય અથવા શરીરની બીજી બીમારીઓનો સામનો કરવાની ક્ષમતા ઘટાડતી હોય.
તે શરીરમાં કેવી રીતે પહોંચે છે?
વાતાવરણમાં હાજર મોટાભાગના ફંગસ શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. જો શરીરમાં કોઈ પ્રકારનો ઘા છે અથવા શરીર બળી ગયું છે તો ત્યાંથી પણ આ ઈન્ફેક્શન શરીરમાં ફેલાઈ શકે છે. જો શરૂઆતના તબક્કામાં તેનું નિદાન કરવામાં ન આવે તો આંખો ગુમાવવી પડી શકે છે અથવા શરીરના જે ભાગમાં આ ફંગસ ફેલાયું છે, તે ભાગ સડી શકે છે.
બ્લેક ફંગસ ક્યાં જોવા મળે છે?
આ ફંગસ વાતાવરણમાં ગમે ત્યાં રહી શકે છે, ખાસ કરીને જમીન અને સડી જતાં ઓર્ગેનિક મેટર્સમાં. જેમ કે, પાંદડાઓ, સડેલાં લાકડાંઓ અને કમ્પોસ્ટ ખાતરમાં.
તેના લક્ષણો શું છે?
શરીરના જે ભાગમાં ઈન્ફેક્શન છે, તેના પર આ બીમારીના લક્ષણ નિર્ભર રાખે છે. ચહેરાની એક બાજુ સોજો, માથામાં દુખાવો, નાક બંધ થઈ જવું, ઈલટી થવી, તાવ આવવો, છાતીમાં દુખાવો, સાયનસ કન્ઝેશન, મોંની ઉપરનો ભાગ અથવા નાકમાં કાળા ઘા થવા, જે ઝડપથી ગંભીર થઈ જાય છે.
આ ઈન્ફેક્શન કયા લોકોને થાય છે?
તે એ લોકોને થાય છે જે ડાયાબિટિક છે, જેમને કેન્સર છે, જેમના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય, જે લાંબા સમયથી સ્ટિરોઈડનો ઉપયોગ કરી રહ્યા હોય, જેમને કોઈ સ્કિનની ઈજા થઈ હોય, પ્રિમેચ્યોર બેબીને પણ આ થઈ શકે છે. જે લોકોને કોરોના થઈ રહ્યો છે, તેમની પણ ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે. જો કોઈ હાઈ ડાયાબિટિક દર્દીને કોરોના થઈ જાય છે તો તેની ઈમ્યુન સિસ્ટમ વધારે કમજોર થઈ જાય છે. આવા લોકોમાં બ્લેક ફંગસ ઈન્ફેક્શન ફેલાવવાની આશંકા વધારે રહે છે.
આ ફંગસ કેટલું જોખમકારક છે?
આ ફંગસ એકથી બીજા દર્દીમાં નથી ફેલાતું, પરંતુ તે કેટલું જોખમકારક છે તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તેના 54% દર્દીઓનું મૃત્યુ થઈ જાય છે. આ ફંગસ જે એરિયામાં ડેવલપ થાય છે, તેને નષ્ટ કરી દે છે. સમયસર સારવાર કરાવવાથી તેનાથી બચી શકાય છે.
તેનાથી કેવી રીતે બચવું?
કન્સ્ટ્રક્શન સાઈટ અથના ડસ્ટવાળા એરિયામાં ન જવું, ગાર્ડનિંગ અથવા ખેતી કરતાં સમયે ફૂલ સ્લીવ્ઝની સાથે ગ્લવ્ઝ પહેરવા, માસ્ક પહેરવો, તે જગ્યાએ જવાનું ટાળવું, જ્યાંથી પાણી લિકેજ થઈ રહ્યું હોય, જ્યાં ડ્રેનેજનું પાણી ભરાયેલું હોય. જેમને કોરોના થઈ ચૂક્યો હોય, તેમને પોઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. કોરોનાથી સાજા થયા બાદ પણ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું. જો ફંગસના કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. તેનાથી આ ફંગસ શરૂઆતના તબક્કામાં પકડમાં આવી જશે અને તેની સમયસર સારવાર કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.