હેલ્થ અલર્ટ:બૂસ્ટર ડોઝ લીધો હોવા છતાં કોરોના થાય તો કેટલા દિવસ સુધી આઈસોલેટ રહેશો? એક્સપર્ટ પાસેથી જાણો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાનાં નવાં વેરિઅન્ટ ઓમિક્રોનથી ચોકોર ભયાવહ સ્થિતિ છે. વેક્સિન સાથે બૂસ્ટર ડોઝ લેનારા લોકો પણ નવાં વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. જોકે તેનાથી ગંભીર રીતે બીમાર થનારા લોકોની સંખ્યા ઓછી છે. માઈલ્ડ અથવા એસિમ્પ્ટોમેટિક વેક્સિનેટેડ દર્દીઓએ કેટલા દિવસ ક્વૉરન્ટીન રહેવું જોઈએ? આ સવાલ સૌના મનમાં ઉદભવી રહ્યો છે.

આઈસોલેશન ગાઈડલાઈન્સ
ભારત સરકારના નિયમો પ્રમાણે કોરોનાના માઈલ્ડ લક્ષણો હોય તો લક્ષણો જણાય તે દિવસથી આગામી 10 દિવસ સુધી આઈસોલેટ રહેવું જરૂરી છે. હાલ પૂરતી દેશમાં આ જ ગાઈડલાઈન છે.

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ)ની ગાઈડલાઈન પ્રમાણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું જરૂરી છે. બ્રિટન એકમાત્ર એવો દેશ છે જ્યાં આઈસોલેશન પીરિયડ ઓછો થયો છે. આઈસોલેશન પીરિયડ 10 દિવસથી 7 દિવસનો કરવામાં આવ્યો છે.

આઈસોલેશન પીરિયડ પર આટલી ચર્ચા શા માટે?
આ સમયે દુનિયાભરમાં આઈસોલેશનના સમય અંગે ચર્ચા થઈ રહી છે. કારણ કે આ સમયસીમા વેક્સિનેશન શરૂ નહોતું થયું ત્યારે નક્કી થઈ હતી જ્યારે હવે લોકો બૂસ્ટર ડોઝ લેવા લાગ્યા છે. તેથી લોકોનો ઈમ્યુન રિસ્પોન્સ પહેલાં કરતા સારો બન્યો છે. તેથી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ ઓછું છે.

કેટલાક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આઈસોલેશનનો સમય દર્દી પર છોડી દેવો જોઈએ. જોન હોપ્કિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટી ડૉ. અમેશ અદલજાનું કહેવું છે કે, રેપિડ ટેસ્ટનો ઉપયોગ કરી દર્દી પોતે નક્કી કરી શકે છે કે ક્યાં સુધી તે આઈસોલેશનમાં રહે.

અમેરિકાના ટોપ સાયન્ટિસ્ટ ડૉ. એન્થની ફૌસીએ CNN સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફુલ્લી વેક્સિનેટેડ અને એસિમ્ટોમેટિક વ્યક્તિ N95 માસ્ક અને PPE કિટ પહેરી રૂટિનમાં પરત ફરી શકે છે.

શા માટે આઈસોલેશન પીરિયડ ઓછો થવો જોઈએ
CNNની મેડિકલ એનાલિસ્ટ લીના વેન જણાવે છે કે આઈસોલેશન પીરિયડ લાંબો હોવાને કારણે લોકો કોરોના ટેસ્ટથી બચે છે. તેમના મત પ્રમાણે જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ ન હોય તો તે લાંબાગાળા સુધી આઈસોલેટ રહેવા નહિ માગે. જો વ્યક્તિને માઈલ્ડ લક્ષણો હોય તો આઈસોલેશન પીરિયડના ડરથી કોરોના ટેસ્ટ નહિ કરાવે. તેથી મેક્સિમમ ટ્રેસિંગ માટે આઈસોલેશન પીરિયડ ઓછો થવો જરૂરી છે.