ડૉક્ટર્સ ડે સ્પેશિયલ / કોરોના વોરિયર્સ શૅર કરે છે કોરોના સામેના યુદ્ધની ટ્રેજિ-કોમિક, ઈમોશનલ અનુભવોની વણઝાર

Corona Warriors shares tragic-comic, emotional experiences of the against Corona
X
Corona Warriors shares tragic-comic, emotional experiences of the against Corona

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 09:47 AM IST

આજે નેશનલ ડૉક્ટર્સ ડે છે. આ નિમિત્તે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે કોરોના સામેના જંગમાં તન, મન અને ધનથી સેવા આપી રહેલા કોરોના વૉરિયર તબીબો સાથે ગોઠડી માંડી. એમણે પણ એમના આ અત્યંત વ્યસ્ત અને સ્ટ્રેસફુલ શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને અમારી સાથે વાત કરી. એમણે આ ત્રણ મહિનાથી ચાલી રહેલા કોરોના વૉરમાં પોતે અનુભવેલા યાદગાર મોમેન્ટ્સ અમારી સાથે શૅર કર્યા. આ તબીબો સાથે ‘દિવ્ય ભાસ્કર’ વતી વાત કરી પ્રિયંકા પંચાલ, ઈશિતા શાહ, ફોરમ પટેલ અને મેઘા કાપડિયાએ.

ગુનેગારને ‘સજા’નહીં, પણ સાજા કર્યાઃ ડૉ. ધરતી પટેલ

ડૉ. ધરતી પટેલ

હૉસ્પિટલની પથારી પર જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહેલો દર્દી હંમેશાં ડૉક્ટર માટે ઊંચનીચ કે ધર્મજાતિથી પર હોય છે. GR સિવિલના કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ધરતી પટેલને જે વોર્ડમાં કામગીરી સોંપવામાં આવી હતી તે ગુનાહિત પ્રવૃતિઓમાં પકડાયેલા આરોપીઓનો હતો. કોરોનાથી સંક્રમિત થયેલા આ આરોપીઓમાંથી ઘણા એવા હતા જે જેલમાંથી સીધા સંક્રમિત થઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ધરતી પટેલે આ અનોખા સંક્રમિત દર્દીઓની સારવાર વિશે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, ‘મને સોપવામાં આવેલા કોવિડ વોર્ડમાં પ્રિઝનર્સ હતા અને એક કેસ ક્રિટિકલ હતો. એને એવું હતું કે તેણે ઘણા ગુના કર્યા છે તેની ગુનાહિત લાગણી ઉપરાંત એને કોરોના થયો, એટલે એ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. આ સ્થિતિમાં તેની તબિયત દિવસે ને દિવસે વધારે લથડી રહી હતી. એને અમે એમઆરસીએપ, સ્ટેરોઈડ, ઓક્સિજન વગેરે તમામ પ્રકારની સારવાર આપી હતી અને એન્ટિબેક્ટેરિયલ એન્ટિ વાઈરલ ટ્રીટમેન્ટ સાથે તેની સાથે વાતો કરતા રહીને તેને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ કર્યો હતો. ખુશીની વાત તો એ છે કે જ્યારે તેને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે તેને અંદરથી એવું થયું કે હવે પછી તે ખોટા કામ નહીં કરે અને બધું છોડી દેશે. હું આવા કોઈ ખોટાં કામ નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં. જ્યારે અમુક પ્રિઝનર્સ એવા હતા જે એવું ફીલ કરતા હતા કે અમે જેલમાંથી બહાર આવી ગયા છીએ, જ્યારે અમુક પ્રિઝનર્સ ગિલ્ટી ફીલ કરતા અને તેઓ ડિપ્રેશનમાં પણ જતા રહેતા હતા. ત્યારે એવા લોકોને અમે મેન્ટલ સપોર્ટ વધારે આપ્યો હતો. મારી દેખરેખ હેઠળ 50 જેટલા દર્દીઓ હતા.

ડૉ. રાજ પટેલે દર્દીઓની સારવાર કરીને દસ હજાર ગરીબોને ભોજન કરાવ્યું

ડૉ. રાજ પટેલ

24 વર્ષીય ડૉક્ટર રાજ પટેલ એલજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ સાથે તેઓ અમદાવાદની નોર્થ ઝોનમાં આવતી 9 પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ફ્રીમાં બેડની વ્યવસ્થા ગોઠવી છે તેમાં કોરોના દર્દીઓના બેડ મેનેજમેન્ટની જવાબદારી નિભાવી રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં PPE કીટ પહેરીને 9 હોસ્પિટલની વિઝિટ કરીને તેઓ જ્યારે નવરા પડતા ત્યારે ઘરે જઈને એસીની ઠંડી હવામાં આરામ ફરમાવવાને બદલે, લૉકડાઉનમાં ભૂખ્યા લોકોને ભોજન વિતરણના કામમાં લાગી જતા હતા. આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના વોલન્ટિયર સાથે તેઓ નીકળી પડતા. ડૉક્ટર રાજ પટેલે લૉકડાઉનમાં 10 હજાર લોકો સુધી જમવાનું પહોંચાડ્યુ હતું. આ સાથે તેઓએ સોસાયટીમાં ‘એક રોટી ગરીબ કે લિયે’ કેમ્પેઈન શરૂ કરીને લોકોના ઘરે ઘરે જઈને રોટલીઓ ભેગી કરીને ભૂખ્યા લોકો સુધી પહોંચાડીને સેવા પરમો ધર્મ સૂત્ર સાર્થક કર્યું. વાત અહી જ પૂરી નથી થતી. રાજ પટેલે હોસ્પિટલમાં તો કોરોના દર્દીઓને સાજા કરવામાં વ્યસ્ત હતા જ, પરંતુ આ ઉપરાંત તેઓ કોરોનાથી ડરી ગયેલા લોકોને ફોન પર કાઉન્સેલિંગ કરીને અફવાઓથી દૂર રહેવાનું પણ કામ કરતા હતા. કોઈ દર્દીને જો દવાની જરૂર હોય તો જાતે ઘરે પણ પહોંચાડવાનું કામ રાજ પટેલે કર્યું છે. આ અંગે ડૉ. રાજ કહે છે,‘એક ડૉક્ટર ક્યારેય પણ ન ઈચ્છે કે દર્દી પીડામાં હોય. આથી દર્દીના દર્દને પોતાની પીડા સમજી મેં જેટલો પણ સમય મળ્યો તે તેમની સેવા કરવામાં વીતાવ્યો છે. કદાચ આ લોકોના આશીર્વાદ જ છે કે બે વાર કોરોના રિપોર્ટ થયા બાદ પણ હું સંક્રમિત થયો નથી.’

મારી સાઈઝની PPE કિટ જ નહોતી મળતીઃ ડૉ. દિવ્યેશ પંચાલ

ડૉ. દિવ્યેશ પંચાલ

અમદાવાદના નરોડા વિસ્તારમાં ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર એવા ડૉ. દિવ્યેશ પંચાલ ખુદ MS ઓબ્સ્ટેસ્ટ્રિક્સ અને ગાયનેકોલોજી છે. કોરોનાના શરૂઆતના તબક્કામાં એમણે કોરોના પોઝિટિવ માતાઓની સફળ ડિલિવરી કરાવી હતી. ડૉ. દિવ્યેશ જણાવે છે કે, ‘હું જે હોસ્પિટલમાં સર્વિસ આપું છું ત્યાં મે મહિના સુધીમાં પ્રસૂતિ માટે આવતી માતાઓમાંથી એક તૃતિયાંશ માતાઓ કોરોના પોઝિટિવ હતી. તેમાંથી 99% એસિમ્ટોમેટિક હતી. તમને જાણીને નવાઈ લાગશે લેબર રૂમમાં 2-3 નહીં પરંતુ 8 લોકોની ટીમ PPE કિટ સાથે સજ્જ હોય છે. તેમાંથી 2 પીડિયાટ્રિક હોય છે, 2 સર્જન હોય છે અને અન્ય લોકો અસિસ્ટન્ટ હોય છે. મારી સર્વિસ દરમિયાન એક જ બાળક કોરોના પોઝિટિવ આવ્યું હતું અને તેની માતા પણ પોઝિટિવ હતી, જોકે તેનામાં હળવા લક્ષણો જ હતા. તેથી માતા અને બાળક બંનેને પ્રાથમિક તબક્કાની સારવાર આપી તેમનું મોનિટરિંગ કરી તેમને રજા અપાઈ હતી.’

 જો માતા પોઝિટિવ હોય અને બાળક કોરોના નેગેટિવ આવે તો બાળકને પરિવારને સોંપવામાં આવે છે અને જો બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં તેની માતાથી અલગ તેની સારવાર કરવામાં આવતી હોય છે. જોકે માતાને બ્રેસ્ટ ફીડિંગ માટે મંજૂરી અપાય છે. ડૉ. દિવ્યેશ સ્મિત વેરતાં કહે છે, ‘મારી હાઈટ 6 ફૂટ છે અને વજન 90 કિલો છે. શરૂઆતમાં મને એકદમ ફિટ રહે તેવી PPE કિટ પણ નહોતી મળતી. આખરે તે મળી અને મને હાશકારો થયો. ફેસ શિલ્ડ, ગ્લાસ, ગ્લવ્ઝ અને PPE કિટ સાથે લેબર રૂમમાં ઓપરેટ કરવું એ સામાન્ય સ્થિતિ કરતાં થોડી અલગ સ્થિતિ છે. કારણ કે, PPE કિટ સાથે બાળકને જન્મ આપનારી માતા અને કો. ડોક્ટર્સ સાથે કમ્યૂનિકેશનમાં થોડી ખોટ પડે છે અને અમને આ રીતે જોઈ કદાચ માતાના મનમાં પણ વધારે ગભરામણ થતી હશે. પરંતુ હવે લોકો પણ પરિસ્થિતિ સમજતા થયા છે.’

ડૉ. દિવ્યેશ સૌ કોઈને SMS ફોલો કરવાની સલાહ આપે છે. SMS અર્થાત સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝિંગ. તેમના મત મુજબ, સગર્ભા માતાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ.

દર્દી અને ડૉક્ટર બંનેનું મનોબળ મક્કમ હોય તો સારાં પરિણામ મળે જઃ ડૉ. હરિપ્રસાદ ઐયર

ડૉ. હરિપ્રસાદ ઐયર

કોરોના સામેના જંગમાં ડૉક્ટર્સે ગમે તેવા ક્રિટિકલ કેસમાં પણ સતત લડત આપી છે. આવા જ એક લડવૈયા છે ડૉ. હરિપ્રસાદ ઐયર. તેઓ મે મહિનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપી રહ્યા હતા. ત્યાં એક 64 વર્ષનાં  મહિલા કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. ડૉ. ઐયર જણાવે છે કે, આ મહિલાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયમાં સ્ટેન્ટ મૂકેલું હતું. આ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તેઓ બોલી પણ શકતાં ન હતાં. તેમને દાખલ કરાયાં ત્યારે ઓક્સિજન આપી ટ્રિટમેન્ટ શરૂ કરાઈ હતી. તેમને 10થી 15 લિટર ઓક્સિજન ચડાવવામાં આવ્યું હતું. તેમને સ્ટિરોઈડના 4થી 5 ફુલ ડોઝ અપાયા હતા. જોકે ધીમે ધીમે મહેનત રંગ લાવી અને દાખલ થયા બાદ 10મા દિવસે તેઓ સામાન્ય સ્થિતિમાં પરત ફરવા લાગ્યા હતા અનેક કોમ્પલિકેશન હોવા છતાં પણ હાર ન માની મહિલાને સ્વસ્થ કરવા માટે અથાક પ્રત્યનો સફળ થયા અને 13 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ. ડો. હરિપ્રસાદ કહે છે કે જ્યારે દર્દી અને ડોક્ટર બંનેનું મનોબળ મક્કમ હોય તો ચોક્કસપણે સારાં પરિણામો મળે જ છે. ડૉ. હરિપ્રસાદ અમે તેમની ટીમને દર્દીઓના આભાર સંદેશા પણ મળતા અને ડૉ. હરિપ્રસાદ કહે છે કે જ્યારે દર્દીઓ અમને આભાર વ્યક્ત કરે છે અને અમને આશીર્વાદ આપે છે તે ક્ષણ ખૂબ જ ભાવુક હોય છે.

ડૉ. હરિપ્રસાદે જેમની સારવાર કરી હતી તેવા એક દર્દીનો આભાર સંદેશ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી