ઓમિક્રોન દેશમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કહેર વચ્ચે ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચોંકવનારું રિસર્ચ કર્યું છે. આ રિસર્ચનાં પરિણામ પ્રમાણે હવાના સંપર્કમાં આવ્યાના 20 મિનિટની અંદર જ કોરોના વાઈરસ 90% સુધી નબળો પડી જાય છે. સાથે જ શરૂઆતના 5 સેકન્ડમાં જ વાઈરસ પોતાની અડધી શક્તિ ખોઈ નાખે છે.
કેવી રીતે ફેલાય છે કોરોના?
કોવિડ-19 બીમારી હવાનાં માધ્યમથી ફેલાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હવા ફ્લૂઈડ અર્થાત તરલ હોય છે. એમાં અનેકો પ્રકારના કણ રહેલા હોય છે. એની સાથે કોરોના વાતાવરણમાં ફેલાય છે. વાઈરસ પણ આ હવામાં તરતો હોય છે, એમ જ માનવું. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ શ્વાસ છોડે છે તો વાઈરસ હવામાં ફેલાય છે. આવી હવામાં કોઈ વ્યક્તિ શ્વાસ લે તો તેને વાઈરસ સંક્રમિત કરી શકે છે.
હવાના સંપર્કમાં આવતા વાઈરસ શક્તિ કેમ ખોઈ દે છે
સંશોધકોનું કહેવું છે કે, હવા વાઈરસનાં કણો સૂકવી દે છે. સાથે જ હવામાં કાર્બન ડાયોક્સાઈડની ઊણપ હોવાને કારણે વાઈરસનું pH લેવલ વધે છે. આ કારણે વાઈરસ મિનિટોમાં સંક્રમણ ફેલાવાની ક્ષમતા ખોઈ નાખે છે.
શરીરમાં ભેજના લીધે વાઈરસ જીવિત રહે છે
વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાઈરસ ભેજ અને કાર્બન ડાયોક્સાઈડની વધારે માત્રાવાળા વાતાવરણમાં વધારે સમય સુધી જીવિત રહી શકે છે. આ બંને વસ્તુ વાઈરસને આપણાં ફેફસાંમાં મળી રહી છે. તેથી તે જલ્દી આપણું શરીર છોડતો નથી.
ઓફિસ જેવી જગ્યાએ 5 સેકન્ડમાં 50% સુધી નબળો પડે છે વાઈરસ
રિસર્ચમાં જોવા મળ્યું કે વાતાવરણમાં ભેજની ઊણપ હોય તેવી જગ્યા જેમ કે ઓફિસમાં વાઈરસ માત્ર 5 સેકન્ડમાં જ પોતાના સંક્રમણ ફેલાવાની ક્ષમતા 50% સુધી ગુમાવી દે છે. જોકે સ્ટીમ રૂમ અથવા શૉવર રૂમમાં વાઈરસની શક્તિ વધી જાય છે. બંને સ્થિતિમાં વાઈરસ 20 મિનિટની અંદર 90% સુધી નબળો પડી જાય છે.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે વાઈરસના સંક્રમણ ફેલાવાની ક્ષમતા હવાના સંપર્કમાં આવ્યાની થોડી મિનિટોમાં જ નાશ પામે છે. આવી સ્થિતિમાં માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી વાઈરસનું સંક્રમણ રોકી શકાય છે.
ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે, આ રિસર્ચનાં લીડ વૈજ્ઞાનિક રીડ જણાવે છે કે, હાલ લોકો વેન્ટિલેશન અને હવાવાળી જગ્યા પર ફોકસ કરી રહ્યા છે. સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ સંક્રમિત લોકોની નજીક રહેવાથી છે. તેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.