હવે દવામાંથી મુક્તિ મળશે:2 ઇન્જેક્શનથી 50% સુધી ખરાબ કોલેસ્ટેરોલ ઘટશે, હાર્ટ-અટેકને રોકવામાં મદદ મળશે; 1 ઇન્જેક્શનની કિંમત 2 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દવા PCSK9 નામનું પ્રોટીન બ્લોક કરી લોહીમાંથી ખરાબ કોલેસ્ટેરોલ દૂર કરવામાં લિવરની મદદ કરે છે
  • હાઇ કોલેસ્ટેરોલથી પીડિત દર્દીઓએ વર્ષમાં 2 વખત ઈન્જેક્શન લેવાં પડશે

ખરાબ કોલેસ્ટેરોલ શરીરને એ હદે નુક્સાન કરે છે કે તે હાર્ટ-અટેકનું પણ કારણ બની શકે છે. એને કન્ટ્રોલ કરવા માટે હવે વારંવાર સ્ટેટિન્સની દવા નહિ લેવી પડે. તેને કન્ટ્રોલ કરવા માટે હવે વૈજ્ઞાનિકોએ ઈન્જેક્શન સ્વરૂપમાં દવા ડેવલપ કરી છે. આ દવાનું નામ 'ઈક્લિસિરેન' છે.

ખરાબ કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરવા માટે વર્ષમાં 2 વખત ઈન્જેક્શન લેવું પડશે. ઈંગ્લેન્ડની હેલ્થ એજન્સી NHSએ બુધવારથી આ દવાના શ્રીગણેશ કર્યા છે. એક્સપર્ટ એને 'ગેમ ચેન્જિંગ' ટ્રીટમેન્ટ અર્થાત મોટો ફેરફાર લાવનારી સારવાર જણાવી રહ્યા છે. નવા ઈન્જેક્શનથી શું ફાયદો થશે, ભવિષ્યમાં એની શું અસર થશે, આવો જાણીએ...

50% સુધી ઘટી જશે ખરાબ કોલેસ્ટેરોલ
કોલેસ્ટેરોલ એક ચરબીયુક્ત ચીકણો પદાર્થ હોય છે. તે રક્તવાહિનીઓમાં જમા થાય છે. ધીરે ધીરે એની માત્રા વધી જવાથી તે હાર્ટ-અટેક, સ્ટ્રોક અને ધમનીઓ ડેમેજનું કારણ બને છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં LDL કોલેસ્ટેરોલ કહેવાય છે.

રિપોર્ટ પ્રમાણે, દર 6 મહિને એક ઈન્જેક્શન દર્દીએ લેવાનું રહેશે. એનાથી તેમને કોલેસ્ટેરોલની દવામાંથી મુક્તિ મળશે. નવું ઈન્જેક્શન લીધા બાદ કોલેસ્ટેરોલમાં 50%નો ઘટાડો આવશે. સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદનું કહેવું છે, આ લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ છે. તે હૃદયરોગ વધતાં રોકશે. આ કોલેસ્ટેરોલની દવા સ્ટેટિન્સની સરખામણીએ વધારે અસરકારક છે.

કેવી રીતે કામ કરે છે આ ઈન્જેક્શન
આ દવા PCSK9 નામનું પ્રોટીન બ્લોક કરી લોહીમાંથી ખરાબ કોલેસ્ટેરોલ દૂર કરવામાં લિવરની મદદ કરે છે. PCSK9 પ્રોટીનને કારણે જ શરીરનાં અંગ કોલેસ્ટેરોલ દૂર કરી શકતા નથી. આ નવી દવા આ પ્રોટીન બ્લોક કરે છે. કોલેસ્ટેરોલનું લેવલ ઓછું થવા પર બીમારીનું જોખમ ઘટે છે.

પહેલા 3 લાખ દર્દીને મળશે ઈન્જેક્શન
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સિલન્સે પ્રારંભિક તબક્કામાં આ ઈન્જેક્શન માટે 3 લાખ દર્દીને પરમિશન આપી છે. તેમાં હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા, હૃદયરોગથી પીડિત અને હાર્ટ-અટેક કે પછી સ્ટ્રોકથી પીડિત લોકો સામેલ છે.

એક્સપર્ટનો દાવો છે કે નવું ઈન્જેક્શન 30 હજાર લોકોના જીવ બચાવી શકશે. આગામી એક દાયકામાં 55 હજાર હાર્ટ-અટેક અને સ્ટ્રોકના કેસ રોકી શકાશે.

ઈંગ્લેન્ડમાં આ કારણે ઈન્જેક્શનની જરૂર પડી
ઈંગ્લેન્ડના સરકારી આંકડા પ્રમાણે, દર 5માંથી 2 વયસ્કો હાઈ કોલેસ્ટેરોલથી પીડિત છે. એ હૃદયરોગનું કારણ બને છે. ઈંગ્લેન્ડમાં દર 4માંથી 1 મૃત્યુ હાઈ કોલેસ્ટેરોલને કારણે થાય છે. ઈંગ્લેન્ડનમાં ઘણા લોકો કોલેસ્ટેરોલ ઘટાડવા માટે સ્ટેટિન્સનો ઉપયોગ કરે છે. આ દવા લેવાથી દર્દીઓને માથાના દુખાવા સહિતની આડઅસર જોવા મળે છે.

ઈન્જેક્શન લેવા માટે 2 લાખ ચૂકવવા પડશે
ઈન્જેક્શનમાં ઉપયોગી દવા પર રિસર્ચ કરનારી ઈમ્પીરિયલ કોલેજ લંડનના પ્રોફેસર કૌશિક રે જણાવે છે કે આ ઈન્જેક્શન દર્દીઓ માટે એક મોટા સમાચાર છે. હવે દર્દીઓને દવામાંથી મુક્તિ મળશે. એના 1 ઈન્જેક્શનની કિંમત 2 લાખ રૂપિયા છે. વર્ષે આવાં 2 ઈન્જેક્શન લેવા જરૂરી છે. તેથી દર્દીએ એક વર્ષમાં કુલ 4 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...