લોન્ગ કોવિડથી આત્મહત્યાનું જોખમ!:દર્દીઓમાં વધી રહ્યા છે આપઘાતના કેસો, આ બીમારીનાં છે 200થી વધુ લક્ષણ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં અઢી વર્ષથી વધુ સમયથી કોરોનાએ વિશ્વભરમાં પગપેસારો કર્યો છે. કોરોનાને કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે, તો ઘણા લોકોને કોરોના બાદ અનેક બીમારી ઘર કરી ગઈ છે. તો દુનિયાભરના એકસપર્ટ ચેતવણી આપે છે કે લાંબા સમય સુધી કોરોના સામે લડેલા લોકોમાં આત્મહત્યાનું જોખમ વધી ગયું છે. મોટું ચિંતાનું કારણ એ છે કે વિશ્વમાં લોન્ગ કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ લક્ષણોને કારણે આત્મહત્યા કરનારો લોકોનો કોઈ ઓફિશિયલ ડેટા વિશે જાણકારી મળી નથી.

પહેલા જાણીએ કે શું છે લોન્ગ કોવિડ?
લોન્ગ કોવિડ અથવા પોસ્ટ-કોવિડ સિન્ડ્રોમ, કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાં 4થી 5 અઠવાડિયાં બાદ જોવા મળે છે. આ સ્થિતિમાં કોરોનાને માત આપ્યા પછી પણ થાક લાગવો, તાવ આવવો, સુગંધ ન આવવી, માથામાં દુખાવો જેવાં 200થી વધુ લક્ષણો જોવા મળ્યાં છે, એટલે કે જો શરીરમાંથી વાઇરસ દૂર થઈ જાય છે તોપણ એનાં લક્ષણો તો લાંબા સમય સુધી જોવા મળે છે. ફરી કોરોના ટેસ્ટ કરાવ્યા પછી પણ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે છે. લોન્ગ કોવિડને કારણે થતી સમસ્યાઓ લોકોને થોડા મહિનાઓ અથવા તો વર્ષો સુધી પરેશાન કરી શકે છે.

લોન્ગ કોવિડના દર્દીઓ આત્મહત્યા કરી રહ્યા છે
રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસએના ડલાસમાં રહેતા 56 વર્ષીય સ્કોટ ટેલરને 2020માં કોરોના હોવાની ખબર પડી હતી, પરંતુ 18 મહિના પછી પણ તે આ બીમારીમાંથી બહાર આવી શક્યો નથી, કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તબિયત અને આર્થિક સ્થિતિથી પરેશાન ટેલરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

કંસાસમાં રહેતી 50 વર્ષની હીડી ફેરારે 21 મે 2021ના રોજ આત્મહત્યા કરી હતી. કોરોના બાદ હીડી અનિદ્રા, દુખાવા સહિત અનેક બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો. લોન્ગ કોવિડ સપોર્ટ ગ્રુપ બોડી પોલિટિક્સના બોર્ડ મેમ્બર લોરેન નિકોલ્સ જણાવે છે, તે પોતે પણ બે વર્ષથી આ બીમારીથી પરેશાન છે અને ઘણી વખત આત્મહત્યા કરવાનો વિચાર કરી ચૂકી છે. આ સાથે જ તેની નજીકના 50થી વધુ લોકોએ લોન્ગ કોવિડને કારણે આત્મહત્યા કરી છે.

લોન્ગ કોવિડથી આ રીતે બચી શકાય
કોરોનાના દર્દીઓએ રિકવરીના સમયે અને એ બાદ પોતાનું સારી રીતે ધ્યાન રાખવું જોઇએ. લોન્ગ કોવિડથી છુટકારો મેળવવા માટે યોગ્ય આહાર, નિયમિત કસરત અને જરૂરી આરામ હોવો જોઇએ. જો તમે તીવ્ર વર્કઆઉટ્સના કરવા માગતા હો તો રિકવરી બાદ સરળ કસરતોથી શરૂઆત કરવી જોઈએ. તમે જંક ફૂડ અને પીણાંથી જેટલા દૂર રહેશો એટલું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.