આજના સમયમાં ઘણી મહિલાઓ બ્રેસ્ટ કેન્સરની ઝપેટે આવી રહી છે. 2020ના વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં બે કરોડથી વધુ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર હતું, જે પૈકી 6,85,000 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરના કારણે મોત નિપજ્યા હતા.
કેન્સરની દવાઓને લઈને અનેક જગ્યા પર સંશોધન ચાલી રહ્યા છે. આ વચ્ચે નાઈજીરિયામાં એક સંશોધકે એવી બ્રા બનાવી છે, જેનાથી બ્રેસ્ટ કેન્સર વિશે ઘરે બેઠા જાણી શકાશે.
નાઈજીરિયાના સંશોધકે એવી સ્માર્ટ બ્રા બનાવી છે જેનાથી કેન્સર વિશે ખબર પડી શકે છે. આ સ્માર્ટ બ્રામાં અલ્ટ્રાસાઉન્ડ સેન્સર લગાવવામાં આવેલું છે, જે બ્રેસ્ટને સ્કેન કરશે અને બ્રેસ્ટના ટ્યુમર વિશે જાણકારી મેળવશે. બ્રાને કારણે કેન્સરની જાણ પહેલા સ્ટેજમાં જ થઇ શકશે, જેથી ઈલાજ કરાવી શકાય.
બ્રાનું કનેક્શન મોબાઈલ સાથે
આ સ્માર્ટ બ્રા મોબાઈલ એપ સાથે જોડાયેલ હશે. બ્રેસ્ટ કેન્સરનો ટેસ્ટ રિપોર્ટ ડોક્ટરને જ ખબર પડશે. નાઈજીરિયાની કંપની નેક્સટવેર દ્વારા આ સ્માર્ટ બ્રા ડિઝાઇન કરવામાં આવી છે. સ્માર્ટ બ્રાની શોધ કરનાર રોબોટિક એન્જિનિયરે જણાવ્યું હતું કે, તેમની માતાને પણ કેન્સર હતું. પરંતુ તપાસના અભાવે ઈલાજ ના થઇ શક્યો અને તેમનું મોત નીપજ્યું હતું.
રોબોટિક એન્જિનિયરે તેમની માતાના વોર્ડમાં ઘણી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની બીમારી સામે ઝઝૂમતા જોયા હતા. તે સમયે જ તેમના મનમાં સ્માર્ટ બ્રા બનાવવાનો વિચાર આવ્યો હતો. આ બ્રામાં બેટરી પણ લગાવવામાં આવી છે, જેનાથી સેન્સર ચાલે છે. 30 મિનિટ સુધી આ બ્રા પહેરવાથી કેન્સર વિશે જાણકારી મળી શકશે.
રોબોટિક એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ બ્રાથી મહિલાઓને શરૂઆતના સમયમાં જ બ્રેસ્ટ કેન્સર વિશે જાણકારી મળવાથી ડોક્ટરની સલાહ લઈને ઈલાજ થઇ શકશે. આ બ્રા જુલાઈમાં માર્કેટમાં આવશે.
બ્રેસ્ટ કેન્સરની ઘરે આ રીતે કરો તપાસ
આ બ્રા ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલી રિમ્સ હોસ્પિટલના કેન્સર રોગ નિષ્ણાત ડો. અજિત કુશવાહે જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરના લક્ષણો શું છે અને ઘરે કેવી રીતે તપાસ કરી શકો છો.
આ રીતે કરો તપાસ
અરીસા સામે ઉભા રહીને જુઓ કે, બંને બ્રેસ્ટનો આકાર બરાબર છે કે નહીં, બંને હાથથી બ્રેસ્ટને અડીને જુઓ કે, ગાંઠ જેવું તો નથી દેખાઈ રહ્યું ને. સાઈડ પ્રોફાઈલમાં ઉભા રહીને બંને હાથથી જુઓ કે, બ્રેસ્ટ ઉપર-નીચે તો નથી દેખાઈ રહ્યા ને, જો ગાંઠ દેખાય કે બ્રેસ્ટ ઉપર-નીચે જોવા મળે તો ડોક્ટરની સલાહ લો.
બ્રેસ્ટ કેન્સરના આ લક્ષણો બાદ તમે ડોક્ટર પાસે જશો તો સૌથી પહેલાં તમને પૂછવામાં આવશે કે, પરિવારની કોઈ મહિલાઓ તો બ્રેસ્ટ કેન્સરથી પીડિત નથી ને. આ બાદ મૈમોગ્રામ ટેસ્ટ દ્વારા બ્રેસ્ટનું સ્ક્રીનિંગ કરીને બ્રેસ્ટ કેન્સર વિશે વધુ જાણી શકાશે.
ડોકટરે જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ બ્રેસ્ટ કેન્સરને લઈને ઓછી જાગ્રત છે. તેમની પાસે આવનારી 100 પૈકી 2 મહિલાઓ જ સેલ્ફ બ્રેસ્ટ એકઝામિનેશન કર્યું હોય છે.
ડોકટરે વધુમાં કહ્યું હતું કે, મહિલાઓએ બ્રેસ્ટ કેન્સરને લઈને જાગૃત થવાની વધુ જરૂર છે. બધી મહિલાઓએ મહિનામાં 1 વાર સેલ્ફ બ્રેસ્ટ એકઝામિનેશન કરવું જોઈએ, 6 મહિને એક વાર ડોકટર પાસે બ્રેસ્ટ કેન્સરનું ચેકઅપ કરાવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.