એક્સપર્ટની ચેતવણી:ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ બિનઅસરકારક સાબિત થશે, સંક્રમણથી બચવા માટે 'બાયવેલન્ટ વેક્સિન' જરૂરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયવેલન્ટ વેક્સિન કોરોના વાઈરસના મૂળ સ્વરૂપ સાથે ઓમિક્રોન સામે પણ રક્ષણ આપી શકશે
  • બાયવેલન્ટ વેક્સિનથી ઓમિક્રોનનું સંક્રમણ રોકી શકાય છે

કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ 'ઓમિક્રોન' ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં તેના 160+ કેસ નોંધાયા છે. ઓમિક્રોન પર બૂસ્ટર ડોઝ કારગર સાબિત થશે કે નહિ તેના પર ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાની ફાઈઝર કંપનીના CEO આલ્બર્ટ બોર્લાએ વેક્સિનના ચોથા ડોઝ અર્થાત બૂસ્ટર ડોઝની રજૂઆત કરી છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓમિક્રોન સામે બૂસ્ટર કરતાં પણ એક વેક્સિન વધુ અસરકારક સાબિત થશે. તેને બાયવેલન્ટ વેક્સિન કહેવાય છે. અર્થાત આ વેક્સિન એકસાથે 2 વાઈરસ પર તે અટેક કરે છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના રિપોર્ટ પ્રમાણે કમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે ઓમિક્રોનના કેસ 1.5થી 3 દિવસની અંદર બમણા થઈ રહ્યા છે.

બાયવેલન્ટ વેક્સિન વધુ દમદાર
અમેરિકાથી ભારત પરત ફરેલા 29 વર્ષના યુવકને ઓમિક્રોન થયો. તેની એક વાતે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા. આ યુવકે વેક્સિનના બંને ડોઝ સાથે એક બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. ૃતો હવે એ સવાલ એ છે કે વેક્સિનના 3-3 ડોઝ લીધા બાદ પણ તેને વાઈરસનું સંક્રમણ કેવી રીતે થયું?

એક્સપર્ટ્સનું માનવું છે કે વેક્સિન ઈન્ડસ્ટ્રીએ બૂસ્ટર ડોઝને બદલે એવી બાયવેલન્ટ વેક્સિન ડેવલપ કરવી જોઈએ જે કોરોના વાઈરસના મૂળ સ્વરૂપ (SARS-CoV-2) અને ઓમિક્રોન વેરિઅન્ટ બંને પર અસરકારક સાબિત થાય. બાયવેલન્ટ વેક્સિન એક સાથે 2 પ્રકારના બેક્ટેરિયા કે વાઈરસ સામે ઈમ્યુનિટી વધારે છે. તેના ઉપયોગથી ઈમ્યુનિટી ઝડપથી વધવાની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ રોકી શકાશે.

નવાં વેરિઅન્ટની વાસ્તવિકતા દાવાઓ કરતાં અલગ
ડૉ. વિકાર શેખે મિડ-ડેના ઈન્ટવ્યૂમાં જણાવ્યું કે, જે વાતો વહેતી થઈ છે તેનાથી વિપરિત નવો વેરિઅન્ટ પણ દર્દીને હોસ્પિટલ ભેગો કરી શકે છે. તેનાથી પણ મૃત્યુ થવાનું જોખમ છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટની સરખાણીએ ઝડપથી ફેલાય છે અને તે એન્ટિબોડી સામે બચી શકે છે.

ડૉ. શેખ જણાવે છે કે વેક્સિનના બૂસ્ટર ડોઝની ચર્ચા પાયાવિહોણી છે. ત્રીજો ડોઝ ઓમિક્રોન સામે અસરકારક સાબિત થશે તેના કોઈ વૈજ્ઞાનિક પૂરાવા નથી. તેના માટે કોઈ ટ્રાયલ થયાં નથી. WHOએ પણ બૂસ્ટર ડોઝનું સમર્થન નથી કર્યું.

બૂસ્ટર ડોઝ કેમ સુરક્ષિત નહિ?
કોરોના વાઈરસની તમામ વેક્સિન તેના મૂળ સ્વરૂપને ધ્યાનમાં રાખી બનાવાઈ છે. છેલ્લાં 2 વર્ષમાં તેમાં ઘણાં મ્યુટેશન થયાં છે. માત્ર ઓમિક્રોન વેરિઅન્ટના સ્પાઈક પ્રોટીનમાં જ 36 મ્યુટેશન્સ છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ મ્યુટેશન્સને કારણે જૂની વેક્સિન ઓમિક્રોન સામે અસરકારક નથી. તે માત્ર ગંભીર લક્ષણો ઓછાં કરવામાં અને થોડી ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. બીજી લહેરમાં પણ આ સ્થિતિ હતી. તે સમયે ડેલ્ટા વેરિઅન્ટે તબાહી મચાવી હતી. તમામ વેક્સિન કોરોનાના મૂળ સ્વરૂપ માટે બની હતી.

બૂસ્ટર ડોઝ અંગે ભારત સરકાર
સરકારે હજુ સુધી ત્રીજા ડોઝ અર્થાત બૂસ્ટર ડોઝ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. નીતિ આયોગના નિવેદન પ્રમાણે, સરકારની પ્રાથમિકતા તમામ લોકોને વેક્સિનેટેડ કરવાની છે.