હેલ્થ ટિપ્સ:મોબાઈલ સ્ક્રીનમાંથી આવતી બ્લૂ લાઈટ ઊંઘની ગુણવત્તાને નુકસાન પહોંચાડતી નથી, સંશોધનમાં ખુલાસો થયો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણા મેટાબોલિઝમ અને સ્લીપ સાઈકલ પર સ્ક્રીનમાંથી આવતી બ્લૂ લાઈટની ખરાબ અસરને ધ્યાનમાં રાખીને સૂવાના કમ સે કમ એક કલાક પહેલાં ડિજિટલ ડિવાઈસને બંધ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કે, તાજેતરમાં પ્રકાશિત થયેલું રિસર્ચ એવો નિર્દેશ કરે છે કે, ‘લિમિટેડ સ્ક્રીન ટાઈમ’ આપણા શરીર માટે હાનિકારક નથી અથવા તે ઊંઘની ગુણવત્તાને ગંભીર અસર કરતું નથી. એટલે કે સૂતા પહેલાં જો કોઈ કામને લઈને 5-10 મિનિટ મોબાઈલ એક્સેસ કરવો પડે તો તેનાથી તમારી ઊંઘ પર કોઈ નકારાત્મક અસર પડતી નથી.

સ્લીપ રિસર્ચ સોસાયટી વતી ઓક્સફર્ડ એકેડેમિકમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં તપાસ કરવામાં આવી હતી કે, આંખોમાં ફોટોસેન્સિટિવ રેટિના ગેન્ગ્લિઅન કોષો (ipRGCs) ને પ્રભાવિત કરતી બ્લૂ લાઈટની ઊંઘની ગુણવત્તા પર કોઈ અસર થશે કે કેમ? મેલાટોનિન હોર્મોન આપણને ઊંઘ આવવા પાછળ જવાબદાર હોય છે અને એવું માનવામાં આવે છે કે, બ્લૂ લાઈટ તે હોર્મોનને નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ કે, આ વાત સાચી છે કે ખોટી?

બ્લૂ લાઈટ મેલાટોનિન હોર્મોનને નુકસાન પહોંચાડે છે
બ્લૂ લાઈટ મેલાટોનિન હોર્મોનને નુકસાન પહોંચાડે છે

સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું?
18-30 વર્ષની વયની 29 વ્યક્તિઓ કે જેમાં 15 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમના પર સ્લીપ લેબમાં આ સંશોધન કરવામાં આવ્યું હતું, આ સ્લીપ લેબમાં બે પ્રકારની લાઈટ્સ હતી અને આ બંને લાઇટ એકસરખી લાગતી હોવાથી તે બંને વચ્ચેનો તફાવત ભાગ્યે જ કોઈ સમજી શકે. સંશોધનમાં સામેલ લોકો તંદુરસ્ત યુવાન વયસ્કો હતા. એક અઠવાડિયા માટે સામાન્ય સૂવાના સમય પહેલાં 50 મિનિટ કે 1 કલાક માટે સ્ક્રીનમાંથી આવતા એક પ્રકારના પ્રકાશના સંપર્કમાં આવ્યા હતા. પછી એક અઠવાડિયા પછી તેમને બીજા પ્રકારના પ્રકાશ હેઠળ પરીક્ષણ કરવામાં આવ્યું.

સંશોધનનાં તારણો શું કહે છે?
આ અભ્યાસમાં લોકોના હોર્મોનના સ્તરમાં 14% ઘટાડો થયો હતો, પરંતુ ઊંઘની ગુણવત્તા પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. સંશોધકોમાંના એક ક્રિસ્ટીન બ્લુમે ન્યૂ સાયન્ટિસ્ટ મેગેઝિનને સમજાવ્યું કે, મેલાટોનિન અને ઊંઘ લોકો વિચારે છે તેટલી નજીકથી જોડાયેલા નથી. તે ઉમેરે છે કે, ચોક્કસ સમયે સૂવાની જરૂરિયાત મોટાભાગે તમારા શરીરની આંતરિક ઘડિયાળ પર આધારિત છે.

લોકોના હોર્મોનના સ્તરમાં 14% ઘટાડો થયો હતો, પરંતુ ઊંઘની ગુણવત્તા પર કોઈ ખાસ અસર જોવા મળી નથી
લોકોના હોર્મોનના સ્તરમાં 14% ઘટાડો થયો હતો, પરંતુ ઊંઘની ગુણવત્તા પર કોઈ ખાસ અસર જોવા મળી નથી

જો કે, અન્ય નિષ્ણાતો કહે છે કે આ સંશોધન નિર્ણાયક રીતે સાબિત કરતું નથી કે સૂતા પહેલાં બ્લૂ લાઈટના સંપર્કમાં આવવા છતાં આપણી ઊંઘની ગુણવત્તા પર કોઈ અસર થતી નથી. તે કહે છે કે, માત્ર એટલું જ છે કે આ પ્રયોગમાં જે લાઈટનો પ્રકાશ દેખાય છે તે હાનિકારક નથી, પરંતુ સ્ક્રીન બીજી જુદી-જુદી પ્રકારની લાઈટનું ઉત્સર્જન પણ કરે છે તેમછતાં આ અભ્યાસ આપણા ઊંઘના ચક્રને સંચાલિત કરતી જટિલ ઘટનાનો અભ્યાસ કરવા માટે ઊંડા સંશોધનની જરૂરિયાત દર્શાવે છે.