• Gujarati News
  • Lifestyle
  • Health
  • Before The Symptoms Appear, More Than 50 Cancers Will Be Identified And A 'gallery' Test Trial Will Be Started To Find Out Which Stage Of The Cancer Is In Which Part Of The Body.

હવે પાણી પહેલાં પાળ બંધાશે:લક્ષણો જણાય તે પહેલાં 50થી વધુ કેન્સરની ઓળખ કરતાં 'ગેલેરી' ટેસ્ટની ટ્રાયલ શરૂ, શરીરના કયા ભાગમાં કયા સ્ટેજનું કેન્સર છે તે જાણી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટેસ્ટમાં જિનેટિક કોડના ફેરફારો જાણી કેન્સરની તપાસ થશે
  • નવા ટેસ્ટની મદદથી ગળાં, પેટ, ફેફસાં, પેન્ક્રિયાઝનાં કેન્સરની ઓળખ કરી શકાશે

અત્યાર સુધી કેન્સરના સંભવિત લક્ષણો જણાતાં ટેસ્ટ કર્યા બાદ તેની પુષ્ટિ કરવામાં આવતી હતી. હવે લેટેસ્ટ ટેક્નોલોજી લક્ષણો જણાતાં પહેલાં કેન્સરની ઓળખ કરી લેશે. બ્રિટનની સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે સોમવારે એક બ્લડ ટેસ્ટનાં ટ્રાયલની શરૂઆત કરી છે. આ બ્લડ ટેસ્ટથી લક્ષણો જણાય પહેલાં જ 50થી વધારે પ્રકારનાં કેન્સરની ઓળખ કરી શકાશે.

આ બ્લડ ટેસ્ટ કેટલો કારગર છે તે સમજવા માટે ઈંગ્લેન્ડના 8 વિસ્તારના 1.40 લાખ લોકો પર ટ્રાયલ શરૂ કરવામાં આવી. આ ટ્રાયલ નેશનલ હેલ્થ સર્વિસ કેન્સર સર્વિસ યુકે અને કિંગ્સ કોલેજ લંડન સંયુક્ત રીતે કરી રહ્યાં છે.

શરીરના કયા ભાગમાં કેન્સર છે તે જાણી શકાશે

ગ્રેલ યુરોપના પ્રેસિડન્ટ સર હરપાલ કુમાર જણાવે છે કે, 'ગેલેરી ટેસ્ટ' કેન્સરની માહિતી આપવાની સાથે તે શરીરમાં કયા ભાગમાં છે તે પણ જણાવશે. તે ખતરનાક કેન્સરની પણ ઓળખ કરશે. આ રિપોર્ટ ખોટો હોવાની આશંકા નહિવત છે. NHS (નેશનલ હેલ્થ સર્વિસ) સાથે મળી ટેક્નોલોજીની મદદથી કેન્સરની વહેલી તકે ઓળખ કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે.

આ નવો ટેસ્ટ સરળ છે. તેમાં મોબાઈલ ટેસ્ટિંગ ક્લિનિકમાં બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવશે. NHSના ચીફ એક્ઝિક્યુટિવ અમાંડા પ્રિચર્ડ જણાવે છે કે, લક્ષણ પહેલાં કેન્સરની ઓળખ કરવાથી દર્દીની વહેલી તકે યોગ્ય સારવાર કરવાથી ઘણા લોકોના જીવ બચાવી શકાશે. ટ્રાયલમાં આ ટેસ્ટ સફળ થાય તો તે કેન્સરની સારવાર કરવામાં એક ક્રાંતિ સાબિત થશે.

જિનેટિક કોડના ફેરફારો જાણી કેન્સરની તપાસ થશે

નવા ટેસ્ટની મદદથી ગળાં, પેટ, ફેફસાં, પેન્ક્રિયાઝનાં કેન્સરની ઓળખ કરી શકાશે. ટેસ્ટ માટે બ્લડ સેમ્પલમાં સેલ ફ્રી DNAના જિનેટિક કોડમાં થતાં રાસાયણિક ફેરફારોની ઓળખ કરવામાં આવી. આ રાસાયણિક ફેરફાર કેન્સરના ટ્યુમરમાંથી બહાર આવી લોહીમાં ભળી જાય છે. આ ફેરફારની જ તપાસ કરવામાં આવશે.

2023 સુધી ટેસ્ટના પરિણામ મળશે
સોમવારથી ટેસ્ટના શ્રીગણેશ થયા છે તેના પરિણામ 2023 સુધી આવી શકે છે. આ ટેસ્ટ સફળ થશે તો NHS 2025માં 10 લાખ લોકોનો આ ટેસ્ટ કરાવી શકે છે. NHSએ 55થી 77 વર્ષની ઉંમરના અલગ અલગ મૂળના 10 હજાર લોકોને પત્ર લખી ટ્રાયલમાં સામેલ કરવા માટે આગ્રહ કર્યો હતો.

સંશોધકોનું કહેવું છે પ્રારંભિક સ્ટેજમાં કેન્સરની ઓળખ થાય તેવા દર્દીઓ કેન્સરના પ્રથમ અથવા બીજા સ્ટેજમાં હોય છે. આ સ્ટેજમાં સારવારના અનેક વિકલ્પો હોય છે. ચોથા સ્ટેજની સરખામણીએ પ્રથમ અને બીજા સ્ટેજમાં દર્દીના રિકવર થવાની આશા 5થી 10ગણી વધુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...