દુનિયાના સૌથી પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરને ફેશિયલ પેરાલિસિસ થઈ ગયો છે. ચહેરો લકવાગ્રસ્ત થઈ જવાના કારણે તેના ઘણા કેન્સલ થઈ ગયા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી પોતાની હાલત વિશે ફેન્સને જાણકારી આપી. તેણે ખુલાસો કર્યો તેની આ હાલત રામસે હંટ સિન્ડ્રોમના કારણે થઈ છે.
3 મિનિટના વીડિયોમાં જસ્ટિને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
કેનાડામાં જન્મેલો હોલિવૂડ સિંગર જસ્ટિન બીબર 28 વર્ષનો છે. તેના ચહેરાની જમણી બાજુ લકવો થયો છે. વીડિયોમાં તે કહે છે કે તેની એક આંખ ઝપકી નથી રહી. તે હસી પણ નથી શકતો. આ બધું રામસે હંટ સિન્ડ્રોમના કારણે થયું છે.
તે જણાવે છે કે, વાઈરસે તેના કાન અને ચહેરાની નસો પર હુમલો કર્યો જેનાથી તેના ચહેરા પર લકવો મારી ગયો છે. તેણે પોતાના ફેન્સને ધીરજ રાખવા કહ્યું. તેમજ કહ્યું કે, તે નોર્મલ થવા માટે ચહેરાની એક્સર્સાઈઝ કરી રહ્યો છે, પરંતુ તે કેટલા સમયમાં સ્વસ્થ થઈ જશે એ તો તેણે પણ નથી ખબર.
બાળકોમાં પણ આ બીમારી જોવા મળી રહી છે
દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર અંશુ રોહતગીએ જણાવ્યું કે, રામસે હંટ સિંડ્રોમમાં કાનની અંદર ફોલ્લીઓ થઈ જાય છે. તેનાથી કાનની અંદરની નસો સોજાઈ જાય છે અને ચહેરો લકવાગ્રસ્ત થઈ જાય છે. તે કોઈપણ ઉંમરના મનુષ્યને થઈ શકે છે. નાના બાળકોમાં પણ આ બીમારી જોવા મળી રહી છે.
હર્પીસ ઝોસ્ટર વાઈરસ દરેકના શરીરમાં નથી હોતો. જ્યારે શરીરની ઈમ્યુનિટી ઘટી જાય છે અથવા વાતાવરણ બદલાય છે તો તે એક્ટિવ થઈ જાય છે. તેનાથી બચવા માટે સારી લાઈફ સ્ટાઈલ જરૂરી છે. દારૂ અને સિગારેટથી દૂર રહેવું જોઈએ.
દાંત સડી ન જાય તેનું ધ્યાન રાખવું
ફેશિયલ પેરાલિસિસ થાય તો સૌથી વધારે સમસ્યા ખાવા-પીવામાં થાય છે કેમ કે ન તો મોઢું ખુલે છે અને ન તો ખોરાક ચાવી શકાય છે. આવી સ્થિતિમાં ખાવાનું મોંમાં સંગ્રહિત થઈ જાય છે. મોંની અંદર જે લાળ હોય છે તે દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. લકવો થવાથી તે ઘટી જાય છે. તેના કારણે દાંત સડવા લાગે છે અને મોંમાંથી દુર્ગંધ આવે છે.
દર્દીને બ્રશ કરવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં પ્રયાસ કરવો જોઈએ કે આંગળીઓની મદદથી ધીમે-ધીમે દાંતને સાફ કરવા. તે સિવાય માર્કેટમાંથી વોટર ફ્લોસર પણ ખરીદી શકાય છે.
સોફ્ટ ડાયટ ખાવાથી દુખાવો નહીં થાય
ડાયટિશિયન કાવેરી સિંહના અનુસાર, આ બીમારીમાં ચહેરાના સ્નાયુઓ કમજોર થઈ જાય છે. તેથી દર્દીને સોફ્ટ ડાયટ જ આપવામાં આવે છે જેનાથી તે સરળતાથી ખાઈ શકે. જેમ કે, પાસ્તા, ખીચડી, બાફેલા શાકભાજી તેમજ દહીં અને ભાતથી દૂર રહેવું. તેનાથી કફ થઈ શકે છે. જો મોં શુષ્ક લાગતું હોય તો ખોરાકમાં વધારે ઘી અથવા ગ્રેવી મિક્સ કરી શકાય છે.
તે સિવાય કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી લકવો દૂર કરી શકાય છે. જેમ કે રાત્રે ગરમ દૂધમાં એરંડાનું તેલ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.
એક્સર્સાઈઝથી રાહત મળશે
ફિઝિયોથેરેપિસ્ટ દીપ્તિ કારલે જણાવ્યું કે, ચહેરાની અમુક એક્સર્સાઈઝ દિવસમાં 3-4 વખત દરરોજ કરવામાં આવે તો ફેસ મસલ્સ મજબૂત બને છે અને લકવો મટી જાય છે. આ બધી એક્સર્સાઈઝ કાચની સામે બેસીને કરવી.
ચહેરા માટેઃ તમારા ચહેરાના દરેક ભાગને ધીમે ધીમે હલાવવાનો પ્રયાસ કરો. હવે તમારી આંગળીઓ વડે ધીમે ધીમે આઈબ્રો ઉંચી કરો. તેના પછી તમારા હાથથી ચહેરાની મસાજ કરો.
નાક અને ગળા માટેઃ પોતાના નાકના નસકોરાને ફુલાવો અને ઊંડો શ્વાસ લો. તે સિવાય તમારા ગાલને ફૂલાવો અને હવાને બહાર કાઢો.
હોઠ માટે: હસવાનો પ્રયાસ કરો. તમારી જીભને દાઢી સુધી લાવવાનો પ્રયાસ કરો.
આંખો માટેઃ તમારા આંખની ભમરને ઉપર અને નીચે કરવાની પ્રેક્ટિસ કરો. આંખો પહોંળી કરો અને પછી ધીમે ધીમે બંધ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.