હેલ્થ ટિપ્સ:કમરના દુખાવામાં જલ્દી રાહત મળશે! ડોક્ટર દ્વારા કહેવામાં આવેલા આ 6 ઘરેલું ઉપચારો અજમાવો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કમરનો દુખાવો એ એક સામાન્ય શારીરિક બીમારી છે પરંતુ, જો તેનો યોગ્ય રીતે ઉપચાર કરવામાં ના આવે તો તે તમારા માટે ચિંતાજનક સાબિત થઇ શકે છે કારણકે, આપણા દેશમાં લગભગ 60 ટકા લોકો તેમના જીવનના કોઈક તબક્કે આ દુખાવાથી પીડાય છે. ઘરની સાફસફાઈ કરતી વખતે કે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે ઘણીવાર કમરના ભાગમાં અસહ્ય ઝાટકો લાગી જાય છે અને તેના કારણે આપણે ગઠિયા અને કમરદર્દ જેવી અનેક સમસ્યાઓથી પીડાવું પડે છે. કેટલીકવાર આ પીડા અસહ્ય બની જાય છે. લાંબા ગાળાના કમરના દુખાવામાંથી રાહત મેળવવા માટે ડોક્ટરને મળવું અને તેમની નિયમિત સલાહ લેવી હિતાવહ છે. વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટ લૂઇસના ન્યુરોલોજિકલ સર્જરી વિભાગના કરોડરજ્જુની સર્જરીના વડા વિલ્સન રે કહે છે, કમરના દુખાવાની સારવાર માટે ઘરેલું ઉપચાર વધુ સારા છે. જો તમને પણ કમરનો દુખાવો થતો હોય તો નીચે દર્શાવેલા ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.

વોકિંગ કરો
વિલ્સન રેના મત મુજબ જુદા-જુદા પ્રકારના કમરના દુ:ખાવાવાળા દર્દીઓમાં એક સામાન્ય ગેરસમજણ એ છે કે, તે સક્રિય રીતે ચાલી શકતા નથી, પરંતુ જો તમે તમારી વોકિંગની ક્રિયા ચાલુ રાખો છો તો તે તમારા કમરના દુ:ખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જેમને કમરનો દુખાવો હોય તેમણે દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ ચાલવું જોઈએ. એટલાન્ટાની ઇમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ઓર્થોપેડિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.સલમાન હેમાનીના જણાવ્યા મુજબ જો કોઈ એક્ટિવ ના હોય તો તેની કરોડરજ્જુ અને કમરની આસપાસના સ્નાયુઓ નબળા પડી જાય છે અને તેના કારણે અસહ્ય પીડાનો અનુભવ થાય છે. તેથી, જો તમને કમરનો દુખાવો હોય તો પણ ચાલતા રહો. ​​​​​​​

સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝ
પેટના મુખ્ય સ્નાયુઓ કમરને ટેકો આપવા માટે મદદ કરે છે. તાકાત અને સુગમતા બંને તમારા દુખાવાને દૂર કરવામાં અને તેને રોકવામાં મદદ કરી શકે છે. તેથી સ્ટ્રેચિંગ અને બેક સ્ટ્રેનથિંગ એક્સરસાઇઝને ભૂલશો નહીં. આ માટે યોગ, પિલેટ્સ અને તાઈ ચી તમારા કોર અને હિપ્સની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

કરોડરજ્જુ સીધી રાખો
જો તમે તમારી કરોડરજ્જુ સીધી રાખો તો તે તમારી કમર પરનું દબાણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જો તમને કમરદર્દ હોય તો તમે તમારી કરોડરજ્જુને સંરેખિત રાખવા માટે ટેપ, પટ્ટા અથવા સ્ટ્રેચ બેન્ડ્સનો ઉપયોગ કરી શકો છો. તમારા ખભાને વાળશો નહીં અને આગળ તરફ વધુ પડતો ઝુકાવ રાખશો નહિ. આમ કરવાથી કમરના નીચેના ભાગમાં વધુ ભાર આવી શકે છે. જા તમે સ્ક્રીનની સામે કામ કરતા હોવ તો તમારા હાથને ટેબલ અથવા ડેસ્ક પર સરખી રીતે મૂકો અને તમારી આંખોને સ્ક્રીનની ટોચ પર રાખો.​​​​​​​

વજન સંતુલિત રાખો
જો કોઈનું વજન વધારે હોય તો દેખીતી રીતે જ તેને કમરદર્દની સમસ્યા હશે. જો તમે આ કમરદર્દની સમસ્યાથી રાહત મેળવવા ઇચ્છતા હોવ તો તમારું વજન સંતુલિત રાખો. આ માટે તમે ફિટનેસ ટ્રેનરની મદદ પણ લઈ શકો છો.

ધૂમ્રપાન છોડો
સંશોધન દર્શાવે છે કે જો તમે ધૂમ્રપાન કરતા હોવ તો તમને ધૂમ્રપાન ન કરનારાઓની તુલનામાં કમરદર્દની સમસ્યાઓ થવાની શક્યતા ચાર ગણી વધી શકે છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોમાં નિકોટિન તમારી કરોડરજ્જુના હાડકાંને નબળા પાડી શકે છે અને તમારા શરીરમાંથી મહત્વપૂર્ણ પોષક તત્વોને દૂર કરી શકે છે, તેથી, ધૂમ્રપાન બંધ કરવું પણ મહત્વપૂર્ણ છે.

બરફથી શેક કરો
કમરના દુખાવાથી રાહત મેળવવા માટે બરફથી કમરના ભાગનો શેક કરવો એ એક સારો રસ્તો હોય શકે છે. જો તમારી કમરમાં સોજા ચડી ગયા હોય કે પછી અસહ્ય દુખાવો થઇ રહ્યો હોય તો બરફ સામાન્ય રીતે આ પીડામાંથી તમને સૌથી વધુ રાહત આપે છે.