કેરી ફક્ત ભારતનું રાષ્ટ્રીય ફળ જ નહીં, અદભુત સ્વાદની સાથે સાથે કેરીની ગોટલી, પાન અને છાલમાં પણ ભરપૂર ગુણ હોય છે. ડો.આર.અચલ કેરીનાં ફાયદા સમજાવે છે. કેરીને ડાયટમાં સામેલ કરવાથી તમે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકો છો. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામિન-સી અનેક રીતે મદદ કરે છે અને કેરી વિટામિન-સીથી ભરપૂર છે. એક અભ્યાસ મુજબ વિટામિન-સીના કારણે એલર્જીની સમસ્યા ઓછી થાય છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
કબજિયાતમાં કેરી ખાઓ, પેટ માટે પણ ફાયદાકારક
કેરીમાં લેક્સેટિવ ગુણ જોવા મળે છે. આ ગુણ ને કારણે કેરી ખાવાથી પેટ સાફ થઇ જાય છે. કેરીમાં ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી કેરી ખાવાથી પાચનતંત્ર સુધરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો કેરી ખાવાથી તમને ફાયદો થશે.
આંખો પણ ફાયદાકારક
કેરીમાં વિટામિન એ પણ જોવા મળે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આંખમાં બે મુખ્ય કેરોટેનોઇડ્સ છે - લ્યુટિન અને જિયાજેથીન હોય છે. જિયાજેથીન કેરીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ઉંમર વધવાની સાથે જો તમારી આંખોની રોશની થોડી ધૂંધળી થઈ ગઈ હોય તો કેરીનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. કેરીમાં રહેલું ક્રિપ્ટોજેન્થિન દ્રષ્ટિની ખામીને દૂર કરવામાં મદદરૂપ છે.
હાઈબ્લડ શુગરમાં કેરીના પાનમાં ફાયદાકારક
હાઈ બ્લડ શુગરમાં કેરીના પાન ફાયદાકારક છે. કેરીના પાંદડામાં એન્થોસાયનિડિન નામનું ટેનીન હોય છે જે શરૂઆતના ડાયાબિટીસના ઉપચારમાં મદદ કરી શકે છે. તેમાં 3 બીટા ટારેક્સોલ અને ઇથાઇલ એસિટેટ પણ હોય છે, જે હાઇપરગ્લાયસીમિયાની સારવારમાં મદદ કરે છે. 10-15 કેરીના પાનને એક કપ પાણીમાં ઉકાળીને આ પાણીને આખી રાત ઠંડુ થવા માટે મૂકી દો અને સવારે ખાલી પેટ પીવો.
વજન ઘટાડવા માટે મદદકારક
કેરીના પાન શરીરમાં જમા થતી ચરબીના લેવલને ઘટાડીને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. કેરીના પાન ચાવવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, તેનાથી વજન પણ ઘટે છે. આ સિવાય તમે સવાર-સાંજ નવશેકા પાણી સાથે કેરીના પાનનો પાવડર કે અર્ક બનાવીને પણ લઇ શકો છો. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે.
ખીલ અને કરચલીઓ દૂર કરો
કેરીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલની સમસ્યાને દૂર કરી શકે છે. આ સિવાય કેરીના પાનનો અર્ક સુક્ષ્મ રેખાઓ, ઉંમરના વધવાના સંકેતો અને ત્વચાની ડ્રાયનેસને ઘટાડી શકે છે. તે કોલેજનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે જે ચહેરા પરથી કરચલીઓ અને ફાઇન લાઇન્સને ઘટાડી શકે છે. વળી, કેરીના પાનમાં રહેલું એન્થોસાયનિન બળતરાથી તરત રાહત આપે છે. આ માટે તમે કેરીના પાન ખાઈને પણ લગાવી શકો છો.
કેરીની છાલમાં પણ ઘણા ગુણ હોય છે
કેરીની છાલને પીસીને તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફોલ્લી અને ખીલ પર લગાવો. જેનાથી થોડા દિવસોમાં ખીલ ગાયબ થઈ જશે. કેરીની છાલમાં વિટામિન સી, એસ્કોર્બિક એસિડ હોય છે, જે ફોલ્લીની અસરને ઘટાડે છે. કેરીની છાલનો અર્ક ગળાના દુખાવાની સમસ્યાને મટાડવામાં પણ અસરકારક છે. આ માટે કેરીની છાલના અર્કના રસથી કોગળા કરો અને પછી થૂંકો. આ પ્રક્રિયાનું દિવસમાં 2-3 વખત પુનરાવર્તન કરો. અર્કને ગળી જશો નહીં. કેરીની છાલ ફ્લેવોનોઇડ્સ અને પોલિફેનોલ્સ જેવા બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે. તેના ઉપયોગથી બળતરામાં રાહત મળે છે. તે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સામે પણ ખૂબ અસરકારક છે. કેરીની છાલના ઉપયોગથી હાથ, પગનો સોજો પણ ઓછો થઈ શકે છે. જો શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવી ગયો હોય તો પહેલા ડોક્ટરની સલાહ લો.
સ્કર્વીની સારવારમાં અસરકારક
વિટામિન સીથી ભરપૂર કેરીની ગોટલીનો પાવડર સ્કર્વીના દર્દીઓ માટે ફાયદાકારક છે. એક ભાગ કેરીના ગોટલીના પાવડરમાં બે ભાગ ગોળ મિક્સ કરીને સેવન કરો. વિટામિન સીની તમારી દૈનિક માત્રાને પહોંચી વળવા માટે પણ તમે આ ખાઈ શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.